SURAT

સુરતમાં 31st ની રાત્રે પોલીસે યુવકને ઢોર માર માર્યો હોય તેવી ઘટના CCTVમાં કેદ થઈ

સુરત: (Surat) સુરતીઓ એક તરફ જ્યાં નવા વર્ષની ઉજવણીમાં (New Year Celebration) મસ્ત હતા ત્યારે બીજી તરફ વ્યવસ્થાના નામે સુરતમાં પોલીસે એક વ્યક્તિને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી છે. આ ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં (Video) બે પોલીસ કર્મીઓ (Police) એક યુવકને નિર્દયતા પૂર્વક ઢસડી ઢસડીને માર મારી રહ્યા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

શહેરની ઉધના પોલીસનો એક વિડીયો શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં ઉધના પોલીસની પીસીઆર વાનના પોલીસકર્મીઓ દ્વારા રાહદારીને રોકી ખોટી રીતે દંડા ફટકારવામાં આવ્યા હતા. અને રાહદારી પાસેથી પૈસાની માંગણી કરાઈ હતી. પરંતુ રાહદારીના ખિસ્સામાં પૈસા ન હોવાથી એટીએમમાંથી ૫ હજાર ઉપાડીને તેને આપ્યા હતા.

સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર એકતરફ પ્રજા અને પોલીસ વચ્ચે મિત્રતાભર્યા અને સુમેળભર્યા સંબંધ વિકસે એ માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. પરંતુ ત્યાં બીજી તરફ કેટલાક પોલીસ કર્મચારીઓ ખાખીની ગરીમા ખાખમાં ભેળવવા કોઇ કસર બાકી રાખતા નથી. એમાંય ઉધના પોલીસ સ્ટેશન હંમેશાં કોઈને કોઈ વિવાદથી ઘેરાયેલી હોય છે. વધુ એક વિવાદ ઉધના પોલીસ સ્ટેશનના નામે ચગ્યો છે. શનિવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં રાહદારી વ્યક્તિને ઉધના પોલીસની પીસીઆર વાન કર્મચારીઓ રોકીને પૂછપરછ કરે છે. અને તેને દંડા વડે ફટકારતા પણ જોવા મળે છે. આ વ્યક્તિ પાસેથી પોલીસે પૈસાની માંગણી કરતાં તેના ખિસ્સામાં પૈસા ન હોવાથી એટીએમ પાસે લઈ જાય છે અને વ્યક્તિના એટીએમમાંથી 5000 રૂપિયા ઉપાડીને પોલીસ પોતાના ખિસ્સામાં નાંખી ખીસ્સું ગરમ કરી રહી છે. આ વિડીયો સત્ય છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવે તો જ હકીકત જાણી શકાશે.

બીજી તરફ સમગ્ર ઘટના મામલે એવું જાણવા મળ્યું છે કે જે બે પોલીસકર્મી સીસીટીવીમાં દેખાઈ રહ્યાં છે તે બન્નેમાંથી એક લોકરક્ષક છે જ્યારે બીજા હેડ કોન્સ્ટેબલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બન્ને રાત્રિ દરમિયાન રિક્ષામાં બેઠેલા બે શંકાસ્પદને વ્યક્તિઓની પૂછપરછ કરી રહ્યાં હતા. દરમ્યાન તેઓને પકડવા જતા એક વ્યક્તિ ભાગી છૂટ્યો હતો. જ્યારે બીજો વ્યક્તિ પકડાયો હતો પરંતુ તે પોલીસને પૂછપરછમાં સહકાર નહોતો આપતો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે પોલીસે તેની પૂછપરછ કરવા તેને સાથે લઈ જવા પ્રયાસ કર્યો હતો. ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ આ બાબતે તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે યુવકો કોણ હતા તે બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

Most Popular

To Top