SURAT

સુરત: રત્નકલાકારે 30 હજારના માસિક ભાડે આપેલી કાર ભાડે લેનારે પરત કરી નહીં

સુરત : પાસોદરામાં રહેતા રત્નકલાકારે ફેસબુક પર જાહેરાત જોઈને કાર 30 હજારના માસિક ભાડે આપી હતી. દરમિયાન કાર ભાડે લેનારે બે મહિના ભાડું ચુકવી બાદમાં ભાડુ અને કાર બંને આપી નહોતી. રત્નકલાકારે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

  • ફેસબુક પર ગાડી ભાડે આપવાની જાહેરાત જોઈને રત્નકલાકાર ભેરવાયો
  • હોન્ડા સિટી કાર ભાડે આપી, 2 માસ ભાડુ આપ્યું પછી કાર પણ ગઈ

કામરેજ પાસોદરા ખાતે સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતા 23 વર્ષીય જયેશભાઇ ચંદુભાઇ માંગુકીયા રત્નકલાકાર છે. તેમણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં માધવ રૂપચંદાણી (રહે. ઘર નંબર ૫૦૩ મંગલમપાર્ક બી-૦૨, પીપલોદ) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2020 માં તેમણે સેકન્ડ હેન્ડ હોન્ડા સીટી કાર ખરીદી હતી. ગાડી હાલ ઘરે જ પડી રહેતી હતી. દરમિયાન ફેસબુક પર તેમણે ગાડી ભાડે જોઈએ છે તેવી એડ જોઈ હતી. તેનો સંપર્ક કરતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ માધવ રૂપચંદાણી હોવાનું કહ્યું હતું. અને પોતે ગાડી ભાડે લઈને બીજાને ચલાવવા આપતો હોવાનું જણાવ્યું હતું.

બાદમાં નાના વરાછા ઢાળમાં બોલાવીને કાર ભાડે આપી હતી. 30 હજાર માસિક ભાડુ નક્કી કરાયું હતું. બે મહિના ભાડુ આપ્યા બાદ ભાડુ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ આજદિન સુધી ભાડુ આપ્યું નથી. અને ગાડી પણ પરત આપી નથી. આ ગાડી તેણે કોઈકને વેચી નાખી હોવાની શંકા છે. જેને પગલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

સિટીલાઈટના રોયલ કેસલ હાઈરાઈઝમાં લિફ્ટ ખોટકાતાં બાળક અને વૃદ્ધા ફસાયાં
સુરત: સોમવારે સાંજે સિટીલાઇટ અગ્રસેન ભવન નજીક રોયલ કેસલ એપર્ટમેન્ટની લિફ્ટ ખોટકાઈ ગઈ હતી. લિફ્ટનો ઉપયોગ કરી રહેલા એક બાળક તથા એક વૃદ્ધ મહિલા તેમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ દોડતી થઇ હતી.

પ્રાપ્ત જાણકારી મુજબ સીટીલાઈટ વિસ્તારમાં અગ્રસેન ભવનની સામે રોયલ કેસલ નામની હાઈરાઈઝ બિલ્ડિંગ છે. સોમવારે સાંજે 6:40 કલાકે બિલ્ડિંગની લિફ્ટ અચાનક ખોટકાઈ જતા ચોથા માળ ઉપર અટકી ગઈ હતી. બિલ્ડિંગમાં રહેતા 10 વર્ષીય વિવાન ગુપ્તા અને 62 વર્ષીય મહિલા માયા માહેશ્વરી તેમાં ફસાયા હતા. અચાનક લિફ્ટ બંધ થતા તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને ડરના માર્યે તેમણે બૂમાબૂમ કરી મુકતા બિલ્ડિંગના રહીશો એકત્ર થઇ ગયા હતા અને તેઓએ ફાયર કંટ્રોલ રૂમને પણ જાણ કરી હતી. જેથી મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના રહીશોએ લિફ્ટનો દરવાજો જાતે ખોલીને બાળક અને મહિલાને સહીસલામત રીતે કાઢી લેતા ફાયરની ટીમ ઘટના સ્થળેથી પરત ફરી ગઈ હતી.

Most Popular

To Top