Gujarat

પ્રાઇવેટ વાહનોમાં આવતા કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે : કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી

ગુજરાત (Gujarat) રાજ્યમાં કોરોના વાયરસ(corona virus)નાં આંકડા કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. સાથે જ મેડિકલ ઇમરજન્સી પણ સતત વર્તાય રહી છે ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર, બેડ જેવી અનેક સુવિધાઓ માટે સામાન્ય લોકોને વલખાં મારતા જોઇને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને ફટકાર લગાવી છે.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે (Gujarat Government) હાઈકોર્ટમાં 82 પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. મહત્વની વાત છે કે રૂપાણી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો તો કર્યો છે પણ આ સોગંધનામા પર કોર્ટમાં દલીલો થઈ ત્યારે આ બાબતે હાઈકોર્ટે સરકારને કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા. હાઈકોર્ટે ટકોર કરી હતી કે 108 સિવાય આવતા દર્દીઓને કેમ દાખલ કરવામાં આવતા નથી? હવેથી પ્રાઇવેટ વાહનોમાં આવતા કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત તમામ માહિતી રાખવી જરૂરી છે જેવી કે ઓક્સિજનની જરૂરિયાતો કેટલી છે તેની સપ્લાય કેટલી છે? સાથે જ દર્દીને દાખલ થવા માટે વેઇટિંગ પિરિયડ વગેરે મુદ્દે કોર્ટે ગુજરાતને કેટલાક સવાલો કર્યા છે.

ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે સરકારને પૂછ્યું કે કોવીડની હોસ્પિટલમાં પ્રાઇવેટ વાહનોમાં લાવનારા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી, આવું શા માટે? સાથે જ ન્યાયાધીશે સરકારને કહ્યું કે પહેલા ઝોન વાઇઝ એમ્બ્યુલન્સ 108 વ્યવસ્થા કરતી હતી, જો કે હવે સેન્ટ્રલલાઇઝ 108 વ્યવસ્થા કરવાથી દર્દીઓ ને હાલાકી પડે છે. જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે દરરોજ 1 લાખ 55 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં 13 એપ્રિલથી સરકારી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ટ્રુ નેટ અને સીબીનેટ જેવા આધુનિક મશીનોની મદદથી ટેસ્ટિંગ થઇ રહ્યાછે. સાથે જ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 26 યુનિવર્સિટીમાં RTPCR મશીન ઉપલબ્ધ છે જ્યાં ઝડપી અમે કામગીરી શરૂ કરી રહ્યા છીએ.

Most Popular

To Top