મચ્યો ખળભળાટ: સુરતની સચીન GIDCના ટેન્કર કાંડ પાછળ આ કેમિકલ લોચા બહાર આવ્યા

સુરત: (Surat) શહેરની સચીન જીઆઇડીસીના (Sachin GIDC) ટેન્કર કાંડ પાછળ કેમિકલ લોચા બહાર આવ્યા છે. ખાડીમાં હાઇડ્રોજન સલ્ફર સાથે સાઇનાઇડનું પ્રમાણ મળી આવતા સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે. સચીન જીઆઇડીસીની ગોઝારી ઘટના એન.જી.ટીએ સુઓમોટો દાખલ કરતા સીપીસીબીએ તૈયાર કરેલા રિપોર્ટમાં સમ્રગ ઘટના હાઇડ્રોજન સલ્ફાઇડ અને હાઇડ્રોજન સાઇનાઇડ જેવા ઝેરી કેમિકલના મિશ્રણનાં કારણે બની હોવાનું બહાર આવ્યું છે. બંને ઝેરી કેમિકલની અસર એટલી તિવ્ર હતી હતી, કે લોકોને સુરક્ષિત સ્થળે જવાનો પણ સમય મળ્યો ન હતો. અને તેની લપેટમાં આવેલા મજૂરો ટપોટપ ઢળી પડયા હતાં.

સચીન જીઆઇડીસીનાં ચકચારી કેમિકલ કાંડમાં ઘટનાના દિને એટલે કે 6 જાન્યુઆરીનાં રોજ જીપીસીબી દ્વારા ઘટના સ્થળ તેમજ તેની આસપાસ સ્થળેથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલનાં આધારે સીપીસીબી (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં અનેક પ્રકારની ચોંકવાનારી વિગતો સપાટી ઉપર આવી છે. સીપીસીબી દ્વારા એન.જી.ટીમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, હાયકેલ કંપનીનું કેમિકલ ઠાલવવા માટે આવેલા ટેન્કરમાં રહેલા રહેલા કેમિકલના સેમ્પલમાં સલ્ફાઇડ અને સાઇનાઇડનાં કારણે હાઇડ્રોજન સલ્ફાઇડ અને હાઇડ્રોજન સાઇનાઇડ જેવા એસિડિક વાયુ ઉતપન્ન થયા હતાં.

અકસ્માત એસિડ બેઇઝ પ્રક્રિયા થવાથી ઝેરી વાયુ ઉતપન્ન થવાથી થયો હતો. હાઇડ્રોજન સલ્ફાઇડ અને હાઇડ્રોજન સાઇનાઇડ આ બે વાયુના મિશ્રણ થવાથી તેની ઝેરી અસરને કારણે જ લોકોને સાવધાન થવાનો કે પછી શ્રમજીવીઓને સુરક્ષિત સ્થળે જવાનો પણ સમય મળ્યો ન હતો કેમિકલ પ્રોસેસ દરમિયાન ખાડીમાં ભયંકર ઝેરી ગેસ બન્યો હતો. જે નાક વાટે ફેંફસા સુધી પહોંચ તે પહેલા જ મજૂરો ઢળી પડયા હતા. ન્યુરોટોક્સિક ગણાતા આવા કેમિકલ કયા ઉત્પાદન પાછળ વપરાતા હતા તે અંગે પણ તપાસ થવી જોઇએ.

સચીન જીઆઇડીસીનો ઠેકો લઇને ફરતા કારભારીઓ પણ મૂંગામંતર
સચીન જીઆઇડીસીમાં સુરત બહારના ટેન્કર ઝેરી કેમિકલ ઠાલવતુ હોવાની આ કોઇ પહેલી ઘટના બની નથી. સુરત બહારથી ટેન્કર સતત સચીન જીઆઇડીસમાં આવન જાવન કરતા હતાં. સચીન જીઆઇડીસીની કરપ્ટ સિસ્ટમને પગલે કેમિકલ માફિયાઓને સુરતમાં મોકળુ મેદાન મળી ગયુ હતુ. કેમિકલ ઠાલવવા માટે સચીન જીઆઇડીસીમાં કેટલાંક સ્પોટ નકકી છે. આ સ્પોટ ઉપર રાતના અંધકારમાં ખેલ પાડવામાં આવતો હતો. આ કેમિકલકાંડ મજૂરોના મોતને પગલે વધુ ઉછળ્યો છે. બાકી જો કોઇ અકસ્માત ન થયો હોત તો સચીન જીઆઇડીસીમાં કેમિકલ ઠાલવવાનું કૌભાંડ બેરોકટોક ચાલુ રહેતે. કહેવાય છે કે સચીન જીઆઇડીસીનો ઠેકો લઇને ફરતા કેટલાંક ચહેરાઓ પણ કેમિકલકાંડમાં ભેરવાયેલા છે. જો પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરે તો સચીન જીઆઇડીસીના ઘણા ચહેરા હજી બેનકાબ થાય તેમ છે.

Most Popular

To Top