Entertainment

કૅરિયરને રોશન કરવા ઋતિક ફરીવોર લડશે

ટોપ સ્ટાર બની જવાનું સૌથી મોટું જોખમ એ હોય છે કે પછી તમે નાની ફિલ્મોમાં કામ નથી કરી શકતા. નાના પાત્રો નથી ભજવી શકતા. બધું લાર્જર ધેન લાઇફ હોય તો જ તેમને મંજૂર હોય. તકલીફ એ છે કે મોટા બેનર, મોટા નિર્માતા પણ મોટી ફિલ્મ બનાવવા તરત તૈયાર થતા નથી. ‘પઠાણ’ ફિલ્મ ચલાવવા યશરાજ ફિલ્મ્સ અને શાહરૂખે બહુ મહેનત કરવી પડી છે. એવી મહેનત આમીર ખાનથી ન થઇ તો અત્યારે નિષ્ફળતાનો ઘા ચાટી રહ્યો છે. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ આ 21મીએ રજૂ થઇ રહી છે. શાહરૂખ પછી તેના માટે મોટું દબાણ છે.

ઇદ પર ફિલ્મ રજૂ થાય એટલે ત્રણેક દિવસ તો સારા જવાના જ હોય પણ પછી શું થાય તેના આધારે જ તે સફળ કે નિષ્ફળ એ કહી શકાય. એક વાત તો નક્કી છે કે અત્યારે 200 કે 300 કે 500 કરોડની કમાણી કરનાર ફિલ્મો પણ રિપીટ વેલ્યુ ધરાવતી નથી. લોકો તેને ફરી ફરી જોવા તૈયાર નથી. મતલબ કે માર્કેટિંગ ગિમીક પૂરું થાય પછી ફિલ્મ પોતે પોતાની તાકાત પર ઊભી રહી શકતી નથી. સલમાનનું તો સલમાન ફોડશે પણ ઋતિક રોશનના શા હાલ છે? હમણાં એવી જાહેરાત થઇ છે કે ‘વૉર-2’માં ઋતિક કામ કરે છે અને તેનું દિગ્દર્શન ‘બ્રાહ્માસ્ત્ર’ના અયાન મુખર્જીને સોંપાયું છે. એવું લાગે છે કે અયાન હવે સિકવલ ફિલ્મોનો ડિમાંડીંગ ડાયરેકટર બની ગયો છે.

‘વોર’ ફિલ્મ આદિત્ય ચોપરાની ફિલ્મ હતી અને તેની દિગ્દર્શન સિધ્ધાર્થ આનંદે કરેલું. હવે અયાન કરશે. આ ફિલ્મમાં જૂનિયર એન.ટી.આર. પણ કામ કરશે. આનાથી ઋતિકને ફાયદો થશે? તેને અત્યારે મોટી સફળતાની ખૂબ જરૂર છે. છેલ્લા કેટલાંય વખતથી તેના માટે કોઇ મોટી સફળતા ચડી નથી. ‘મોહેંજોદરો’થી તે માર ખાય રહ્યો છે. ‘કાબિલ’, ‘સુપર 30’, ‘વોર’ અને ‘વિક્રમવેધા’માં બે ફિલ્મ ચાલી છે અને તે પણ એવી નહીં કે લોકોના મનમાં વસી ગઇ હોય અને કલ્ટ બની ગઇ હોય. તેની છેલ્લી મોટી સફળ ફિલ્મ તો ‘ક્રિશ-3’ જ ગણવી જોઇએ. આ સંજોગોમાં ‘વૉર-2’ તેને મળી છે તેનું મહત્વ છે. બાકી પાંચેક વર્ષથી બનતી કહેવાતી ‘ક્રિશ-4’ને તેની આગામી ફિલ્મ ગણાવાનો અત્યારે અર્થ નથી. રાકેશ રોશન તો તેના પિતા છે. ઋતિક પાસે અઢળક ફિલ્મો ય નથી તો ‘ક્રિશ’ની આ સિકવલ કયારની પૂરી થઇ ગઇ હોત. આ વખતે તો તેમાં અમિતાભ બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દીકી જેવાને ય ઉમેર્યા છે તો પણ ફિલ્મ પૂર ન થતી હોય તો અત્યારે ઋતિક તેની પર આશા ન રાખી શકે. •

Most Popular

To Top