SURAT

ઉધારીમાં માલ વેચવો સુરતના કાપડના વેપારીઓ માટે બન્યો માથાનો દુ:ખાવો, આટલા કરોડની ઠગાઈ

સુરત : (Surat) ગુજરાતના (Gujarat) આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં કરોડો રૂપિયાનો કાપડનો (Cloth) માલ ઉધારીમાં ખરીદીને ઠગાઇ (Cheating) કરવામાં આવી રહી છે, પોલીસે આ અંગે શહેરના સલાબતપુરા, મહિધરપુરા અને પૂણામાં રેડ પાડીને કુલ્લે કરોડોની ઠગાઇની 9 ફરિયાદ નોંધી હતી. 15 થી વધુ આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદોમાં પોલીસે પાંચ વેપારીઓની ધરપકડ(Arrest) કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરાના કોહીનુર ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) વેપાર કરતા વેપારી અભિષેક હિંમતલાલ જૈનની પાસેથી મુળ રાજસ્થાનના વતની અને સુરતમાં પૂણા ટાઉનશીપમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે રવી સાવલસિંહ રાવ અને મનીષ ભુપતભાઇ વાવડીયાએ મળીને રૂા.7.67 લાખનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે પોલીસે ગુનો નોંધીને બંને વેપારીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મિલેનીયમ ટેક્સટાઇલમાં વેપાર કરતા જયેશ જશવંતભાઇ પટેલની પાસેથી દિલ્હીના વેપારી દિલીપ સત્યદેવ વર્માએ રૂા.11.69 લાખનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું ન હોય પોલીસે દિલીપ વર્માની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત પૂણાની રાજ ટેક્ષટાઇલમાં વેપાર કરતા લલીતદાન શંભુદાન ચારણની પાસેથી પૂણાગામમાં જ રહેતા રવિ વલ્લભભાઇ વાઘેલાએ રૂા.2.39 લાખનો માલ લઇ પેમેન્ટ આપ્યું ન હતું, પોલીસે રવિ વાઘેલાની ધરપકડ કરી હતી. પૂણામાં આશિષ ધીરૂભાઇ વઘાસીયાની સાથે પણ રૂા.23.12 લાખનો ગ્રે કાપડનો માલ લઇ પેમેન્ટ નહીં આપનારા વેપારી પાર્થ દિલીપ પટેલ તેમજ આકાશ મુકેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય ચાર વેપારીઓની ફરિયાદ લઇને ઠગાઇ કરનારાઓને પકડવાના ચક્રો ગતિમાન
મહિધરપુરામાં વેપાર કરતા વેપારી ગૌરવ કૈલાશચંદ્ર જૈનની રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વેપાર કરતા વેપારી રોહિત ચંદનમલ તેલપુરીયા, અમિત ચંપાલાલ ઉર્ફે આશિષ જૈનની સામે રૂા.22.49 લાખની કાપડની ઠગાઇની ફરિયાદ આપી હતી. આ ઉપરાંત સલાબતપુરામાં જ સુનિલ રામસીંગ અગ્રવાલની સાથે મંગલેશભાઇ બિન્ની (દલાલ), ઓમપ્રકાશ શર્મા (દલાલ) તેમજ વિનયભાઇ જૈનની સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે કિશોર અમૃતલાલની સાથે રૂા.9.81 લાખનો ડ્રેસ મટીરીયલ્સનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનારા દિલ્હીના વેપારી શ્યામ સુંદર, વિજય ગુપ્તા, કમલેશસિંહ ઉર્ફે પપ્પુભાઇ તેમજ દેવેન્દ્રભાઇની સામે ફરિયાદ થઇ હતી.

આ ઉપરાંત વેપારી હાર્દિક કાંતીભાઇ ભુવાની પાસેથી રૂા.12.43 લાખનો સાડીનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનારા લાલજીભાઇ અમરશીભાઇ માવાણી, નરેન્દ્રસિંહ પ્રેમસિંહ તેમજ મહેન્દ્ર રાઠોડ ઉર્ફે ભરતસિંહ (દલાલ)ની સામે ફરિયાદ થઇ હતી. જ્યારે વેપારી વિશાલ રાજકુમાર અગ્રવાલની પાસેથી રૂા.4.87 લાખનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનારા રાકેશકુમાર, અવિનાશ ગોયલ તેમજ રામબાબુ ગોયલની સામે ગુનો નોંધાયો હતો.

Most Popular

To Top