Business

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું આ રમણીય ગામ, લસણ અને ભાજી છે તેની ખાસ ઓળખ

સુરત જિલ્લાના (Surat District) ચોર્યાસી તાલુકાનું સૌથી મોટું ગામ એટલે દામકા. 20 કિ.મી. સરાઉન્ડિંગ એરિયા (699 હેક્ટર)માં પથરાયેલા ગામના ઇતિહાસ, ભૂગોળની વાત કરીએ તો દામકા હજીરા વિસ્તારનાં ગામો પૈકીનું સૌથી મોટું ગામ (Village) છે. આ વિસ્તારમાં છેલ્લાં 150થી વધુ વર્ષથી હિન્દુ વસતી છે, જેમાં સૌથી વધુ કોળી પટેલ સમાજના લોકો પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત હળપતિવાસ, બ્રાહ્મણ, કુંભાર, આહીર, લુહાર તેમજ વર્ષોથી પારસી લોકો પણ દામકા ગામમાં રહે છે. ભૌગોલિક દૃષ્ટિએ દામકા ગામ દરિયા કિનારાથી નજીક (village is close to the beach) હોવાને કારણે ગામનો અમુક ભાગ પણા (રેતાળ) છે. જ્યારે ગામના આંતરિક રસ્તા અને મકાનો કેટલાક ટેકરા ઉપર તો કેટલાક નીચાણમાં છે. હજીરા પટ્ટીના દામકા ગામમાં દોઢસો-બસો વર્ષ પહેલાં 30થી 40 મકાન હતાં. આ મકાનો ખેતરોમાં તેમજ એકબીજાથી થોડે થોડે અંતરે આવેલાં હતાં. સમય જતાં વસતી વધી અને આજે દામકા ગામમાં 1 હજારથી વધુ પાકાં મકાનો છે, જેમાં 8 હજારથી વધુ લોકો રહે છે. ગામના 90 ટકા પરિવારો ખેતી ઉપર નભે છે.

  • લસણ અને ભાજી દામકા ગામની વિશેષ ઓળખ
  • શહેરના ભાગળ ઉપર સવારે દામકાનું લસણ અને ભાજી ખરીદવા લોકો રાહ જુએ છે
  • 25 કિ.મી. આરસીસી રસ્તાથી પથરાયેલા ગામનો અવિરત વિકાસ
  • ગામના 90 ટકા પરિવારો ખેતી ઉપર નિર્ભર

ખેતી ઉપરાંત પશુપાલનના વ્યવસાયમાં આહીર સમાજના લોકો આગળ પડતા છે. વિતેલા 30-35 વર્ષનું દામકા ગામ કેવું હતું તેની વાત કરતા હાલના ઉપ સરપંચ તુલસીભાઇ નટવરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ સરપંચો-ઉપ સરપંચો અને હાલના સરપંચ-ઉપ સરપંચ દ્વારા ગામની કાયાપલટ કરવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે. મોટા ભાગનાં કામો છેલ્લાં 5-7 વર્ષના સમયગાળામાં તબક્કાવાર સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોની કોઠાસૂઝથી પૂર્ણ થયાં છે. હાલ ગામનો મુખ્ય ગેટ અને સ્મશાનભૂમિ કે જ્યાં વરસાદી પાણી ભરાતું હતું તેના નિરાકરણ સ્વરૂપે સ્મશાનભૂમિની ફરતે પ્રોટેક્શન વોલ બનાવી દેવાઇ છે. તેમજ સ્મશાનભૂમિનું રિનોવેશન પણ ઉપ સરપંચ તુલસી પટેલ અને સરપંચ રેવાબેન નાનુભાઇ રાઠોડ દ્વારા કામ આગળ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત એક કોમ્યુનિટી હોલનું પણ બાંધકામ પૂર્ણ થવા આવ્યું છે.

