વર્ષ 2021 ના કેસમાં કરજણ સેશન કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મદદગારી કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત કેદ, બંને આરોપીઓને રૂ.4 લાખનો દંડ
વડોદરા તા.14
કરજણના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પત્ની સ્વીટી પટેલની હત્યા કરનાર તત્કાલીન PI અજય અમૃતભાઈ દેસાઈને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે હત્યા બાદ પુરાવા નષ્ટ કરવામાં મદદ કરનાર કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકારાયો છે.
વર્ષ 2021માં સ્વીટી પટેલ 5 જૂનથી ગુમ થયા બાદ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી હતી. તપાસ દરમિયાન સ્વીટીની હત્યા તેના જ પતિ અજય દેસાઈએ કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 4 જૂનની રાત્રે લગ્નજીવનને લઈને થયેલા ઝઘડા દરમિયાન અજય દેસાઈએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ લાશનો નિકાલ કરવા અજય દેસાઈએ કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. બંનેએ સ્વીટીની લાશને કરજણથી આમોદ-વાગરા થઈ દહેજ હાઇવે પર લઈ જઈ અવાવરું સ્થળે સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 25 જૂને અજય દેસાઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સ્વીટીની હત્યાની કબૂલાત કરી હતી. લાંબી કાયદાકીય કાર્યવાહી બાદ કરજણ કોર્ટે અજય દેસાઈને IPC 302, 201 અને 114 હેઠળ દોષિત ઠેરવી હત્યામાં આજીવન કેદ તથા રૂ.2 લાખનો દંડ કર્યો છે. પુરાવાનો નાશ કરવાના ગુનામાં પણ 2 વર્ષની સખત કેદ અને રૂ.1,000નો દંડ ફટકારાયો છે. જ્યારે કિરીટસિંહ જાડેજાને IPC 201 અને 114 હેઠળ 5 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.