SURAT

પોલીસવાળો છું એમ કહી પોલીસને દબડાવનાર દારૂડિયાને સુરત પોલીસે બરોબર મેથીપાક ચખાડ્યો

સુરત (Surat): નવરાત્રિના (Navratri) ઉત્સવની ઉજવણી દરમિયાન મોડી રાત સુધી લોકો ખાણીપીણીની લારી અને દુકાનો પર ચા-નાસ્તા કરવા ઉમટતા જોવા મળ્યા હતા ત્યારે છેલ્લી રાત્રે તો જાણે લોકોની આંખોમાંથી ઊંઘ જ ગાયબ થઈ ગઈ હતી. આખા શહેરમાં ઠેરઠેર સવારે 4 વાગ્યા સુધી લોકોના ટોળા જોવા મળ્યા હતા, જેના પગલે સુરત પોલીસની મહેનત વધી ગઈ હતી. આખી રાત પોલીસે પેટ્રોલિંગ કરી લોકોને ઘરે જવા વિનંતીઓ કરવી પડી હતી, ત્યારે કેટલાંક ઠેકાણે પોલીસ સાથે દાદાગીરી કરાઈ હોવાની ઘટના પણ સામે આવી છે.

ઉમરા પોલીસ સાથે આવો જ એક ઘટના બની. નવરાત્રિની છેલ્લી રાત્રે ગઈકાલે 5 ઓક્ટોબર 2022ની રાત્રિના 3.45 કલાકે ઉમરા પોલીસ પેટ્રોલિંગ પર હતી ત્યારે અણુવ્રત દ્વાર પાસે આવેલા ખેતલાઆપા ટી સેન્ટર પર લોકોનું ટોળું હતું. લોકો ચા પી રહ્યાં હતાં. ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય પોલીસ દ્વારા ખેતલાઆપા ટી સેન્ટર બંધ કરવાની સૂચના હોટલ સંચાલકને આપવામાં આવી હતી ત્યારે એક યુવક પોલીસ પાસે આવ્યો હતો. આ યુવકે

ઉમરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ કિશન વાલજીભાઈ (બ.નં. 3686) ને પૂછ્યું કે તમારું નામ શું છે? ત્યારે કોન્સ્ટેબલે પોતાનો તથા પીએસઆઈ એસ.એમ. પરમારનો પરિચય આપ્યો હતો. દરમિયાન કોન્સ્ટેબલ કિશન વાલજીએ યુવકને તેનો પરિચય આપવાનું કહેતા તે પોતાનું નામ સારી રીતે બોલી શકતો નહોતો. તેમજ સરખો ઉભો રહી શકતો નહોતો. તે પીધેલો હોવાનું લાગતું હતું. દરમિયાન યુવકે પોતે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એલ.આર. તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ આપી હતી અને કહ્યું હતું કે આ હોટલ મારા મિત્ર આનંદભાઈની છે, કેમ બંધ કરાવો છો? એવું કહી દમદાટી આપવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કોન્સ્ટેબલ કિશન વાલજીએ યુવક પાસે પોલીસનું આઈડી કાર્ડ માંગતા યુવક તે આપી શક્યો નહોતો. તપાસ કરતા યુવક પોલીસ ખાતામાં નોકરી નહીં કરતો હોવાનું બહાર આવ્યું હતો. તે પીધેલો પણ હતો અને સરકારી ફરજમાં રૂકાવટ સાથે સરકારી કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી, તેથી તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
બાદમાં પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ અજય સુખારામ પાટીલ (ઉં.વ. 25 રહે, 165, સાંઈબાબા સોસાયટી, પાંડેસરા, સુરત) જણાવ્યું હતું. તે આઉટ સોર્સના ડ્રાઈવર તરીકે બદલી પાસમાં જતો હોવાનું જાણવા મળ્યું છે. આમ ડ્રાઈવર હોવા છતાં પોલીસ તરીકે ઓળખ આપી દમદાટી કરનાર યુવકને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે.

Most Popular

To Top