પૌરાણિક મહત્ત્વ ધરાવતું દામકા ગામનું ખાંડિયા હનુમાન મંદિર, ગામમાં સવાર-સાંજ આરતી થાય છે
દામકા ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે, રામાયણમાં સંજીવનીનો ઉલ્લેખ છે. હનુમાનજી જ્યારે લક્ષ્મણ માટે સંજીવની શોધવા નીકળ્યા હતા ત્યારે તેમણે ખાંડિયા હનુમાન મંદિરમાં રોકાયા હતા. ખાંડિયા હનુમાન મૂર્તિનો એક હાથ થોડો નીચો છે. જેથી તેને ગામના લોકો ખાંડિયા હનુમાન તરીકે ઓળખે છે. આ મંદિરમાં સવાર-સાંજ આરતી થાય છે. હનુમાન ચાલીસા અને આરતી માટે ગામની અંદર 24 સ્પીકર લગાડવામાં આવ્યાં છે. ગામલોકો આરતી સાંભળી શકે એ માટે ગામના આંતરિક ત્રણ રસ્તા, ચાર રસ્તા ઉપર સ્પીકર ફિટ કરવામાં આવ્યાં છે. ખાંડિયા હનુમાન ઉપરાંત ગામના પ્રવેશદ્વાર પાસે જય સિંધવાય ભવાની માતાનું મંદિર, ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર અને સાંઇ દામકા મંદિર આવેલું છે.

સુરત જિલ્લા ગ્રામ પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત દામકા પ્રાથમિક શાળા
દામકા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના પાકા મકાનમાં નળિયાવાળા વર્ગ ખંડો આજે પણ શાળા કેટલી જૂની છે, તેની ગવાહી આપી રહ્યા છે. ઉપ સરપંચ તુલસી પટેલે જણાવ્યું હતું કે, શાળા 100થી દોઢસો વર્ષ જૂની છે. જ્યાં ધોરણ-1થી 7ના વર્ગો ચાલે છે. ઐતિહાસિક સ્કૂલમાં ગામના ભૂતપૂર્વ સરપંચોથી માંડીને તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ લઇ ચૂક્યા છે.

સીસીટીવી કેમેરા અને ગામમાં આવતા લોકોનું સ્વાગત કરતી એલઇડી ડીસ્પ્લે
કોઈપણ ગામનો વિકાસ તેના શાસકોની કુનેહથી જ જાય છે. દામકા ગામમાં અત્યારપર્યંતના શાસકોએ ગામના વિકાસ માટે ખૂબ જ ઉમદા યોગદાન આપ્યું છે. જેને કારણે ગામને આધુનિક સુવિધાઓ પણ મળી રહી છે. ઉપ સરપંચ તુલસી પટેલે ગ્રાન્ટમાંથી તેમજ દાનદાતાઓના સહયોગથી વિવિધ વિકાસનાં કામો પાર પાડ્યાં છે. ગામની અંદર સીસીટીવી કેમેરા અને ગામમાં પ્રવેશતા લોકોનું સ્વાગત કરવા માટે એલઇડી ડીસ્પ્લે લગાડવામાં આવી છે.

દામકા ને વાંસવા, રાત પડી જાઉં કાં
દામકા અને તેની બાજુમાં આવેલા વાંસવા ગામ માટે એક કહેવત પ્રચલિત છે. દામકા અને વાંસવા ગામ એકબીજાથી થોડે જ અંતરે આવેલા છે. રાત પડી હોય અને તમે બેમાંથી કોઇ એક ગામમાં હોવ તો પણ તમને બંને ગામ એક જ હોય તેવું લાગે છે. દામકા અને વાંસવામાં જો રાત પડી કોઈ જાય તો લોકોના મોઢે આ કહેવત સાંભળવા મળે છે કે, દામકા ને વાંસવા રાત પડી જાઉં કાં ?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હેઠળ ગામના યુવાનોની પ્રવૃત્તિ
દામકા ગામમાં યુવાનોના ઘડતર માટે આરએસએસના ઘટનાયક નવીનભાઇ જે.પટેલે જણાવ્યું હતું કે, ગામના યુવકો માટે અનેક પ્રવૃત્તિ થઇ રહી છે. જેમાં ક્રિકેટ, વોલીબોલ, એથ્લેટિક્સ, વેઇટ લિફ્ટિંગ મુખ્ય છે. યુવાનોના રાષ્ટ્રીય ઘડતર માટે તથા રાષ્ટ્રને જરૂર પડ્યે મદદગાર થઇ શકે એ માટે આરએસએસની પ્રવૃત્તિ થાય છે. દર અઠવાડિયે ગામમાં શાખા લગાડવામાં આવે છે. અને દેશની અખંડિતતા માટે શાખાના વાલી નવીનભાઇ પટેલ દ્વારા વિષય જ્ઞાન આપવામાં આવે છે. આ શાખામાં 65 જેટલા સ્વયંસેવકો તાલીમ લઇ રહ્યા છે.

