Business

સુરત ડાયમંડ બુર્સ: 5 જૂને ગણેશ સ્થાપના સાથે 4200 દીવડાની મહાઆરતી થશે

સુરત: (Surat) અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના (Diamond Bourse) બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાને આરે છે. ત્યારે બુર્સ કમિટીએ 5 જૂને સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દીવડાની મહા આરતીનો કાર્યક્રમ યોજવાની તૈયારીઓ કરી છે. ચર્ચા એવી છે કે, 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના મુખ્ય ગેટનું લોકાર્પણ (Inauguration) વડાપ્રધાન કરે એવા પ્રયાસો ચાલી રહ્યાં છે. જો કે, કમિટીના કેટલાક આગેવાનો બુર્સનું કામ સંપૂર્ણ પૂરું થાય પછી સંપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવા જણાવી રહ્યા છે.

  • 5 જૂને સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દીવડાની મહાઆરતી થશે
  • ડાયમંડ બુર્સના બ્યુટિફિકેશનની કામગીરી અંતિમ તબક્કામાં, 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના ગેટનું લોકાર્પણ વડાપ્રધાન કરે એવા પ્રયાસો

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવા માટે ભરચક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બુર્સની કેટલીક ઓફિસોનાં ફર્નિચરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કેટલીક ઓફિસોમાં ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. ભારતીય પરંપરા મુજબ દરેક શુભ કાર્ય વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાથી થાય છે. એ પ્રમાણે 5 જૂને ગણેશ સ્થાપના થશે અને બુર્સમાં 4200 ઓફિસ હોવાથી 4200 પ્રજ્વલિત દીવડાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. બુર્સનું કામ ખૂબ ઝડપી ચાલ્યું છે. પહેલા ફેઝમાં 2.6 કિલોમીટરમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા, પાણી, ડ્રેનેજ નેટવર્ક, ઇલેક્ટ્રિક બ્યુટિફિકેશનની કામગીરી 104 કરોડના ખર્ચે શરૂ થઈ હતી. બીજા ફેઝમાં રૂ.215 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું હતું. બુર્સના વહીવટી ભવન સાથે 53000 ચો.મી. જગ્યામાં ગ્રીન સ્પેસ વિકસાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

Most Popular

To Top