Surat Main

સુરતના માલેતુજાર ખોજા પરિવારના પુત્રનું અપહરણ: 1 કરોડ રૂપિયાની ખંડણી ચૂકવી હોવાનો અહેવાલ

સુરત (Surat): શહેરના ભટાર ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા વેપારીના પુત્રનું ગુરૂવારે સવારે સાત વાગ્યાના અરસામાં કારમાં આવેલા ચારેક અજાણ્યાઓએ અપહરણ (kidnapping) કરતા ચકચાર મચી જવા પામી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો (Surat Police) કાફલો સવારથી દોડતો થયા બાદ સાંજે યુવકને અપહરણકારો વરાછા કામરેજ રોડ પર છોડી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન મોડી સાંજે જે વાતો વહેતી થઇ છે તે પ્રમાણે એક કરોડની ખંડણી ચાર ઇસમોને ચૂકવવામાં આવતા 36 વર્ષના યુવાનને છોડવામાં આવ્યો હતો. અલબત પોલીસે આ મામલે મોડી સાંજે કંઇ પણ કહેવા ઇનકાર કરી દીધો હતો.

મોડી રાત્રિએ ક્રાઇમ બ્રાન્ચ આ તપાસ પાછળ લાગી હોવાની વિગત જાણવા મળી છે. અધિકૃત રીતે પોલીસ કમિશનર અજય તોમરે પણ કંઇ કહેવા ઇન્કાર કરી દીધો હતો. પેટીએમથી (Paytm) એક કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની વાતો પણ વહેતી થઈ હતી. પરંતુ આ વાતોને કોઇ અધિકૃત સમર્થન મળ્યું નથી.

ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય અનવર નુરઅલી દુધવાલા ટાવર રોડ પર કિનખાબવાળા ઈમારતમાં બેગ તેમજ સૂટકેસનો વેપાર કરે છે. ગુરૂવારે સવારે સાત વાગે તેમનો પુત્ર કોમીલ (ઉ.વ.36) જીમ જવા નીકળ્યો હતો ત્યારે તેનું અપહરણ થઈ ગયું હતું.

કોમીલ ગુરૂવારે સવારે સાડા છ વાગે ભટાર રોડ પર આવેલા જીમમાં જવા નીકળ્યો હતો. ત્યારે એક સફેદ કલરની સ્કોડા ફોર વ્હીલકારે તેનો પીછો કર્યો હતો. મિલ્કપેલેસની સામેવાળી ગલીમાં સ્વામીનારાયણ વાળા બંગલાની સામે રોડ ઉપર બમ્પ નજીક કોમીલની બાઇકને ટક્કર મારી તેને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ સ્કોડા ગાડીમાંથી ચારેક અજાણ્યા નીચે ઉતરી કોમીલને જબરજસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. બાદમા કોમીલનું અપહરણ કરનાર માણસોએ કોમીલના ફોન ઉપરથી તેના પિતાને ફોન કરી કોમીલને છોડાવવા માટે 3 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ બાદમાં સાંજે સાતેક વાગે અપહરણકારો યુવકને વરાછા કામરેજ રોડ પર મુકીને ભાગી ગયા હોવાની વાતો વહેતી થઈ હતી. તેને છોડાવવાના બદલામાં તેના પિતાએ એક કરોડ રૂપિયા આપ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. જોકે પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપી નથી.

અપહરણ કરનારા લોકો 30 થી 40 વર્ષની વયના

આ મામલે જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે અપહરણ કરનારા આરોપીઓ 30 થી 40 વર્ષની વયના હોવાની વિગત જાણવા મળી છે. ચાર આરોપીઓએ કોમીલનેતો રિકસામાં કામરેજ ખાતે છોડી દીધો હતો. અલબત કોમીલ ખૂબ ગભરાયો હોવાને કારણે મોડી સાંજે પોલીસ વધારે કાઇ જાણી શકી ન હોવાની વિગત જાણવા મળી છે.

અપહરણ બાદ ચાર વખત પિતાનો સંપર્ક કર્યો

અપહરણકારોએ યુવકનું અપહરણ સવારે સાત વાગ્યાની આસપાસ કર્યું હતું. ત્યારબાદ સવારે 8 વાગે પહેલો ફોન પિતાને કર્યો હતો. ખંડણીની રકમ તાબડતોબ પહોંચતી કરો નહીંતર તમારા પુત્રની હત્યા કરી નાંખીશું તેવી ધમકી આપી હતી. ત્યારપછી બીજા બે કલાક બાદ ફરી ફોન કરીને ખંડણી માંગી ધમકાવ્યો હતો. સવારથી બપોર સુધીમાં કુલ 4 વખત ફોન કર્યા હતા. જેનાથી ગભરાઈ વેપારીએ પોતાના પુત્રનો જીવ બચાવવા માટે 1 કરોડ રૂપિયા ચૂકવી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. અપહરણ કરનારાઓ 30થી 40 વર્ષની વયના હતાં.

સીસીટીવીમાં અપહરણના દ્રશ્યો કેદ

જ્યાંથી કોમીલનું અપહરણ થયું છે ત્યાં તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ છે. એક સફેદ સ્કોડા કાર સ્પીડમાં આવીને કોમીલની બાઈકને ટક્કર મારી નીચે પાડે છે. કારમાંથી ઝડપથી ત્રણેક માણસો ઉતરીને કોમીલને ઉંચકીને કારમાં બેસાડીને લઈ જાય છે. પોલીસે ઘોડદોડ રોડથી હાઈવે સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં.

અપહરણકારોનું લોકેશન સતત સુરતની આસપાસ હતું

અપહરણ બાદ અપહરણકારોએ યુવકના પિતાને ફોન કરીને ખંડણી માંગી હતી. પોલીસે સતત તેમનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પરંતુ યુવક તેમના કબજામાં હોવાથી પોલીસની પ્રાથમિકતા પહેલા તેને બચાવવાની હતી. આપહરણકારોનું લોકેશન સુરત શહેરની આસપાસ માંથી જ આવતું હતું. કિમ, સાયણ ઓલપાડના અલગ અલગ લોકેશન ટ્રેસ થયા હોવાની વિગતો જાણવા મળી છે.

વેપારી પુત્રની પુછપરછ હાથ ધરવામાં આવી હતી

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેપારી દ્વારા અપહરણકર્તાઓને એક કરોડની ખંડણીની રમક ચૂકાવવામાં આવી હતી. ત્યારબાદ તેના પુત્રને મુક્ત કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે પોલીસ દ્વારા મુક્ત થયેલા વેપારીના પુત્રની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે અપહરણકારોની શોધખોળ આરંભી હતી.


યુવકના અપહરણ પહેલા રેકી થઈ હતી

યુવકનું ઘરેથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો ત્યારે ઘરની નજીક જ અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં. અપહરણ સ્થળેથી યુવકનું બાઈક અને બૂટ પણ મળી આવ્યાં હતાં. યુવકના અપહરણ અગાઉ અપહરણકારોએ રેકી કરી હોય તે બાબત નકારી શકાય નહીં. યુવકના આવવા જવા સહિતની તમામ બાબતોને અગાઉથી મોનિટર કરવામાં આવ્યા હતા.


અપહરણકાંડમાં ઉમરા પોલીસ, ક્રાઈમ બ્રાંચ, પીસીબી કામે લાગી હતી

યુવકનું અપહરણ થયા બાદ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉમરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એસઓજી સહિતની ટીમો પણ કામે લાગી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top