દામકા ગામનું નામ કઈ રીતે પડ્યું
દામકા ગામના સિનિયર ગ્રામ પંચાયત સભ્ય ભગુભાઈ વનમાળીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં વર્ષો પહેલાં દામો ભરવાડ રહેતો હતો. દામો ભરવાડ સામાજિક તેમજ આર્થિક રીતે સધ્ધર હતો. સમય જતાં દામા ભરવાડના નામનું અપભ્રંશ થઈ ગામનું નામ દામકા પડ્યું. 21મી સદીનું દામકા ગામ પ્રગતિના પંથે છે. દામકા ગામની મહિલાઓ પણ ભણીગણીને વિવિધ ક્ષેત્રમાં કામ કરી રહી છે. જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં પણ દામકા ગામની મહિલાઓ કામ કરી રહી છે. ગામની પ્રાથમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળા બાદ આગળ અભ્યાસ કરીને ગામના યુવાનો વકીલ, ડોક્ટર તેમજ એન્જિનિયર બન્યા છે.

સીમમાંથી ગામમાં આવવા માટે રસ્તાનો વિકાસ વિતેલાં 5 વર્ષમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ થયો : સરપંચ રેવાબેન રાઠોડ
દામકા ગ્રામ પંચાયતનાં સરપંચ રેવાબેન નટવરભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, સીમમાંથી ગામમાં આવવા-જવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. ખાસ કરીને ચોમાસાના સમયે પાણીનો ભરાવો થવાને કારણે ગામ લોકો મુશ્કેલી અનુભવતા હતા. પરંતુ વિતેલાં પાંચ વર્ષમાં સીમથી ગામ સુધી સરળતાથી પહોંચી શકાય એ માટે પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ આઉટર રોડ બન્યો છે. જેનાથી ઘણી રાહત ગામલોકોને થઇ છે.

ચોર્યાસી તાલુકાનું દામકા ગામ વાર્ષિક 80 ટકાથી વધુ ડાંગરનું ઉત્પાદન કરે છે
સુવિધાથી સજ્જ દામકા ગામની 90 ટકા વસતી ખેતી કરે છે. દામકા ગામના ખેડૂતો સૌથી વધારે ડાંગરનો પાક લે છે. ગ્રામ પંચાયત દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને સરકારી ગ્રાન્ટમાંથી પિયતની સુવિધા ઊભી કરવામાં આવી હોવાથી દામકા ગામના ખેડૂતો વર્ષે 80 ટકા જેટલી ડાંગરની ખેતી કરે છે. ડાંગર (ભાત)ની ખેતી કર્યા બાદ પાલ કોટન તેમજ જહાંગીરપુરા જીન ખાતે ડાંગરને વેચાણ અર્થે મોકલવામાં આવે છે. ચોર્યાસી તાલુકાનાં ગામડાં પૈકી સૌથી વધારે ડાંગરની ખેતી કરતું દામકા ગામ છે.

