Surat Main

ઉકાઈમાંથી છોડાતા પાણીને કારણે તાપી નદીનો કચરો ધોવાઈ ગયો

સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સુરત તાપી નદીમાં (Tapi River) ગઈકાલ સાંજે 4 વાગ્યાથી તબક્કાવાર 2 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. જેના કારણે તાપી નદી બંને કાઠે વહેતી દેખાઈ રહી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવાને કારણે સુરતવાસીઓ ઘડીક ચિંતામાં મુકાયા હતા પરંતુ ત્યારબાદ હવે બધું થાળે પડતું દેખાઈ રહ્યું છે. જોકે ઉકાઈમાં ઇનફ્લોની પરિસ્થિતિ દર કલાકે બદલાઈ રહી છે. સાંજે 6 કલાકે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 1,35,519 ક્યૂસેક પાણી આવી રહ્યું છે જેની સામે 1,52,486 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ગઈકાલથી 2 લાખ ક્યૂસેક પાણી છોડવાને કારણે અને આ પાણીનો ધસમસતો પ્રવાહ સુરતની તાપી નદીમાં આવવાને કારણે તાપી નદીનો બધોજ કચરો ધોવાઈ ગયો છે. જેથી આવનારા સમયમાં તાપી સ્વચ્છ્ અને વધુ સુંદર દેખાય તો નવાઈ નહીં.

ઉકાઈમાંથી છોડાયેલું પાણી સુરત આવી પહોંચતા કોઝવેની સપાટીમાં સડસડાટ વધારો થયો છે. તાપી નદીનું જળ સ્તર વધતાં સિઝનમાં પહેલીવાર સુરતમાં કોઝવેની સપાટી રાત્રે 12 વાગ્યે 8.75 મીટરે પહોંચી હતી. ડેમનો ડિસ્ચાર્જ વધારીને 2 લાખ સુધી કરી દેવામાં આવતાં મધરાત સુધીમાં સપાટી 9 મીટર થઈ ગઈ છે. છેલ્લા 18 કલાકમાં જ સપાટીમાં દોઢ મીટરનો વધારો થયો છે. ધસમસતા પ્રવાહને કારણે કોઝવેની ઉપરના ભાગમાં દર વર્ષે જે જળકુંભીની સમસ્યા રહે છે તે જળકુંભી પણ હવે ધોવાઈને સમુદ્ર તરફ આગળ વધી રહી છે. જેથી તાપીમાં જળકુંભીનો પ્રશ્ન પણ ઉકેલાતો દેખાય છે.

  • UKAI DAM Dt.28/09/2021 18:00 hrs
  • Dam Level – 340.70 ft
  • Inflow – 1,35,519 cusec
  • Outflow – 1,52,486 cusec
  • Danger level- 345.00 ft

સુરતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઉકાઈ ડેમ અને તાપી નદી વચ્ચે કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ કુછ દાગ અચ્છે હોતે હૈ.. આ સ્લોગન અહીં તાપી નદી માટે કહેવાય તો ખોટુ નથી. ઉકાઈ ડેમમાંથી ભલે તાપી નદીમાં 2 લાખ ક્યૂસેક જેટલું પાણી છોડાય છે પરંતુ તેનાથી તાપી નદીને જ લાભ થાય છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે તાપી નદીની કુદરતી રીતે સફાઈ થાય છે. જે સુરતીઓ માટે સારી વાત કહી શકાય. જોકે 2.50 લાખ ક્યૂસેક કે તેનાથી વધુ પાણી છોડાવાની સ્થિતિમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પુરની શક્યતાઓ રહે છે તેમજ ખાડી કિનારે વસતા લોકોને પણ હાલાકી થઈ શકે છે. પરંતુ 2 લાખ ક્યૂસેકની અંદર પાણી છોડાય તો સબ સલામત.. એવું વિચારી સુરતીઓ નિરાંતે સુઈ શકે છે.

Most Popular

To Top