SURAT

સુરતના નિશ્ચયે JEE મેઈન્સમાં બાજી મારી, 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 36મો રેન્ક મેળવ્યો

સુરત: સુરતની (surat) કાપડ માર્કેટમાં (Textile Market) કાપડના એજન્ટ તરીકે કામ કરનારના દીકરાએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. એન્જિનિયરિંગ પ્રવેશ માટેની સૌથી કઠિન ગણાતી JEE મેઈન્સ 2023ની પરિક્ષાના આજે પરિણામ જાહેર થયા, જેમાં સુરતના નિશ્ચિયે 100 પર્સેન્ટાઈલ સાથે સુરતમાં પ્રથમ અને દેશમાં 36મો રેન્ક મેળવ્યો છે.

કાપડના એજન્ટ નરેન્દ્ર અગ્રવાલના પુત્ર નિશ્ચય અગ્રવાલે કહ્યું કે, ટીચર્સના રોજના માર્ગદર્શન અનુસાર રોજ મહેનત કરતો હતો. તેથી અભ્યાસનો ભાર લાગતો નહોતો. રોજનું કામ રોજ કરી લેવાની આદત પાડી હતી. ડાઉટ હોય તો તે જ દિવસે ટીચર્સને પૂછી લેતો હતો. તે ઉપરાંત સતત ટેસ્ટ આપવાના લીધે પણ માનસિક દબાણ દૂર થયું હતું.

નિશ્ચયના માતા બીકોમ બીએડ સુધી ભણ્યા છે. તેની માતાએ અભ્યાસનું ટાઈમ શિડ્યુલ બનાવવામાં નિશ્ચયને ખૂબ મદદ કરી હતી. જે વિષય અઘરા લાગતા તેની તૈયારી કઈ રીતે કરવી, કઈ બુક વાંચવી તમામ બાબતોમાં માતાનો ખૂબ સહકાર મળ્યો. નિશ્ચયના પિતા નીરેન્દ્ર બીકોમ સુધી ભણ્યા છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે. એકમાત્ર દીકરાના ભણતર માટે પિતાએ કોઈ કસર બાકી રાખી નહોતી.

સુરતના બે વિદ્યાર્થી ટોપ 50માં
નિશ્ચય અગ્રવાલ ઉપરાંત સુરતના અન્ય એક વિદ્યાર્થીએ પણ ટોપ 50માં સ્થાન મેળવવામાં સફળતા હાંસલ કરી છે. ધ્રુવ પાનસુરીયાએ જેઈઈ મેઈન્સના પરિણામમાં 50મો રેન્ક મેળવ્યો છે.

અમદાવાદના બે સ્ટુડન્ટે ટોપ 20માં સ્થાન મેળવ્યું
અમદાવાદના બે સ્ટુડન્ટ્સે JEE મેઈન્સની પરીક્ષા પાસ કરી દેશમાં ટોપ 20માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના કૌશલ વિજયવર્ગીયનો AIR પાંચમો અને હર્ષિલ સુથારનો AIR 17મો રેન્ક આવ્યો છે.

JEE મેન્સ 2023 એપ્રિલ સત્રમાં નવ લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા
આ વર્ષે લગભગ નવ લાખ ઉમેદવારોએ JEE Mains સત્ર 2 ની પરીક્ષા 2023 માટે આપી છે. પરિણામોની સાથે, અંતિમ આન્સર કી, ટોપર્સ લિસ્ટ, ઓલ ઈન્ડિયા રેન્ક લિસ્ટ, કટ ઓફ, પર્સેન્ટાઈલ અને અન્ય માહિતી પણ JEE ની સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવશે.

JEE એડવાન્સ 2023 રજીસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ તેની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર 29 એપ્રિલના રોજ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મુખ્ય સત્ર 2 (એપ્રિલ સત્ર) પરિણામ 2023 બહાર પાડ્યું હતું. JEE (મુખ્ય) 2023ના પેપર BE/B.Techમાં ટોચના 2,50,000 સફળ ઉમેદવારો JEE એડવાન્સ 2023 માટે પાત્ર બનશે. 

આવતીકાલથી JEE એડવાન્સ 2023 માટે અરજી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગુવાહાટી, તેની સત્તાવાર વેબસાઇટ jeeadv.nic.in પર 30 એપ્રિલ, 2023 થી JEE મુખ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) એડવાન્સ 2023 માટે નોંધણી શરૂ કરશે.

IIT પ્રવેશ 2023: IIT માટે JEE Advanced આપવું પડશે
IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સ પરીક્ષા આપવી પડશે. JEE મુખ્ય પરિણામના ટોપ બે લાખ 50 હજાર વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષામાં અરજી કરવા પાત્ર છે. તે જ સમયે, આ સિવાય, વિદેશી નાગરિકો અને વિદેશી ભારતીયો પણ IIT માં પ્રવેશ મેળવે છે પરંતુ તેઓએ JEE એડવાન્સ પરીક્ષામાં બેસવાની જરૂર નથી.

Most Popular

To Top