ઉપ સરપંચ તુલસીભાઈ પટેલે દર્દીઓ માટે વ્હીલચેર બેડ સહિતનાં સાધનો વસાવ્યાં
ઉપ સરપંચ તુલસીભાઇ પટેલે તેમના પિતા સ્વ.નટવરભાઇ છનાભાઇ પટેલના સ્મરણાર્થે રૂ.1 લાખના સ્વખર્ચે દિવ્યાંગો તેમજ ઇમરજન્સી સમયે વ્હીલચેર, વોકર અને બેડની સુવિધા ગામના દર્દીઓને મળી રહે એ માટે સાધનો વસાવ્યાં છે. માત્ર દામકા ગામ જ નહીં વાંસવા, ભટલાઇ, મોરા, રાજગરી, સુંવાલી, જૂનાગામ તેમજ હજીરા અને કવાસ ગામના જરૂરિયાતમંદો પણ આ નિ:શુલ્ક સેવાનો લાભ લઇ શકે છે.

દરિયો નજીક હોવાથી મીઠા પાણીની ખપત પૂરી કરવા વિશેષ આયોજન
દરિયો નજીક હોવાને કારણે દામકા ગામમાં અમુક જમીન ખારાશવાળી થઇ જતાં ભૂગર્ભ જળને પણ અસર પહોંચી છે. મીઠા પાણીની ખપત વર્ષ દરમિયાન ન રહે એ માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટમાંથી તેમજ દાનદાતાઓના સહયોગથી ગામમાં બ્રાહ્મણ ફળિયા નજીક સાડા ચાર લાખ લીટર કેપેસિટી ધરાવતી ભૂગર્ભ ટાંકી તેમજ 30 હજાર અને 70 હજાર લીટરની બે ઓવરહેડ ટાંકી છે.

દામકા ગામના યુવાનો દ્વારા બે વખત કુલ રૂ.94 હજારનું સૈનિક ફંડ એકત્ર કરાયું
દામકા ગામના યુવાનો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. ત્યારે વર્ષ-2020 અને 2021માં બે વખત ગામમાંથી સૈનિક ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું. પહેલી વખત રૂ.51 હજાર અને બીજી વખત ગામના યુવકો દ્વારા ગામમાં ફરીને ઉઘરાવેલા ફંડના રૂ.43 હજાર આવ્યા હતા. કુલ 94 હજારનું સૈનિક માટે ફંડ મોકલવામાં આવ્યું હતું.

ગામની મુખ્ય સમસ્યા ગટર લાઇન
છેલ્લા દાયકામાં ઘણાં ગામો સુવિધાસજ્જ બની રહ્યાં છે. આજે કાંઠા વિસ્તારનાં ગામો પહેલાં કરતાં વધુ સારી રીતે વિકાસ તરફ આગળ વધ્યાં છે. દામકા ગામ એમાંનું એક છે. હજીરા સ્થિત કંપનીઓને કારણે આજે ગામ સુવિધાજનક બની રહ્યું છે. મોરા અને ભટલાઈથી આગળ વધો એટલે દામકા ગામ આવે. દામકા ગામ સુવિધાથી સજ્જ તો છે જ, પણ વર્ષોથી ગામની એક સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. ગામની અદર સોસકૂવા-ખારકૂવાથી ગંદા પાણીનો નિકાલ થઇ રહ્યો છે. વર્ષોથી ગામમાં ગટર લાઇન નથી. માત્ર આ એક સમસ્યા સિવાય ગામમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટથી માંડીને તમામ પ્રકારની સુવિધા છે. ગટર વ્યવસ્થા ઊભી કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા સુડામાં રજૂઆત પણ કરવામાં આવી છે. નજીકના સમયમાં તેનું પણ નિરાકરણ આવશે તેવી આશા દામકા ગામના લોકોને છે.

