SURAT

યુવાઓની દિલની ધડકન બન્યા સુરતના સેલ્ફી પોઇન્ટ

સ્માર્ટ ફોન સામાન્ય માણસ માટે પણ હાથવગા થતા યુવા વર્ગથી માંડીને વયસ્ક લોકોમાં સેલ્ફીનું અજબ-ગજબનું આકર્ષણ જોવા મળે છે. લોકો અલગ-અલગ અંદાજમાં સેલ્ફી લઈને મોબાઈલ વોટ્સએપ સ્ટેટસ, ફેસ બુક, ઇન્સટાગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરી લોકોની વાહવાહી મેળવે છે આ વાહવાહી સેલ્ફી પોસ્ટ કરનારના ઉત્સાહને પોરસે છે. સેલ્ફી લેવામાં રંગીલા સુરતીઓ અન્ય શહેરોથી જરાક પણ પાછળ નથી બલ્કે એક કદમ આગળ જ હશે. સુરતીઓ શનિ-રવિના વીકેએન્ડમાં કે પબ્લિક હોલીડેના દિવસે ડુમસ બીચ પર જાય તો ફ્રેન્ડ્સ, રિલેટિવ અને એકલા પણ દરિયા કિનારે સરસ મજાની સેલ્ફી લેતા હોય છે. જોકે, કેટલીક વખત સેલ્ફી લેવાની ઘેલછામાં લોકો પોતાની જાનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. સેલ્ફીના ચક્કરમાં કોઈ દુર્ઘટના ના ઘટી જાય કે જાન ગુમાવાની નૌબત ના આવે તે માટે શહેરમાં ઘણી જગ્યાએ સેફ સેલ્ફી માટેના પોઇન્ટ ડેવલપ કરવામાં આવ્યા છે. જેણે સુરતીઓમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. ચાલો આપણે જાણીએ સુરતના આ સેલ્ફી પોઇન્ટ્સની અવનવી વાતો.


એરપોર્ટ પરના સેલ્ફી પોઇન્ટનું કોલેજીયન્સમાં ગજબનું આકર્ષણ

ડુમસથી રિટર્ન થતી વખતે સુરત એરપોર્ટની સામેની સાઈડ પર વેલકમ ટૂ સ્માર્ટ સિટી સુરત વોલ તૈયાર કરાઈ છે. જેમાં તાપી નદીથી માંડીને સુરતનો રિઅલ એસ્ટેટ બિઝનેસ, કાપડનો બિઝનેસ, ડાયમંડ બિઝનેસની સાથે સાથે સુરત નામ જેના પરથી આવ્યું તેવા સૂર્યને પણ સાંકળી લેવામાં આવ્યો છે. અહીં કોલેજીયનોની ફ્રેન્ડ્સ સર્કલ સાથે અલગ-અલગ અંદાજમાં સેલ્ફી લેવાની મજા માણે છે.


વેસુ VIP રોડ શ્યામ મંદિર પાસેનું સર્કલ

શ્યામ મંદિર પાસેનું સર્કલ ડેવલપ કરાયું છે. આ સર્કલમાં કૃષ્ણ ભગવાનના હાથ અને હાથમાં વાંસળીનું શિલ્પ લોકોમાં સેલ્ફી લેવા માટે આકર્ષણ છે. ત્યાંથી પસાર થતા લોકો અને મંદિરમાં આવતા લોકો અહીં સેલ્ફી લેવાની તક ઝડપી લે છે.

સરદાર બ્રીજ પરથી રાત્રીના કેબલ બ્રીજનો વ્યૂ

શહેરના લોકોને 2018મા કેબલ સ્ટેડ બ્રીજનું ખુબસુરત નજરાણું મળ્યું હતું. રાત્રીના સમયે સરદાર બ્રીજ પરથી કેબલ સ્ટેડ બ્રીજનો આખો વ્યૂ આવી જાય તે રીતે સેલ્ફી લેવાનો લ્હાવો સુરતીઓ ચૂકતા નથી.


છત્રીવાળા બ્રિજને લોકોએ જ બનાવ્યો સેલ્ફી પોઇન્ટ

સુરત મહાનગર પાલિકાએ દોઢેક વર્ષ પહેલાં પારલેપોઇન્ટ બ્રિજની નીચેના હિસ્સાને રંગીન છત્રીઓથી ડેકોરેટ કર્યો હતો અહીં I love suratનું શિલ્પ છે. સાંજના સમયે લાઇટની રોશનીથી એની ખૂબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. સુરતના મોજીલા લોકોએ જાતે જ આ બ્રિજની નીચેના હિસ્સાને સેલ્ફી પોઇન્ટ બનાવી દીધો.


રેલવે સ્ટેશન એન્ટ્રી બહારનું એન્જીન સુરત બહારના લોકો માટે સેલ્ફી પોઇન્ટ

સુરત રેલવે સ્ટેશનની ખૂબસૂરતી વધારવા માટે અને લોકોને સેફ સેલ્ફી પોઇન્ટ માટે રેલવે સ્ટેશનની એન્ટ્રી પાસે એન્જીન મુકાયું છે અને I તથા heart અને surat ડેકોરેટ કરાયું છે. આ સેલ્ફી પોઇન્ટ બહારથી સુરત આવતા લોકોમાં સેલ્ફી માટે વધારે આકર્ષણ ઉભું કરે છે.

નેચરપાર્ક બહારનું એરોપલેન

સરથાણા નેચરપાર્કની બહાર મીગ-23 ફાઇટર વિમાન સુરતીઓમાં સેલ્ફી માટેનું આકર્ષણ બન્યું છે. રવિવારના દિવસે અને સાંજના સમયે અહીં સેલ્ફી માટે લોકોની ભીડ થાય છે. આ વિમાન વીર શહિદોની સ્મૃતિમાં સુરતની જનતાને દેશભકિતના પ્રતિક રૂપે હવાઇદળ તરફથી મળ્યું હતું.


I love Dumas, I love surat

ડુમસમાં લોકો ગરમા ગરમ ટામેટાના ભજીયા અને દરિયાના ઠંડા પવનની મોજ માણવા સાથે I love surat, I love Dumas જેવા ઇન્ટરએક્ટિવ સકલ્પચર સાથે પોતાની સેલ્ફી લેવાની પણ મજા માણે છે.

Most Popular

To Top