National

PMLA કેસમાં EDએ અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ, AAPનું દેશવ્યાપી આંદોલન

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે પીએમએલએ (PMLA) હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસ માટે ધરપકડ કરી હતી. કેજરીવાલને આજે વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ED પૂછપરછ માટે તેમની કસ્ટડી માંગશે. દિલ્હીના મુખ્યમંત્રીએ ગુરુવારે મોડી રાત્રે પોતાની ધરપકડને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ સુપ્રીમ કોર્ટ પણ આજે આ મામલે સુનાવણી કરશે.

જે કાયદા હેઠળ EDએ અરવિંદ કેજરીવાલ (Prevention of Money Laundering Act, 2002)ની ધરપકડ કરી છે. તેમને જામીન મળવા ખૂબ જ મુશ્કેલ છે. આ કાયદો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો હતો અને 1 જુલાઈ, 2005 ના રોજ અમલમાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ અટકાવવાનો છે. વર્ષ 2012માં પીએમએલએમાં સુધારો કરીને બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓને પણ તેના દાયરામાં લાવવામાં આવી હતી.

AAPએ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. AAPએ ધરપકડ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસે ITOથી આમ આદમી પાર્ટીના કાર્યાલય તરફ જતો રસ્તો બેરિકેડ લગાવીને બંધ કરી દીધો છે. AAPના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, પાર્ટી કાર્યાલય તરફ જતા તમામ માર્ગો પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.

કોઈ બેંચની રચના કરી નથી
ED દ્વારા કેજરીવાલની ધરપકડની શક્યતાને જોતા તેમની ટીમે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી માટે ગુરુવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટની કોઈ વિશેષ બેંચની રચના કરવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલની અરજી પર શુક્રવારે સુનાવણી થવાની શક્યતા છે.

અરજી SCની કાર્યવાહીની યાદીમાં દેખાતી નથી
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને ઈડીની ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમજ કલાકો પછી EDની ધરપકડ સામે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારની કોર્ટની કાર્યવાહીની યાદીમાં દેખાઈ ન હતી. પીટીઆઈના જણાવ્યા મુજબ ED દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ, આમ આદમી પાર્ટીએ ગુરુવારે મોડી સાંજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થશે કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ED તેમને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. ઈડીએ અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાનથી સીધા તેમની ઓફિસ લઈ ગયા હતા. આ સમય દરમિયાન કાફલાને ક્યાંય રોકવું ન પડે તે માટે માર્ગમાં વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ મૂકવામાં આવી હતી. તેમજ ઈડી ઓફિસ તરફ જતા તમામ રસ્તાઓ કોર્ડન કરી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top