SURAT

એક સૌરાષ્ટ્રવાસીના ઈશારે વરાછામાં લાયસન્સ વિના જ ફૂડ પ્લાઝા શરૂ કરી દેવાયું

સુરત (Surat): સુરત મનપાના (SMC) ભાજપ (BJP) શાસકો દ્વારા અડાજણમાં ભાજપના જ વોર્ડ પ્રમુખને પ્લોટ ફાળવી દેવાયા બાદ ત્યાં સ્થાનિકોનો વિરોધ છતાં લાયસન્સ (License) વગર જ ફૂડ પ્લાઝા (Food Plaza) ચાલે છે. તેને વધુ છ માસ માટે શાસકોએ બંધ બારણે રિન્યુ (Renew) કરવાનો ઠરાવ પણ કરી દીધો છે. ત્યારે હવે મનપાના સૌરાષ્ટ્રવાસી (Saurashtra) પદાધિકારીની ભલામણ હોવાથી કતારગામ (Katargam) અને વરાછા (Varacha) વિસ્તારમાં પણ સીઝનેબલ ચીજોના વેચાણના સ્ટોલનો હેતુ બતાવી મનપા પાસે ટોકન (Token) દરથી મેળવેલા પ્લોટમાં ફુ઼ડ કોર્ટ લાયસન્સ વગર ચાલતી હોવાનું બહાર આવ્યું છે. ઉપરથી આ પ્લોટની મુદત પણ પુરી થતી હોય સૌરાષ્ટ્રવાસી પદાધિકારીએ પ્લોટની ફાળવણી રિન્યુ કરાવવા દબાણ કરતા હોવાની ચર્ચા ઉઠી છે. જો કે આ કિસ્સામાં ઇમાનદાર પાર્ટી હોવાની આલબેલ પોકારતો વિપક્ષ ‘આપ’ પણ સુચક રીતે મૌન દેખાઇ રહ્યો છે.

  • કતારગામ-વરાછામાં લાયસન્સ વિના ધમધમતા ફૂડ પ્લાઝા મામલે વિપક્ષનું સુચક મૌન
  • પ્લોટની મુદત પણ પૂરી થતી હોવા છતાં સૌરાષ્ટ્રવાસી પદાધિકારી પ્લોટની ફાળવણી રિન્યુ કરાવવા દબાણ કરતા હોવાની ચર્ચા
  • સિઝનેબલ ચીજોના વેચાણના સ્ટોલનો હેતુ બતાવી મનપા પાસે ટોકન દરથી પ્લોટ મેળવી

કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 27 (ઉત્રાણ- કોસાડ)માં  ફાઈનલ પ્લોટ નંબર 198 મા 27.5 ચો.મી અને વરાછા બી ઝોનમાં ટીપી સ્કીમ નંબર 24 (મોટા વરાછા, ઉત્રાણ)માં આવેલો   પ્લોટ નંબર 208 જેનું ક્ષેત્રફળ 2417 ચો.મી છે તેને સ્થાયી સમિતિએ જાન્યુઆરી 2021માં  75 પૈસાના ભાડાથી સીઝનેબલ ચીજ વસ્તુના વેચાણનો હેતુ બતાવી છ માસ માટે ફાળવી દેવાયો છે. આ પ્લોટમાં સિઝનેબલ ચીજ વસ્તુને બદલે ફૂડ કોર્ટ શરૂ કરી દેવાયું છે.

અડાજણ પ્લોટની જેમ આ પ્લોટમાં પણ ફૂડ લાયસન્સ આપવામાં આવ્યું નથી.  તેની મુદત પુરી થઇ રહી હોય, હવે વધારાના છ માસ માટે અરજી કરવામાં આવી છે અને પદાધિકારીની  ભલામણ હોય દબાણથી આ પ્લોટને  ફરીથી ફૂડ કોર્ટ માટે  ભાડે  આપવા માટે તૈયારી થઈ રહી હોવાની ચર્ચા છે. અત્રે ઉલ્લખનીય છે કે ગત અઠવાડીયે મળેલી મિટિંગમાં ભાજપના અડાજણ વોર્ડના પ્રમુખને અડાજણની ટીપી સ્કીમ નંબર 31 જે પ્લોટ ટોકન દરે ફળવાયો તેમાં વિવાદ થયો હતો અને ફાળવણીની મુદત પુરી થઇ ત્યાં સુધી અહી લાયસન્સ વિના ફૂડ કોર્ટ ચાલ્યા  બાદ ફરીથી વધુ છ માસ માટે રિન્યુ પણ કરી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top