SURAT

સુરતમાં લીવ ઇનમાં રહેતી યુવતીના ઘરે લૂંટ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

સુરત: (Surat) સુરતનાં લાલગેટ વિસ્તારમાં ધોળે દહાડે લૂંટની (Loot) ઘટના બની હતી. લીવ ઇનમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી બે યુવકોએ મોઢું દબાવી હાથ અને પગ પર ટેપ લગાવી ઘરમાં લૂંટ ચલાવી હતી. લગભગ 2.39 લાખની લૂંટ કરી યુવકો ઠંડે કલેજે નિકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગઈ છે.

જોકે લાલગેટ પોલીસ દ્વારા મહિલાને બાંધીને કરવામાં આવેલી લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં શોધી કાઢયો છે. તેમાં લીવ ઇનમાં રહેતી મહિલાનો પૂર્વ પતિએ ટીપ આપીને આ લૂંટ કરાવી હોવાની વિગત જાણવા મળી છે. આ મામલે પોલીસે જણાવ્યુંકે આરોપી (1) શરીફ ઉર્ફે બાબુ ઉર્ફે અરમાન કમરુદીન અંસારી રહેવાસી , કુંભારવાડા, ચીમની ટેકરા (2) શરીફખાન ઉર્ફે બુટ્ટા પઠાન રહેવાસી લોકસ કોલોની , સલાબતપુરાને પકડી પાડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસને આ બે આરોપીઓએ જણાવ્યુંકે તેઓને મહિલાના પૂર્વ પતિ ઇસ્માઇલ શેખ દ્વારા આ લૂંટ કરવાની ટીપ આપવામાં આવી હતી. દરમિયાન આ તમામ આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ અને ચોરીના ગુના નોંધાયેલા હોવાની વિગત જાણવા મળી છે. પોલીસ દ્વારા સોનાની ચેઇન , પાંચ સોનાની વીટી, એક આઇફોન તથા સેમસંગ મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા.

સુરતના લાલગેટ નાણાવટ પંડોળની પોળ બદામીની ખડકી ખાતે બાગે રહેમત એપાર્ટમેન્ટમાં આફરીન અમીરબેગ મીર્ઝા ડોકટર મોહસીન મોહમંદ યુસુફ શેખ સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહે છે. બપોરના સમયે આફરીન ઘરમાં એકલી હતી તે સમયે બે લૂંટારાઓ ઘરમાં ઘુસી આવ્યા હતા. તેઓએ આફરીનનું મોઢું દબાવી બંને હાથ પગ સેલોટેપથી બાંધી દીધા હતા. બંનેએ આફરીનને પુછ્યું હતું કે પૈસે ઓર દાગીના કહા હૈ? તેને બીજા રૂમમાં લઇ જઈ કબાટમાંથી રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ મળી કુલ રૂપિયા 2.39 લાખની લૂંટ કરી હતી. એટલું જ નહીં આફરીનને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરનો દરવાજો બહારથી બંધ કરી ચાલ્યા ગયા હતા.

જણાવી દઈએ કે આફરીન મૂળ મહારાષ્ટ્રનાં બુલડાણાના શેગાગ ગામના વતની છે અને હાલ નાણાવટ વિસ્તારમાં રહે છે. આ ઘટના બાદ આફરીને છરીથી હાથપગ પર બાંધેલી ટેપ કાપી હતી. દરમ્યાન ઘરની નીચે રમતા બાળકોએ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓને બોલાવી હતી. મહિલાઓએ ઘરનો દરવાજો ખોલ્યો હતો. આફરીને મોહસીન શેખને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. આ અંગે આફરીન અને મોહસીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top