Dakshin Gujarat

વલસાડની ઓળખ ઉભું કરતું નનકવાડા ગામ

વલસાડ શહેરના અભિન્ન અંગ સમા અનેક ગામો આવ્યા છે. જેમાંનું એક છે નનકવાડા ગામ. વાંકી નદીના કિનારે આવેલા નનકવાડા ગામનો વિકાસ છેલ્લા 3 દાયકાથી થયો છે. નનકવાડા ગામમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલ, બ્લાઇન્ડ સ્કૂલ અને ટીવી રીલે કેન્દ્ર કાર્યરત હતુ. જેના કારણે જિલ્લામાં તેનું હંમેશા નામ રહેતું હતુ. અહીં બ્લાઇન્ડ સ્કૂલ અને સિવિલ હજુ પણ કાર્યરત છે, પરંતુ ટીવી રીલે કેન્દ્ર હાલ બંધ થઇ ગયું છે. જોકે, હવે વલસાડ જિલ્લાની સિવિલ સાથે અહીં મેડિકલ કોલેજ પણ બનતાં જિલ્લામાં વલસાડની એક નવી ઓળખ ઉભી થઇ છે. ત્યારે જિલ્લામાં નનકવાળા ગામનું એક અનોખું મહત્વ ઉભું થયું છે. તેમજ અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા આ ગામ વાઇબ્રન્ટ બન્યું છે.

વલસાડના નાનકવાડા ગામનો વિકાસ 1992ની સાલ પછી થયો. આ ગામે વિકાસની હરણફાળ એટલા હદે ભરી કે હવે ગામમાં ખાલી જગ્યા જ બચી નથી. ગામમાં સરકારી જમીનો પણ બચી નથી. થોડી ઘણીં આંબા વાડીને બાદ કરતાં અહીં સિમેન્ટના જંગલો બની ગયા છે. વલસાડને અડીને આવેલું આ ગામ શહેર સાથે ગામડાની પણ અનુભૂતિ કરાવી રહ્યું છે. જોકે, હજુ પણ ગામમાં પાયાની અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નનકવાડા ગામમાં ગટરની સુવિધા નથી. આડેધડ થયેલા વિકાસના કારણે વરસાદી પાણીના નિકાલની પણ વ્યાપક સમસ્યા ગામમાં જોવા મળી રહી છે. ગામની કેટલીક સોસાયટીઓ એવી છે, જ્યાં 3 ઇંચ વરસાદ આવતાં પાણી ભરાઇ જતા હોય છે. જેના માટે વર્ષોથી અહીંના સ્થાનિકો પરેશાન થઇ રહ્યા છે.

નનકવાડા ગામ કોળી પટેલોનું ગામ કહેવાય છે. જોકે, સમયાંતરે અહીં તમામ જાતિના લોકો આવીને વસ્યા છે. અહીં 10 ટકા જેટલી વસ્તી આદિવાસીની પણ છે. હજુ પણ આ ગામમાં પશુપાલનનનો ધંધો યથાવત  જોવા મળી રહ્યો છે. જેને લઇ અહીં આહિરોની પણ થોડી વસ્તી જોવા મળે છે. શહેર સાથે અડીને આવેલા આ ગામમાં બે તળાવો છે. જોકે, આ તળાવનો વિકાસ થઇ શક્યો નથી. જેના કારણે તેનું મહત્વ હાલ પુરતું વલસાડના લોકોને લાગતું નથી. અહીંનું તળવા વિકસાવાય તો વલસાડ શહેરના લોકોને એક મોટું પ્રવાસન સ્થળ પણ મળી શકે છે, પરંતુ આ દિશામાં હજુ સુધી કોઇ પણ રાજકારણીએ યોગ્ય દિશામાં વિચાર્યું નથી.

નનકવાડા ગામમાં સમય જતાં ખેતીવાડી પુરી થઇ ગઇ અને પશુપાલન પણ ધીમે ધીમે ખૂબ જ ઓછું થઇ ગયું છે, પરંતુ તેમ છતાં હજુ પણ અહીં નામ પુરતી આંબાવાડી છે અને થોડો પશુપાલન વ્યવસાય પણ હજુ યથાવત રહ્યો છે. એ સિવાય અહીંની વસ્તીનો મોટો વર્ગ નોકરિયાત છે.
10 હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ
વલસાડના નનકવાડા ગામની વસ્તી 10થી વધુ છે. 10 વર્ષ અગાઉની વસ્તી ગણતરી મુજબ અહીંની વસ્તી 10,172 હતી. જે હાલ વધીને 12 હજાર જેટલી થઇ ગઇ હોય એવો અંદાજ લગાવી શકાય છે. ગામના મહત્તમ લોકો સોસાટયીઓમાં રહે છે. અહીં એપાર્ટમેન્ટ ખૂબ જ ઓછી સંખ્યામાં આવેલા છે.

