SURAT

પારલે પોઈન્ટનો ઝવેરી કતારગામ અને વરાછાના જ્વેલર્સનું કરોડોનું સોનું લઈ ભાગી ગયો

સુરત : સુરતના (Surat) એક જ્વેલર્સે (Jewellers) શહેરના અન્ય જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતના પાર્લે પોઈન્ટ (Parle Point) પર આવેલી એક જ્વેલરી શોપના માલિકે શહેરના કતારગામ (Katargam) અને વરાછા (Vrachha) જેવા વિસ્તારના અલગ અલગ જ્વેલર્સ પાસેથી રૂ. 9 કરોડની કિંમતનું 15 કિલો સોનુ લઈ ભાગી ગયી હોવાનો મામલો પોલીસ કમિશનરના દરબારમાં પહોંચ્યો છે. આ મામલે જ્વેલર્સ એસોસિએશન દ્વારા ચીટીંગ ક૨ના૨ જ્વેલરી શોપના માલિક સહિત અન્ય જવાબદાર લોકો સામે ગુનો નોંધીને તપાસ કરવાની ઉમરા પોલીસને રજૂઆત કરવામાં આવી છે.

વરાછા અને કતારગામ જ્વેલર્સ એસોશીયેશન તેમજ સુરત જ્વેલર્સ એસોશીયેશનના પ્રમુખ પ્રતાપભાઇ પટેલે જણાવ્યું હતું કે સુરતના વરાછા તેમજ કતારગામના અનેક જ્વેલર્સના માલિકોએ અંદાજીત રૂ. 9 કરોડની કિંમતનું 15 કિલો સોનાના દાગીના કે જેમાં વીંટી, બ્રેસલેટ, બુટી, સોનાના હાર, ચેઇન સહિતના દાગીના હતા. આ તમામ દાગીના પાર્લે પોઈન્ટ પર આવેલા વર્મન જ્વેલર્સ (Varman Jewellers Surat) ના માલિક વર્ષાબેન માણેકભાઈ લાઠીયા તેમજ જાગૃતિબેન મીહિરભાઈ કોશિયાને વેચવા માટે આપવામાં આવ્યા હતા.

વર્મન જ્વેલર્સના માલિકોએ તેઓને ત્યાં દાગીના આવ્યા જ ન હોવાનું જણાવ્યું હતું
મળતી માહિતી અનુસાર વર્મન જ્વેલર્સમાં કામ કરતા સતીષ, સૈનિક ઉપરાંત અન્ય કારીગરોને પણ આ બાબતની જાણ હતી. પરંતુ વર્મન જ્વેલર્સના માલિકોએ તેઓને ત્યાં દાગીના આવ્યા જ ન હોવાનું જણાવ્યું હતું. જેને લઈને તમામ જ્વેલર્સો વચ્ચે માથાકૂટ થઈ રહી છે. તમામ દાગીનાનો વહીવટ મીહિરભાઈ કોશિયા કરી રહ્યા હતા. તેઓએ આ દાગીના ક્યાં મુક્યા તે અંગે કોઈ માહિતી આપતા નથી. જે પછી આ મામલે તમામે ભેગા થઈને પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી. આ સાથે આ સમગ્ર ઘટનાની જાણ ઉમરા પોલીસના પીઆઈને પણ રજૂઆત કરવામાં આવી હતી.

છેતરપિંડીનો ભોગ બનનાર જ્વેલર્સ ભેગા થઈને ડોક્યુમેન્ટ ભેગા કરી રહ્યા છે
આ સમગ્ર ઘટના સામે છેતરપિંડીનો ભોગ બનનાર જ્વેલર્સના માલિકો ભેગા થઈને વિવિધ ડોક્યુમેન્ટ એકત્ર કરી રહ્યા છે. આ સાથે વર્મન જ્વેલર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Most Popular

To Top