SURAT

સુરતમાં શેઠની ગેરહાજરીમાં નોકરે 21 મોબાઈલ અને 25 જીન્સ ચોર્યા, CCTVમાં ચોરીના દ્રશ્યો કેદ

સુરત(Surat) : ઘર કા ભેદી લંકા ઢાયે જેવી ઘટના સુરતમાં બની છે. અહીંના સચીન વિસ્તારમાં વિશ્વાસુ નોકરે (Servant) શેઠને દગો દીધો છે. શેઠની ગેરહાજરીમાં નોકર દુકાનમાંથી ચોરી (Theft) કરી છે. નોકરે દુકાનમાંથી મોબાઈલ અને જીન્સ મળી 1.90 લાખથી વધુની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના પુરાવાના આધારે દુકાનમાલિકે સચીન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે ચોર નોકરને હરિદ્વારથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ કેસની મળતી વિગત અનુસાર સચીન જીઆઈડીસી ખાતે સોમનાથ નગર આવેલું છે. અહીં બે દુકાન મોર્યા મોબાઈલ અને મોર્યા ટ્રેડિંગ આવેલી છે. આ બંને દુકાનમાં ચોરી થયા હોવાની ફરિયાદ સચીન જીઆઈડીસી પોલીસ પાસે આવી છે. દુકાનના માલિકે પોલીસને એવી કેફિયત લખાવી છે કે તેમની બે દુકાનમાંથી રૂપિયા 1.60 લાખની કિંમતના મોબાઈલ અને 30 હજારની કિંમતના જીન્સ પેન્ટ એમ કુલ 1.90 લાખનો મુદ્દામાલ ચોર્યો છે. દુકાનના માલિક સંદીપ મોર્યાએ ફરિયાદ આપવા સાથે દુકાનમાં નોકરી કરતા દિપક ચૌધરી પર ચોરીનો આક્ષેપ મુક્યો છે. સંદીપ મોર્યાએ પોલીસને કહ્યું કે, પોતે ગભેણી રોડ પર બરફની ફેક્ટરી પાસે આવેલા ઇશ્વરનગરમાં રહે છે. તે અને તેનો ભાઇ વિકાસ મોર્યા મોબાઇલ અને મોર્યા ટ્રેડિંગ કંપની નામની કપડાંની દુકાન ધરાવે છે. દુકાનમાં દિપક ચૌધરી (રહે.-ઇશ્વરનગર, ગભેણી રોડ) છેલ્લા છ મહિનાથી કામ કરતો હતો. ગઈ તા. 22 જુને બપોરે સંદીપ કામથી બહાર ગયો હતો અને તેનો ભાઈ ઘરે જમવા ગયો હતો. ત્યારે વિકાસ સાંજે દુકાને પહોંચતા તે બહારથી બંધ હતી. જેથી બીજી ચાવીથી દુકાન ખોલીને જોતા મોબાઇલની દુકાનમાં ડિસ્પ્લેમાં મુકેલા 1.60 લાખના 21 મોબાઈલ ગાયબ હતા. કપડાની દુકાનમાં જોતા 25 જીન્સ ગાયબ હતી. તપાસ કરતા દુકાનમાં કામ કરતો દિપક પણ ગાયબ હતો.

આ સાથે જ સંદીપ મોર્યાએ દુકાનના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપ્યા હતા. જેમાં સ્પષ્ટરૂપે દિપક ચૌધરી દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું જોઈ શકાતું હતું. ચોરી કર્યા બાદ નોકર દિપક ચૌધરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ડિજીટલ પુરાવાના આધારે ફરિયાદ લઈ દિપક ચૌધરીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન નોકર દિપક ચૌધરી હરિદ્વાર ભાગી છૂટ્યો હોવાની બાતમી મળતા સુરત પોલીસે હરિદ્વાર પોલીસની મદદથી તેને ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે.

બે દિવસ પહેલા જ નોકરને દુકાનમાંથી કાઢી મુક્યો હતો
મોર્યાં મોબાઈલ અને કપડાંની દુકાનમાં કામ કરતા દિપક ચૌધરીનું કામ બરાબર ન હોવાના કારણે ચોરી થઈ તેના બે દિવસ પહેલા સંદીપે તેને દુકાનમાં કામ પર આવવાની ના પાડી દીધી હતી. પરંતુ દિપક વિકાસભાઈ પાસે જઈ રડવા લાગ્યો હતો અને જો દુકાનમાંથી નોકરી પરથી કાઢી મુકશો તો હું પૈસા કેવી રીતે કમાઈશ તેમ કહી કરગરવા લાગ્યો હતો. જેથી વિકાસભાઈ એ તેને ફરી કામ પર રાખ્યો હતો. વિકાસે કામ પર રાખ્યાના માત્ર બે જ દિવસમાં તે દુકાનમાંથી ૧.૯૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

Most Popular

To Top