SURAT

સોનાની ચેઈન સાથે અડાડી રૂપિયા મંદિરમાં મુકવાની મારે બાધા છે, કહી ઠગ વૃદ્ધાને છેતરી ગયો

સુરત: ભગવાનનું મંદિર (Temple) પવિત્ર ઘામ કહેવાય છે. કોઈ પણ જાતના કપટ વગર લોકો મંદિરમાં શુદ્ધ ભાવે જતાં હોય છે. પરંતુ સમય એવો આવી ગયો છે કે લોકો આ પવિત્રઘામમાં પણ કપટ કરી રહ્યાં છે. ગઠિયાઓ ભગવાનના મંદિરને પણ લોકોને ઠગી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સુરતનાં (Surat) ઉધના વિસ્તારમાં ધટયો છે. જેમાં એક અજણ્યાએ રુપિયા દાન કરવાના બહાને એક વૃદ્ધાને ઠગી દીધા હતાં.

જાણકારી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં ભગવતીનગરની સામે અક્ષરકુંજ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.B-301માં રહેતા 66 વર્ષીય વિધવા શારદાબેન મોહનભાઈ દવેનો પૂજારી પુત્ર કપિલ મંગળવારે સવારે ભગવતીનગરમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરવા ગયો હતો. બપોરે 12 વાગ્યાના સમયે જયારે શારદાબેન મંદિર બંધ કરવા ગયા તે સમયે એક અજાણ્યો કે જેની ઉંમર લગભગ 40 થી 45 વર્ષની વચ્ચેની હોય તેણે આવીને શારદાબેનને કહ્યું કે તે મંદિરમાં રોકડ રુપિયાનું દાન કરવા માંગે છે. તેણે કહ્યું કે તેણે માનતા માની છે કે સોનાની ચેનને અડાવીને આ રુપિયાનું દાન કરશે જો કે મારી પાસે હાલ સોનાની ચેન નથી તેથી તમે આપશો. ભોળપણમાં આવી શારદાબેન ગઠિયાને પોતાના ઘરે લઈ ગયા અને પોતાની સોનાની ચેન આપી હતી. ત્યારપછી ગઠિયાએ સોનાની ચેન પોતાની પાસેના રૂપિયાના બંડલ સાથે વિંટાળી સેટી ઉપર રાખેલા તકિયાના કવરમાં મુકી દીધી હતી. તેણે શારદાબેનને કહ્યું કે જો તેઓ આ ચેન અને પૈસા તકિયામાંથી અત્યારે કાઢશો તો અપશુકન થશે. જેના કારણે શારદાબેન અને પુત્રવધુ ઘરના રોજીંદા કામમાં લાગી ગયા હતા. એકાએક 12.30 વાગ્યે અજાણ્યો તેમને જાણ કર્યા વગર જતો રહ્યો હતો. શંકા જતા શારદાબેન તેમજ તેમની પુત્રવધુએ તકિયાનું કવર જોયું તો તેમાં પૈસાનું બંડલ અને સોનાની ચેન બંને ગાયબ થઈ ગયા હતાં. આ અંગેની ફરિયાદ શારદાબેને ઉધના પોલીસ મથકમાં નોંધાવી હતી.

Most Popular

To Top