SURAT

દુબઈથી 8.58 કરોડના 135 સોનાના બિસ્કિટ સ્મગલિંગ મામલે વિપુલ બોરડ અને રામ સુહાગિયાની ધરપકડ

સુરત: (Surat) ડિરેક્ટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના વિજિલન્સ ઓફિસરને મળેલી બાતમીના આધારે શહેરનાં લંબે હનુમાન રોડ ખાતે આવેલા CRV જ્વેલર્સમાં દરોડા પાડીને પ્રત્યેક 100 તોલા વજનવાળા 135 સોનાના બિસ્કિટ ઝડપી પાડ્યા હતાં. આ સોનાના બિસ્કિટ (Gold Biscuits) યુએઈ ઓરિજિનના હોવાથી DRI દ્વારા 5 વેટ અને 7.50 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ભરી હોવા સાથેના બીલની માંગ કરતાં દુબઇથી સોનુ ખેપ મારી લાવનાર મોટા વરાછા યમુના દર્શન સોસાયટીમાં રહેતા વિપુલ ધીરુભાઈ બોરડ અને દાણચોરીનું સોનુ ખરીદનાર લંબે હનુમાનરોડ વરાછા રોડના CRV જ્વેલર્સના ભાગીદાર રામભાઈ મગનભાઈ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને ડીઆરઆઈ દ્વારા સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. 100 ગ્રામ વજનના 135 સોનાના બિસ્કિટનું DRI દ્વારા વેલ્યુઅર પાસે વેલ્યુએશન કરાવવામાં આવતા આ સોનાની માર્કેટ કિંમત 8,58,17,880 આંકવામાં આવી હતી. DRI આ કેસમાં CRV જ્વેલર્સના ભાગીદાર ચેતન.ટી.કથરોટીયાની પણ પૂછપરછ કરી રહી છે. ડીઆરઆઇએ બંને આરોપીઓની કસ્ટમ એકટ 1962ની કલમ135(1) તથા સ્મગલિંગના ગુનામાં ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

100 ગ્રામ સોનાના બિસ્કિટ સુરતના બુલિયનના વેપારીને વેચવા પર 20થી 30 ટકા નફો મળતો હતો
DRIના ઈન્ટેલિજન્સ ઓફિસરે કોર્ટને મોટિવ રજૂ કરતા વકીલ મારફત જણાવ્યું હતું કે આ સ્પષ્ટ સ્મગલિંગનો અને કસ્ટમ ડ્યુટી ચોરીનો કેસ છે. યુએઈમાં 5 ટકા વેટ સાથે સોનાના બિસ્કિટની ખરીદી કરી એરપોર્ટ પર 5 ટકા રિફંડ મેળવી લેવામાં આવ્યું હતું. જ્યારે ભારતમાં ગોલ્ડ ઈમ્પોર્ટ પર 7.5 ટકા ડ્યુટી છે. દુબઈના ગોલ્ડ શુકમાં જથ્થામાં સોનાની ખરીદી પર તોતિંગ ડિસ્કાઉન્ટ મળે છે. આ મામલામાં DRI હવે બિલ વિના અને કસ્ટમ ડ્યુટી ભર્યા વિનાના સોનાના બિસ્કિટની ખરીદી કરનાર સુરતના બુલિયન વેપારીઓની પણ પૂછપરછ કરશે. કારણકે આ કેસમાં 15,745 ગ્રામનાં 135 નંગ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે.

લોકડાઉન પછી વિપુલ બોરડનો કાપડનો ધંધો બંધ થતાં સોનાની દાણચોરી કરવા લાગ્યો
સોનાની સ્મગલિંગના રવાડે ચઢેલો વિપુલ બોરડ કાપડનો વેપાર કરતો હતો. પણ કોરોનામાં લોકડાઉન દરમિયાન તેને નુકસાન જતા વેપાર બંધ કરવો પડ્યો હતો. CRV જ્વેલર્સ સાથે દોસ્તી હોવાથી તેણે દુબઈથી સોનાની ખેપ મારવાનું શરૂ કર્યું હતું. દાણચોરીનાં સોના સાથે ઝડપાયેલા વિપુલ બોરડએ ડી.આર.આઇને જણાવ્યું હતું કે તેણે સૌ પ્રથમ વખત રામ સુહાગિયા મારફતે 10 તોલા સોનું ખરીદ્યુ હતું, જેમાં 20 ટકાનું માર્જિન જણાતા સ્મગલિંગમાં ઝંપલાવ્યું હતું.

શું સ્મગલિંગનું સોનું શારજાહ-સુરત ફ્લાઈટમાં લવાયું હતું?
15,745 ગ્રામ સોનુ અને એમાં પણ પ્રત્યેક સોનાના બિસ્કિટનું વજન 10 તોલા હતું. આટલી માત્રામાં જુદીજુદી ખેપમાં સોનુ મુંબઈ એરપોર્ટની એર ઈન્ટેલિજન્સ યુનિટની નજર બચાવી લાવવું શક્ય નથી. તો શું આ સોનુ સપ્તાહમાં બે વાર શારજાહથી સુરત આવતી એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં કસ્ટમની નજર ચૂકવી લાવવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર પણ કસ્ટમના સ્કેનિંગ મશીન પાવર ફૂલ છે. જેમાં અગાઉ ગળીને પેટમાં અને ગુદા માર્ગે સંતાડી લવાયેલું ઓછી ક્વોન્ટીટીનું સોનુ પકડાઈ ચુક્યું છે. ત્યારે કઈ ગોઠવણથી આ સોનુ કસ્ટમની નજર ચૂકવી જ્વેલર્સ સુધી પહોંચ્યું એનું રહસ્ય હજી ખુલ્યું નથી. એરપોર્ટ પર ગોઠવણ વિના આટલી મોટી માત્રામાં સોનુ સ્મગલિંગથી લાવવું શક્ય નથી જ.

Most Popular

To Top