SURAT

વરાછામાં મિત્રની નજર સામે ચપ્પુના ઘા મારી યુવકને બે હુમલાખોરોએ રહેંસી નાંખ્યો, CCTV આવ્યા સામે

સુરત: સુરતના વરાછા વિસ્તારમાં બુધવારે રાત્રે સરેઆમ મર્ડર થયું છે. અહીં એક યુવક બાઈક પર બેઠો બેઠો કોઈક સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે બે હુમલાખોરો ત્યાં ચપ્પુ લઈ ધસી આવ્યા હતા અને યુવક કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેની પર તૂટી પડ્યા હતા. ઉપરાછાપરી 9 જેટલાં ઘા યુવકના શરીરમાં મારતા યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો. જાહેરમાં ખેલાયેલા આ ખુની ખેલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર મૂળ રાજકોટના જામકંડોરણાના ધોળીધારનો વતની અને સુરતમાં વરાછા માતાવાડી વિસ્તારમાં આવેલા અર્ચના ભવનની બાજુમાં આવેલી ઈશ્વરકૃપા સોસાયટી ઘર નં.55માં રહેતા ખુશાલ કોઠારીની હત્યા થઈ છે. ખુશાલ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો અને તેના પરિવારમાં પત્ની નયના અને બાળકો છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ખુશાલ કોઠારી બુધવારે રાત્રે 8.30 કલાકે વરાછામાં આવેલી કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઈક ઉપર ગયો હતો. અહીં તુલસી પાનની સામે રસ્તાની વચ્ચે બાઈક ઉભી રાખી ખુશાલ મિત્ર કમલેશ સાથે વાત કરતો હતો ત્યારે જ બાઈક ઉપર પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા અને હર્ષ ગામી આવ્યા હતા. આ બંને જણાએ કશું બોલ્યા વિના બાઈક પર બેઠેલા ખુશાલ પર હુમલો કરી દીધો હતો. ખુશાલના શરીરે પોતાની પાસેના ચપ્પાઓ વડે આડેધડ ઘા ઝીંક્યા હતા. એકાએક હુમલો થતા ખુશાલ સ્વબચાવ કરી શક્યો નહોતો. બાઈક રસ્તે આડું પડી ગયું હતું અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ખુની ખેલનું આ જીવંત દ્રશ્ય જોઈ ખુશાલના મિત્ર સહિત આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. નજર સામે જ મિત્ર પર હુમલો થતા ગભરાયેલા કમલેશે બીજા મિત્ર કનુ પરમારને ફોન કરી બોલાવ્યો હતો. તેઓ લોહીલુહાણ ખુશાલને પહેલા નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ ખુશાલની હાલત ગંભીર હોય અન્ય મિત્રો સાથે મળી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો.

જોકે, ખુશાલને છાતીના ભાગે બે ઘા, ડાબા ગળા પાસે, જમણા ગળા પાસે, ડાબી તરફ પેટના ભાગે, ડાબા પગના જાંગના ભાગે ચાર ધા માર્યા હોય તેનું ટૂંકી સારવાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

જૂની અદાવતમાં ખુશાલની હત્યા થઈ
જેની હત્યા થઈ તે ખુશાલ કોઠારી પણ માથાભારે હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ખુશાલ કોઠારીનો ગયા ડિસેમ્બર મહિનામાં પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા સાથે ઝઘડો થયો હતો. તે બનાવમાં પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તે ઝઘડાની અદાવતમાં જ ગતરાત્રે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાએ મિત્ર હર્ષ ગામી સાથે મળી ખુશાલને રહેંસી નાંખ્યો હતો. બનાવ અંગે વરાછા પોલીસે નયનાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top