ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 4 ઓગસ્ટે સર્જાયેલી ગંભીર ઘટનાના થોડા દિવસ બાદ એરલાઇને મોટો નિર્ણય લીધો છે. હવે એર ઈન્ડિયા પોતાના તમામ પાઇલટ્સનું પ્રતિબંધિત નશીલા પદાર્થો અને નિયમો હેઠળ પ્રતિબંધિત દવાઓ માટે ફરજિયાત સ્ક્રીનિંગ કરશે. આ તપાસ હાલના નિયમો કરતાં પણ વધુ કડક હશે અને 13 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે.
આ નિર્ણય ફૂકેટ-દિલ્હી ફ્લાઇટ AI2379ની ઘટનાને પગલે લેવામાં આવ્યો છે. આ ફ્લાઇટમાં ઉડાન દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક લગભગ 300 ફૂટનો ફેરફાર થયો હતો. આ ઘટનામાં 24 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા હતા.
પાઇલટ્સનું ડ્રગ ટેસ્ટિંગ હવે વધુ કડક બનશે
એર ઈન્ડિયાના આંતરિક સંદેશ અનુસાર તમામ પાઇલટ્સનું પ્રતિબંધિત પદાર્થો અને દવાઓ માટે ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી હાલના નિયમોની જરૂરીયાત કરતાં આગળ વધીને કરવામાં આવી રહી છે.
ફૂકેટ-દિલ્હી ફ્લાઇટની ઘટના બાદ બંને પાઇલટ્સનું ફરજિયાત સાયકો-એક્ટિવ સબ્સ્ટન્સ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. કમાન્ડરના પ્રાથમિક ટેસ્ટમાં વધુ તપાસની જરૂરિયાત દર્શાવાઈ હતી. ત્યારબાદ સેમ્પલને નિર્ધારિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં કન્ફર્મેટરી ટેસ્ટમાં પાઇલટના ડ્રગ ટેસ્ટમાં ગાંજાના નશાના અંશ મળી આવ્યા હતા. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પાઇલટ્સને ફ્લાઇંગ ડ્યુટીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
ફ્લાઇટમાં 300 ફૂટનો અચાનક ઊંચાઈ ફેરફાર
4 ઓગસ્ટે એર ઈન્ડિયાની AI2379 ફ્લાઇટ ફૂકેટથી દિલ્હી આવી રહી હતી. એરબસ A320 વિમાનમાં 137 મુસાફરો હતા, જેમાં 3 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉડાન દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક લગભગ 300 ફૂટનો ફેરફાર થયો હતો. બાદમાં વિમાન સ્થિર થયું અને સુરક્ષિત રીતે દિલ્હીમાં ઉતર્યું. ઘટનામાં મુસાફરો અને કેબિન ક્રૂના કેટલાક સભ્યોને ઈજા થઈ હતી.
વિમાનમાં 11 સિસ્ટમ એલર્ટથી તપાસ વધુ ગંભીર
ઘટનાની તપાસ દરમિયાન વિમાનના પોસ્ટ-ફ્લાઇટ મેન્ટેનન્સ રિપોર્ટમાં 2થી 3 મિનિટના સમયગાળામાં 11 સિસ્ટમ એલર્ટ નોંધાયા હતા. તેમાં આશરે 1 મિનિટમાં હાઇડ્રોલિક સિસ્ટમના 3 લો-પ્રેશર વોર્નિંગ પણ આવ્યા હતા. ત્યારબાદ ઓટોપાઇલટ ડિસકનેક્ટ થયો હતો. તપાસકર્તાઓ હવે એ પણ તપાસી રહ્યા છે કે આ ટેક્નિકલ સમસ્યાઓ અને વિમાનની ઊંચાઈમાં આવેલા અચાનક ફેરફાર વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં.
સરકારે DGCAને પણ નિયમોની સમીક્ષા કરવા કહ્યું
કમાન્ડરના ડ્રગ ટેસ્ટના પરિણામ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને પાઇલટ્સના ડોપ ટેસ્ટિંગના નિયમોની સમીક્ષા કરવા કહ્યું છે. DGCA અન્ય દેશોમાં પાઇલટ્સના સાયકો-એક્ટિવ સબ્સ્ટન્સ ટેસ્ટિંગ માટે કયા નિયમો લાગુ છે તેનો અભ્યાસ કરશે. ત્યારબાદ ભારતમાં હાલના પ્રોટોકોલમાં કોઈ ફેરફાર અથવા વધુ કડકાઈની જરૂર છે કે નહીં તે નક્કી કરવામાં આવશે.
પોઝિટિવ ટેસ્ટ આવે તો શું થાય?
હાલના DGCA નિયમો મુજબ સાયકો-એક્ટિવ સબ્સ્ટન્સ માટે પોઝિટિવ આવનારા એવિએશન કર્મચારીને રિહેબિલિટેશન કાર્યક્રમ માટે મોકલી શકાય છે.
- પ્રથમ પોઝિટિવ ટેસ્ટ બાદ રિહેબિલિટેશન પ્રક્રિયા થઈ શકે છે
- બીજી વખત પોઝિટિવ ટેસ્ટ આવે તો લાઇસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે છે
- ત્રીજી વખત ઉલ્લંઘન થાય તો લાઇસન્સ રદ થઈ શકે છે
સરકાર હવે આ નિયમો પૂરતા છે કે નહીં તેની પણ સમીક્ષા કરી રહી છે.
AAIBની તપાસ પણ ચાલુ
ફૂકેટ-દિલ્હી ફ્લાઇટની સમગ્ર ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કરી રહ્યું છે. તપાસમાં ટેક્નિકલ, ઓપરેશનલ, મેડિકલ અને હ્યુમન ફેક્ટર સહિત અનેક પાસાં તપાસવામાં આવી રહ્યા છે. તપાસ દરમિયાન ફ્લાઇટ ડેટા, કોકપિટ રેકોર્ડિંગ, મેન્ટેનન્સ રેકોર્ડ, મેડિકલ માહિતી અને સંબંધિત લોકોના નિવેદનોનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. AAIBએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ એક માહિતીના આધારે અંતિમ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. સરકાર હવે તપાસ ઝડપી બનાવવાની પણ તૈયારી કરી રહી છે અને વચગાળાનો રિપોર્ટ લગભગ 1 મહિનામાં આવી શકે છે.