World

ઇટાલીમાં યુવાનો મેલોનીથી નારાજ, રોજગાર અને શિક્ષણ મોટો મુદ્દો

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકાર માટે યુવા મતદારો મોટો પડકાર બની રહ્યા છે. નવા ઓપિનિયન પોલ મુજબ 35 વર્ષથી ઓછી ઉંમરના માત્ર 25% મતદારો સરકારના કામકાજથી સંતુષ્ટ છે. 2027માં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં યુવાનોનો આ મૂડ મેલોનીની જમણેરી ગઠબંધન માટે ચિંતાનો વિષય બની શકે છે.

મેલોની 2022માં સત્તામાં આવ્યા ત્યારથી યુવાનો માટે રોજગાર અને આર્થિક તકો વધારવા માટે મોટા આર્થિક સુધારા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો રાજકીય વિશ્લેષકોનો દાવો છે. બીજી તરફ તેમની સરકારે કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા અનેક કડક પગલાં લીધા છે, જેની અસર યુવાનો પર વધુ પડી છે.

યુવાનોનો ઝુકાવ હવે ડાબેરી પક્ષો તરફ

Youtrendના વડા લોરેન્ઝો પ્રેગ્લિયાસ્કોના જણાવ્યા પ્રમાણે યુવા મતદારો સ્પષ્ટ રીતે સેન્ટર-લેફ્ટ તરફ વળી રહ્યા છે. મેલોનીના ગઠબંધનમાં Brothers of Italy (FDI), Matteo Salviniની League અને Antonio Tajaniની Forza Italia સામેલ છે. 35 વર્ષથી ઓછી ઉંમરના મતદારોમાં આ ગઠબંધનને 30%થી પણ ઓછું સમર્થન મળી રહ્યું છે. તેની સામે Democratic Party (PD), 5-Star Movement અને Left-Green Alliance (AVS) જેવા પક્ષો ધરાવતા વિરોધી ગઠબંધનને આ જ વયજૂથમાં લગભગ 50% સમર્થન મળી રહ્યું છે. 2023માં મેલોનીની લોકપ્રિયતા ટોચ પર હતી ત્યારે માત્ર તેમની પાર્ટીને જ યુવાનોમાં એટલું સમર્થન મળતું હતું, જેટલું હવે સમગ્ર સત્તાધારી ગઠબંધનને મળી રહ્યું છે.

યુવા પુરુષો જમણે, મહિલાઓ ડાબે

ઇટાલીના યુવા મતદારોમાં પણ યુરોપના અન્ય દેશોની જેમ લિંગ આધારિત રાજકીય તફાવત જોવા મળી રહ્યો છે. યુવા પુરુષોનો ઝુકાવ જમણેરી પક્ષો તરફ વધુ છે, જ્યારે યુવા મહિલાઓ ડાબેરી પક્ષોને વધુ સમર્થન આપે છે. મિલાનની Bocconi Universityના અભ્યાસ મુજબ 18થી 29 વર્ષના પુરુષોમાં FDIને 15% સમર્થન હતું, જ્યારે મહિલાઓમાં આ આંકડો માત્ર 4.2% હતો. બીજી તરફ 30 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં 5-Star Movementને 18% સમર્થન મળ્યું હતું, જ્યારે પુરુષોમાં આ સમર્થન માત્ર 5.1% હતું.

રોજગાર અને શિક્ષણ સૌથી મોટો મુદ્દો

રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર લોરેન્ઝો ડી સિયોના મતે યુવાનોની સરકાર પ્રત્યેની નારાજગીનું સૌથી મોટું કારણ આર્થિક નીતિઓમાં બદલાવનો અભાવ છે. ઇટાલીમાં 15થી 24 વર્ષની વયના લોકોનો રોજગાર દર 21 દેશોના યુરોઝોનમાં સૌથી નીચો છે. શિક્ષણ ક્ષેત્રે પણ ઇટાલી પોતાના ઘણા યુરોપિયન ભાગીદાર દેશોની સરખામણીમાં ઓછું રોકાણ કરે છે. Bank of Italyના જણાવ્યા પ્રમાણે જર્મનીમાં યુવાન ગ્રેજ્યુએટ સરેરાશ ઇટાલિયન ગ્રેજ્યુએટ કરતાં 80% વધુ કમાણી કરે છે. વધુ સારી તકોની શોધમાં દર વર્ષે હજારો યુવા ઇટાલિયનો દેશ છોડીને વિદેશ જાય છે.

