Gujarat Main

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું સરેન્ડર

મોરબી: ગઈ તા. 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં 100 વર્ષ જૂનો ઝુલતો બ્રિજ તૂટી (Morbi Bridge Collapsed) પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. આ બ્રિજના રિપેરિંગ અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ઘડિયાળ બનાવતી કંપની ઓરેવા ગ્રુપ પાસે હતી. તેથી મોરબી પોલીસે ઓરેવા (Orewa) ગ્રુપના મેનેજર સહિત 9 સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી, પરંતુ ઓરેવા ગ્રુપના એમડી સામે કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.

દરમિયાન બે દિવસ પહેલાં પોલીસે કોર્ટમાં 1200થી વધુ પાનાની ચાર્જશીટ (Charge Sheet) રજૂ કરી હતી તેમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને વોન્ટેડ દર્શાવાયા હતા. આ કેસમાં સુનાવણી હાથ ધરાય તે પહેલાં જ નાટ્યાત્મક રીતે ભાગેડુ જયસુખ પટેલ હાજર થઈ ગયા હતા. આજે જયસુખ પટેલ (Jaysukh Patel Surrender) કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટના આદેશ બાદ તેઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.

નોંધનીય છે કે જયસુખ પટેલે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જેની પર આવતીકાલે તા. 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થવાની હતી. પરંતુ તે પહેલાં જ તેઓ હાજર થઈ ગયા છે. અગાઉ જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ થયું હતું, જેના પગલે જયસુખ પટેલ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલાં મોરબી પોલીસે ચાર્જશીટમાં તેમનું નામ ઉમેર્યું હોય આજે નાટ્યાત્મક રીતે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા હતા.

શું હતી સમગ્ર ઘટના?
મોરબીના 100 વર્ષ જુના ઝુલતા પુલના મેઈન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી. કંપની દ્વારા ઝુલતા પુલનું રિનોવેશન કરાયા બાદ કોઈ પણ મંજૂરી લીધા વિના ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. દિવાળીના વેકેશનમાં લોકો મોટી સંખ્યામાં પુલ પર ભેગા થયા હતા અને ખુલ્લો મુકાયાના પાંચ જ દિવસમાં તે તુટી પડ્યો હતો. આ ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાતા ફરિયાદમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે ઉમેરાયું હતું.

Most Popular

To Top