સને-1960થી બાળકોને શિક્ષણ પૂરું પાડતી સંજીવની કેળવણીમંડળ સંચાલિત સંજીવની વિદ્યાસંકુલ
સંજીવની શાળાએ 2020માં 60 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. 1960માં ફક્ત 23 વિદ્યાર્થીની સંખ્યાથી સંજીવની હાઇસ્કૂલની ભટલાઇ ગામના ગોવિંદકાકાના મકાનમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યાંથી દામકાની સોસાયટીના મકાનમાં તેનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વર્ષ-1990થી હાઇસ્કૂલ ઉપરાંત પૂર્વ પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી. 2001થી 2015માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યા છે. સંજીવની વિદ્યા સંકુલ અને દામકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ચૂકેલા કેટલાય વિદ્યાર્થીઓએ સફળતાનાં સોપાનો સર કર્યાં છે. સંજીવની વિદ્યાસંકુલના ટ્રસ્ટીઓમાં સ્વ.મોબેદ રતનજી રૂસ્તમજી જીજીના-સુંવાલી, સ્વ.બાબુભાઇ એમ.હજીરાવાળા, તેમજ સ્વ.ઠાકોરભાઇ જે.ભટ્ટ-દામકા, સ્વ.મંછાભાઇ ડાહ્યાભાઇ પટેલ-ભટલાઇ અને સ્વ.જમશેદજી ધનજીશા પટેલ-મોરા હતા.

હજીરાની કંપનીઓમાં દામકા સહિતના સ્થાનિક ગામોના યુવાનો નોકરીથી વંચિત
હજીરા વિસ્તારમાં ઔદ્યોગિક બેલ્ટ બનતાં જે-તે કંપનીઓને જેવી લાયકાત જોઇએ તેવા ડિગ્રીવાળા ઉમેદવારો હજીરાની કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. છતાં હજીરાની કંપનીઓ સ્થાનિક ગામના લોકોને નોકરીમાં સંતોષ આપી શકી નથી. યોગ્ય લાયકાત હોવા છતાં સ્થાનિક બેકાર રહે છે અને અન્ય પ્રાંતના લોકોને નોકરી મળી રહી છે તેવી હૈયાવરાળ ગામના લોકોએ ઠાલવી હતી. ઉદ્યોગગૃહોમાં ગામના લોકોને યોગ્ય રોજગાર આપવા ગામલોકોની સતત માંગણી રહી છે.

ઉચ્ચ શિક્ષણ મેળવી દામકા ગામના યુવાનો વિવિધ સરકારી પોસ્ટ ઉપર પહોંચ્યા
દામકા ગામમાંથી રેવન્યુ તલાટી, શિક્ષક, એલઆઇસી એજન્ટ, ક્લાર્ક તેમજ પટાવાળાની સરકારી નોકરી ગામના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને કરી રહ્યા છે.
ગામના સ્મશાનમાં ગેસ આધારીત ભઠ્ઠી, યુવાનો માટે રમતનું મેદાન, બગીચો તેમજ આધુનિક આરોગ્ય કેન્દ્ર માટે ગ્રામ પંચાયતના પ્રયાસો
દામકા ગામ પ્રાથમિક સુવિધાથી સજ્જ છે. પરંતુ ગામના વિકાસ માટે હજી પણ જે ખૂટતી કડી છે તેને પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયત પ્રયત્નશીલ છે. જેમ કે, દામકા ગામના સ્મશાનમાં ગેસ આધારીત ભઠ્ઠી, ગામમાં ગટરનું આયોજન, ગામમાં સુંદર બગીચો, રમતગમત માટેનું મેદાન તેમજ આધુનિક આરોગ્ય કેન્દ્ર માટે પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત હજીરાની કંપનીઓ દ્વારા સીએસઆરના અનુદાનમાંથી ગામને જરૂરી સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