મેલોની સરકારનું કુલ સમર્થન પણ ઘટ્યું

Youtrendના આંકડા મુજબ 35 વર્ષથી ઓછી ઉંમરના મતદારોમાં મેલોની સરકારનું અપ્રૂવલ રેટિંગ માત્ર 25% છે. સમગ્ર વસ્તીમાં આ આંકડો 35% છે. એટલે યુવાનોમાં સરકાર પ્રત્યેની નારાજગી સામાન્ય મતદારો કરતાં વધુ છે. પરંતુ મેલોની માટે ચિંતા માત્ર ડાબેરી વિરોધ પક્ષોથી નથી. તેમના જ વૈચારિક કેમ્પમાં પૂર્વ સેનાધિકારી રોબર્ટો વાન્નાચીની આગેવાની હેઠળનું National Future નામનું હાર્ડ-રાઇટ પક્ષ પણ યુવાનોમાં જગ્યા બનાવી રહ્યું છે. આ પક્ષ હાલમાં લગભગ 7%ના સમર્થન સાથે પોલમાં જોવા મળી રહ્યો છે. ઇમિગ્રેશન વિરોધી વલણ ધરાવતા શહેરી યુવાનોમાં પણ વાન્નાચીને સમર્થન મળી રહ્યું છે.

યુવાનો પર કડક કાયદાનો પણ પડઘો

મેલોની સરકારે રેવ પાર્ટીઓ સામે કાર્યવાહીથી લઈને ‘લાઇટ’ કેનાબિસ, વિરોધ પ્રદર્શન, ગેરકાયદે કબજા અને કિશોર ગુનાઓ સામે કડક પગલાં લીધાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં ‘No Meloni Day’ નામે દેશવ્યાપી વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. હજારો વિદ્યાર્થીઓએ સુરક્ષા કાયદા, શિક્ષણ ક્ષેત્રના ખર્ચમાં ઘટાડો અને ગાઝા મુદ્દે મેલોની સરકારના વલણ સામે વિરોધ કર્યો હતો. ગયા મહિને સરકારે 14થી 17 વર્ષની ઉંમરના ગુનેગારોની કાયદાકીય જવાબદારી અંગેના નિયમોમાં ફેરફાર કરવા માટે બિલ રજૂ કર્યું હતું. બીજી તરફ 2023ના કડક કાયદા બાદ કિશોર જેલમાં રહેલા કેદીઓની સંખ્યામાં 50% વધારો થયો હોવાનો Antigoneનો દાવો છે.

મેલોનીના રેફરન્ડમને યુવાનોના મતથી ઝટકો

ઇટાલીમાં 35 વર્ષથી ઓછી ઉંમરના મતદારો સામાન્ય રીતે ઓછા પ્રમાણમાં મતદાન કરે છે. પરંતુ માર્ચ 2026માં મેલોની સમર્થિત ન્યાયિક સુધારા અંગેના રેફરન્ડમમાં આ વલણ બદલાયું. આ રેફરન્ડમમાં 35 વર્ષથી ઓછી ઉંમરના 67% મતદારોએ મતદાન કર્યું અને તેમાંથી 60% લોકોએ સુધારાને નકારી કાઢ્યો. સમગ્ર દેશમાં મતદાન 59% રહ્યું હતું, જેમાં 54% લોકોએ ‘ના’ મત આપ્યો હતો.

વિશ્લેષકોનું માનવું છે કે જો 2027ની ચૂંટણીમાં યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરશે તો તેઓ ચૂંટણીનું પરિણામ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Most Popular

To Top