SURAT

સુરત: ગોપીપુરાના જૈન વસ્તી ધરાવતા એપાર્ટમેન્ટમાં મુસ્લિમોએ 3 ફ્લેટ ખરીદતા બબાલ

સુરત: પ્રાચીન 45 જૈન મંદિર અને 25થી વધુ હિન્દુ મંદિર ધરાવતા (Surat) સુરતના ગોપીપુરા (Gopipura) વિસ્તારમાં અશાંતધારાના (Ashantdhara) નિયમનો ભંગ થતા સ્થાનિક હિન્દુ (Hindu) અને જૈનોમાં (Jain) રોષ વ્યાપી ગયો છે. જૈન વસ્તી ધરાવતા અહીંના એક એપાર્ટમેન્ટમાં મુસ્લિમોએ (Muslim) 3 ફ્લેટ ખરીદતા હોબાળો મચી ગયો છે. રાજકારણી, પોલીસ અને કલેક્ટર કચેરીના અધિકારીઓની સાંઠગાંઠમાં મુસ્લિમોએ અશાંતધારાનો ભંગ કરી આ મકાનો ખરીદયા હોવાના આક્ષેપ સાથે આજે સોમવારે તા. 1ઓગસ્ટના રોજ સવારે ગોપીપુરાના જૈનો અને હિન્દુઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

  • ગોપીપુરામાં 45 જૈન પ્રાચીન મંદિર, 25થી વધુ હિન્દુ મંદિરો આવેલા છે
  • સુરતના નાયબ કલેક્ટરે સુનિષ એપાર્ટમેન્ટના 3 ફ્લેટ મુસ્લિમોને ટ્રાન્સફર કરવાનો ઓર્ડર કરતા રોષ
  • હિન્દુ અને જૈનોની સભ્યતાને બચાવવા માટે સ્થાનિક જૈનોએ વિરોધ નોંધાવ્યો

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ન્યાયિક પ્રક્રિયાઓ તથા સ્થાનિક રહીશો તેમજ ધારાસભ્ય અરવિંદ રાણા અને કોર્પોરેટર વ્રજેશ ઉનડકટની વાંધા અરજીને અવગણીને નાયબ કલેક્ટર, સબ ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ તથા સિટી પ્રાંત દ્વારા ગઈ તા. 25 જુલાઈ 2022ના રોજ સીટીએસ/અશાંતધારા/વાંધાઅરજ/ATS 2021 060777/ATS 2021070793/ATS 2021080123ના કેસમાં સંયુક્ત રીતે મિલકત ટ્રાન્સફર મંજૂર કરી છે. સૌ કોઈ જાણે છે તેમ ગોપીપુરા એ હિન્દુ અને જૈનોની બહુલ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં પૌરાણિક હિન્દુ અને જૈન તીર્થ સ્થાનો આવેલા છે. અહીં મોટી સંખ્યામાં વસતા હિન્દુ અને જૈનોની વાંધા અરજી હોવા છતાં મુસ્લિમ અરજદાર માટે મિલકત ટ્રાન્સફરનો કાયદાની વિરુદ્ધ ઓર્ડર મંજૂર કરાયો છે, જે કોઈ ગેરરીતિ થઈ હોવાનો નિર્દેશ કરે છે.

ગુજરાત હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી ગેરકાયદે રીતે કરાયેલા ઓર્ડરનો વિરોધ સ્થાનિક રહીશોએ કર્યો છે. શ્રી ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધક સમિતિના નેજા હેઠળ આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ ઓર્ડરને ફેરવિચારણા માટે લેવા કલેક્ટરને વિનંતી કરી છે. આ સાથે જ કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવા કલેક્ટરને વિનંતી કરાઈ હતી. અન્યથા જૈન સમુદાયોએ પોતાના મૂળ અસ્તિત્વ, મૂળ માલિકીની મિલકતો બચાવવા ન્યાયિક આંદોલનો કરવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મુદ્દો શું છે?
ગોપીપુરામાં આવેલા સુનિષ એપાર્ટમેન્ટના 11 પૈકી 3 ફ્લેટ મુસ્લિમ સમુદાય દ્વારા ખરીદાયા છે. ગોપીપુરામાં અશાંતધારો લાગુ પડતો હોય હિન્દુ-જૈનોની મિલકત મુસ્લિમો ખરીદી શકે નહીં. આ અંગે સ્થાનિકો દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી હોવા છતાં નાયબ કલેક્ટર દ્વારા મિલકત ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવતા સ્થાનિક જૈન સંગઠન દ્વારા વિરોધ શરૂ કરાયો છે.

Most Popular

To Top