National

IMEI સાથે છેડછાડ કરી તો સીધી જેલ, નકલી સિમ અને કોલર આઈડીની રમત પર સરકારનો સકંજો

મોબાઈલ સિમ કાર્ડ અને ફોનના IMEI નંબર સાથે ચેડાં કરનારાઓ માટે સરકાર હવે કડક બની છે. ટેલિકોમ વિભાગ એટલે કે DoTએ નકલી સિમ, ખોટા દસ્તાવેજથી સિમ મેળવવા, IMEI નંબર બદલવા અને બનાવટી કોલર આઈડીનો ઉપયોગ કરવા સામે કડક ચેતવણી આપી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવી પ્રવૃત્તિ માત્ર સાયબર ફ્રોડ માટે જ નહીં, પરંતુ સમગ્ર ટેલિકોમ નેટવર્કની સુરક્ષા માટે પણ મોટો ખતરો બની શકે છે.

સિમ તમારા નામે છે તો જવાબદારી પણ તમારી

DoTએ સૌથી મહત્વની ચેતવણી સિમ કાર્ડને લઈને આપી છે. જો કોઈ વ્યક્તિ પોતાના નામે લીધેલી સિમ બીજા વ્યક્તિને ભાડે આપે, વાપરવા આપે અથવા ટ્રાન્સફર કરે અને તે સિમનો ઉપયોગ સાયબર ફ્રોડ કે અન્ય ગેરકાયદેસર કામમાં થાય, તો મૂળ સિમધારક પણ કાયદાકીય મુશ્કેલીમાં આવી શકે છે. ખોટા દસ્તાવેજો, છેતરપિંડી અથવા કોઈ બીજાના નામે ઓળખ આપીને સિમ મેળવવી પણ નિયમો વિરુદ્ધ છે. તેથી પોતાની સિમ કોઈ અજાણ્યા વ્યક્તિને આપવી કે તેના નામે સિમ લઈ આપવી જોખમી બની શકે છે.

IMEI નંબર સાથે ચેડાં કર્યા તો ભારે સજા

IMEI એટલે મોબાઈલ ફોનની ઓળખ માટેનો અનોખો નંબર. સામાન્ય રીતે દરેક મોબાઈલ માટે તેનો પોતાનો IMEI હોય છે. આ નંબર સાથે છેડછાડ કરીને ફોનની ઓળખ બદલવી કે બનાવટી IMEIનો ઉપયોગ કરવો હવે ગંભીર ગુનો છે. ટેલિકોમ્યુનિકેશન એક્ટ, 2023 હેઠળ ટેલિકોમ ઓળખ સાથે ચેડાં કરવા સામે કડક જોગવાઈ છે. આવા ગુનામાં 3 વર્ષ સુધીની જેલ, ₹50 લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. આ ગુનો ગંભીર અને જામીન વગરની કાર્યવાહી હેઠળ પણ આવી શકે છે.

નકલી ફોન અને IMEIની રમત પણ બંધ થશે

સરકારે મોબાઈલ ફોનની સાચી ઓળખ ચકાસવા માટે વ્યવસ્થા વધુ કડક બનાવી છે. ફોન બનાવતી અને આયાત કરતી કંપનીઓ માટે IMEIની નોંધણી જરૂરી કરવામાં આવી છે. DoTના જણાવ્યા પ્રમાણે નકલી અથવા ચેડાં કરેલા IMEI ધરાવતા ફોન નેટવર્કની સુરક્ષા માટે જોખમ બની શકે છે. આવા ફોનનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય તો પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે ફોનને ઓળખવો અને તેની પાછળના વ્યક્તિ સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે.

કોલર આઈડીની બનાવટ પણ ખતરનાક

છેતરપિંડી કરનારાઓ ઘણી વખત ફોન કરનારનો નંબર અલગ દેખાય તે માટે બનાવટી કોલર આઈડીનો ઉપયોગ કરે છે. એટલે સ્ક્રીન પર દેખાતો નંબર જોઈને જ ફોન કરનાર વ્યક્તિ સાચી છે એવું માનવું જોખમી છે. ખાસ કરીને બેંક, પોલીસ, સરકારી વિભાગ અથવા કોઈ જાણીતી સંસ્થા બનીને ફોન કરવામાં આવે ત્યારે સાવચેત રહેવું જરૂરી છે. ફોન કરનાર વ્યક્તિ પાસેથી ઓટીપી, બેંકની માહિતી, પાસવર્ડ કે અન્ય ગુપ્ત માહિતી આપવી નહીં.

સરકારે સાયબર ફ્રોડ રોકવા માટે અનેક સુવિધા શરૂ કરી

DoTની વ્યવસ્થામાં લોકોને પોતાના નામે કેટલા મોબાઈલ કનેક્શન ચાલી રહ્યા છે તે તપાસવાની સુવિધા પણ છે. સત્તાવાર સંચાર સાથી પોર્ટલ પર નાગરિકો પોતાના નામે ચાલતા મોબાઈલ કનેક્શન ચકાસી શકે છે. આ ઉપરાંત ખોવાયેલો કે ચોરાયેલો ફોન બ્લોક કરાવવા અને પોતાના મોબાઈલનો IMEI સાચો છે કે નહીં તે ચકાસવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. શંકાસ્પદ છેતરપિંડીવાળા સંદેશા અથવા ફોન અંગે પણ ફરિયાદ કરી શકાય છે.

સિમ આધારિત છેતરપિંડી સામે સરકારનો મોટો પ્લાન

સરકાર અગાઉ પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતી સંદેશાવ્યવહાર એપ્સ માટે સિમ સાથે નંબર જોડાયેલો હોવાની વ્યવસ્થા અંગે દિશાનિર્દેશ આપી ચૂકી છે. તેનો હેતુ એવા કિસ્સાઓ રોકવાનો છે જેમાં કોઈ વ્યક્તિના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેની સિમ ફોનમાં હાજર ન હોવા છતાં એપ ચલાવી સાયબર ફ્રોડ કરવામાં આવે.

DoTનો તાજો સંદેશ સ્પષ્ટ છે કે મોબાઈલ નંબર, સિમ અને ફોનની ઓળખ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ હવે હળવાશથી લેવામાં આવશે નહીં. ખાસ કરીને પોતાના નામે લીધેલી સિમ કોઈ બીજાને આપતા પહેલાં લોકો સાવચેત રહે, કારણ કે ગુનો કરનાર કોઈ બીજો હોય તો પણ મુશ્કેલી તમારા સુધી પહોંચી શકે છે.

Most Popular

To Top