SURAT

કોરોનાના પેશન્ટ ગભરાતા નહીં, સુરતમાં 11200 પૈકી બેડ 4479 ખાલી જ છે!

સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરનું ખૂબ જ ભયાનક સ્વરૂપ સામે આવી રહ્યું છે. શહેરની તમામ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોના બેડ (Hospital bed) પણ ફટાફટ ભરાઈ રહ્યા છે. શહેરીજનો બેડ માટે આમથી તેમ વલખા મારી રહ્યા છે. જેના પગલે શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. શહેરના વિવિધ કોમ્યુનિટી હોલ તેમજ સામાજિક વાડીમાં કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. અને આ સેન્ટરોમાં ઓક્સિજનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. મેયરે (Mayor) જણાવ્યું હતું કે ઓક્સિજન વગરના તો 40 ટકા બેડ ખાલી છે, એક-બે દિવસમાં બેડ અંગે ઓનલાઇન માહિતી ઉપલબ્ધ થશે.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં ખાનગી, સરકારી તેમજ અન્ય સેન્ટરો એમ કુલ 166 સ્થળે ઓક્સિજન, વેન્ટિલેટર અને અન્યના મળીને કુલ 11,200 બેડ છે. જે પૈકી 6721 બેડ ભરાઈ ચૂક્યા છે. એટલે કે, માત્ર 40 ટકા બેડ જ હાલમાં ખાલી છે. 60 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. જેમાં ઓક્સિજનના 74.5 ટકા અને વેન્ટિલેટરના 81.1 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. મેયરે ઉમેર્યું હતું કે, એક-બે દિવસમાં બેડ બાબતે ઓનલાઇન માહિતી મળી રહે તેવી વ્યવસ્થા પણ મનપા દ્વારા કાર્યરત કરી દેવાશે.

  • કયા સ્થળે ક્યાં કેટલા બેડ ભરાયા
    હોસ્પિટલ કુલ બેડ ભરાયા ઓક્સિજન ભરાયા વેન્ટિલેટર ભરાયા
  • નવી સિવિલ હોસ્પિ. 1518 1363 1042 954 426 306
  • સ્મીમેર 941 577 717 357 224 220
  • ખાનગી હોસ્પિ. 4557 3835 3021 2585 487 400
  • ખાનગી(હોટલ) 1843 249 – – – –
  • કોવિડ કેર સેન્ટર 1548 480 651 228 – –
  • ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર 793 217 351 181 0 0

ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા શહેરીજનો માટે એક લિંક તૈયાર કરાઇ, જેમાં કોવિડની સારવાર આપતી હોસ્પિટલમાં બેડ ખાલી છે કે નહી..? તેની જાણકારી મળી શકશે

કોરોનાની બીજી લહેરે શહેરને અજગરી ભરડામાં લઇ લીધો છે. સુરતની સરકારી હોસ્પિટલો હોય કે પછી પ્રાઇવેટ હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. ઓક્સિજન અને વેન્ટિલેટર તો દૂર પરંતુ સાદા બેડ પણ મળી રહ્યા નથી. લોકો કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાવવા માટે આમથી તેમ ભટકી રહ્યા છે પરંતુ ક્યાંયથી સારી સારવાર મળતી નથી. તેવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. હવે કોરોનાની સારવાર કરતી હોસ્પિટલમાં સાદા બેડ, ઓક્સિજન બેડ અને વેન્ટિલેટરના બેડ ખાલી છે કે નહી..? તેની માહિતી આંગળીના ટેરવે મળી શકશે. આ માટે આઇએમએ દ્વારા એક લિંક તૈયાર કરવામાં આવી છે.

Most Popular

To Top