ખેતીવાડી માટે ગામમાં કુલ 22 તળાવ છે : વર્ષો જૂના 10 કૂવા ગામમાં હયાત
ખેતીવાડી માટે પિયત પૂરતા પ્રમાણમાં મળે તેની સુવિધા પણ ગ્રામ પંચાયત દ્વારા ઊભી કરવામાં આવી છે. સરકારીની વિવિધ યોજનાઓનો લાભ લેતા દામકા ગામના સભ્યો અને સિનિયર સભ્યોના માર્ગદર્શન હેઠળ હાલની ગ્રામ પંચાયત બોડી દ્વારા ગામની પ્રાથમિક સુવિધા અને ખેડૂતો માટે પિયરની પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગામમાં હાલ કુલ 22 તળાવ છે. તેમજ એક નવું તળાવ નિર્માણાધીન છે. ગામમાં ઐતિહાસિક 10 કૂવા આવેલા છે.

દામકા ગામમાં અંજીર, એલોવેરા, આમળા, જમરૂખીની ટપક પદ્ધતિથી ખેતી ટેક્નોલોજીના આ જમાનામાં ખેતીમાં પણ આમૂલ પરિવર્તન
ઉદ્યોગોએ હરણફાળ ભલે ભરી હોય, પરંતુ આજે પણ ખેતીનું એટલું જ મહત્ત્વ છે. ટેક્નોલોજીના આ જમાનામાં ખેતીમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. કાંઠા વિસ્તારના મોટા ભાગના લોકો ખેતી ઉપર જ નભે છે. જેમાં દામકા ગામનું નામ પણ આગળ પડતું છે. અહીં મીઠા લીમડા, શાકભાજીની ખેતી તો ખરી જ, પણ સાથે સાથે અન્ય પાક પણ હવે લેવાય છે. લસણ અને ભાજી દામકા ગામની વિશેષ ઓળખ છે. શહેરના ભાગળ ઉપર સવારે દામકાનું લસણ અને ભાજી ખરીદવા લોકો રાહ જુએ છે. બીજી તરફ તાડનાં ઝાડ વધુ હોવાને કારણે અહીં દંતાળાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. વાંસવા ગામની જેમ દામકા ગામના લોકો ઓલપાડના સરસ ગામના ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મેળા અને મોરા ગામની જાત્રામાં દંડાળાનું વેચાણ કરે છે. એ સિવાય સીતાફળનું ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં થાય છે. અહીં મોટા ભાગની વાડ ફરતે સીતાફળનાં ઝાડ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને ઘણા પરિવારો આર્થિક ઉપાર્જન પણ કરે છે. દામકા ગામના ઉપ સરપંચ તુલસી પટેલે જણાવ્યું હતું કે, ગામની એક જમીન ઉપર ટપક પદ્ધતિથી ડ્રાયફ્રૂટ અને ફ્રૂટની ખેતી કરવામાં આવી રહી છે. ગરમીની સિઝનમાં લેવાતા બાગાયતી પાકમાં અંજીર, એલોવેરા, આમળા અને જમરૂખી વાવવામાં આવી છે. ટપક પદ્ધતિથી આ બાગાયતી પાકને પાણી આપવામાં આવે છે. જમીન બિન ઉપયોગી પડી રહી હોવાથી તેનો ઉપયોગ કરવા માટે ખેડાણ કરી તુલસી પટેલે બાગાયતી પાક લેવાનું નક્કી કર્યું હતું. અંજીર, એલોવેરા, આમળા તેમજ જમરૂખીને સૂર્યની ગરમી પૂરતા પ્રમાણમાં મળે એ જરૂરી હોય છે.

દામકા ગામની પ્રોફાઇલ
સન-2011માં થયેલી વસતી ગણતરી મુજબ
# કુલ કુટુંબોની સંખ્યા 1331
# કુલ વસતી 5604
# પુરુષ 3118
# સ્ત્રી 2486
# સાક્ષરતા દર કુલ 90.95 ટકા
પુરુષ 94.62 ટકા
સ્ત્રી 86.34 ટકા
# કામનું વર્ગીકરણ
ખેડૂત 2191
ખેતમજૂર 272
ગૃહઉદ્યોગ ઉત્પાદન પ્રક્રિયા કરનારા 132

Most Popular

To Top