ગામમાં 235 હેક્ટરમાં ખેતી થાય છે
નનકવાડા ગ્રામ પંચાયતના ચોપડે હજુ પણ 235 હેક્ટરમાં ખેતી થાય છે અને ગામમાં 486 ખેડુતો છે. જોકે, આ ખેડૂતો હવે માત્ર ચોપડે ખેડૂત રહી ગયા છે. ખેતી સાથે જોડાયેલા ખેડૂતો ખૂબ જ જૂજ છે. મહત્તમ ખેતીની જમીનો એનએ થઇ ગઇ અને હવે અહીં સોસાયટીઓ અને ઘરો બની ગાય છે. આ ગામમાંથી શહેરમાં જવા માત્ર 2 જ કિમીનું અંતર હોય લોકો આ ગામમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

ગામમાં 320 જેટલું પશુધન
ગામમાંથી ખેતી અને પશુપાલનનો વ્યવાસાય ધીરે ધીરે ઘટી રહ્યો છે. તેમ છતાં હજુ પણ ગામમાં 320 પશુઓ છે. જેમાં 128 ગાય અને 167 જેટલી ભેંસો છે. આ પશુપાલન થકી ઉત્પન્ન થતું દુધ વલસાડ શહેરની દૂધની જરૂરિયાત પણ પુરી પાડી રહ્યું છે. આ સિવાય ગામમાં 24 બકરા અને એક ઘોડો પણ છે. જ્યારે અહીંના 2731 જેટલા મરઘાં પણ નોંધાયેલા છે.

સિવિલ હોસ્પિટલ ગામમાં હોય તમામ તબિબિ સારવાર ઉપલબ્ધ
નનકવાડા ગામમાં વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ વર્ષોથી કાર્યરત છે. જેને લઇ અહીં પહેલે થી જ તમામ પ્રકારની તબિબિ સારવાર ઉપલબ્ધ છે. એ પણ વિના મુલ્યે. હાલ અહીં મેડિકલ કોલેજ બની જતાં સિવિલ હોસ્પિટલ 800 બેડની થઇ ગઇ છે. તેમજ સ્કીન સ્પેશ્યલિસ્ટ, સાઇક્રિયેટીસ્ટ, ઇએનટી, આઇ સ્પેશ્યલિસ્ટ વગેરે પ્રકારના ડોક્ટરો હવે અહીં રેગ્યુલર બેસતા થઇ જતાં ગામના જ નહી, સમગ્ર જિલ્લાના લોકોને તેનો વ્યાપક પ્રમાણમાં લાભ મળી રહ્યો છે.

સિવિલના કારણે ગામના લોકોને રોજગારી પણ મળી
જિલ્લાની સિવિલ અને હવે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અહીં શરૂથતાં ગામના લોકોને મોટા પ્રમાણમાં રોજગારી મળી રહી છે. નનકવાડા ગામના અનેક લોકો સિવિલ બહાર ફળ ફ્રુટ ની લારી ગલ્લા ચલાવી રહ્યા છે. તેમજ સિવિલમાં આવતા દર્દીઓના સંબંધીઓ માટે ખાણી પીણીના લારી ગલ્લાઓ પણ અહીં પુરજોશમાં ચાલી રહ્યા છે. જેને લઇ ગામના અનેક લોકો માટે આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વરસાદ રૂપ સાબિત થઇ રહી છે. આ ઉપરાંત કોલેજ અને હોસ્પિટલમાં નાની મોટી નોકરીઓની પણ તક ઉભી થઇ છે.

રખડતા ઢોરની સમસ્યા વ્યાપક જોવા મળી રહી છે
નનકવાડા ગામમાં ગૌચરની જમીન બચી જ નથી. બીજી તરફ અહીં પશુપાલનનો વ્યવસાય હજુ પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગામના આ ઢોર ગમે ત્યાં જ રખડતા જોવા મળી રહ્યા છે. સોસાયટીઓમાં કે મુખ્ય માર્ગો પર પણ ઢોરનો જમાવડો જોવા સામાન્ય છે. જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ગયા છે. જેના માટે તંત્ર લાચાર દેખાઇ રહ્યું છે.

ગામ હજુ પણ સીસી ટીવી કેમેરાથી સજ્જ નથી
નનકવાડા ગામ વલસાડ શહેરનું પ્રવેશ દ્વાર સમુ છે. ગામના પ્રવેશના મુખ્ય માર્ગ પર પોલીસ દ્વારા સીસી ટીવી કેમેરા લગાવાયા છે. તેમજ ગ્રામ પંચાયત 3 રસ્તા પર પંચાયત દ્વારા સીસી ટીવી કેમેરા લગાવાયા છે, પરંતુ હજુ પણ ગામની અનેક સોસાયટીઓ અને માર્ગો પર સીસી ટીવી કેમેરા નથી. આ ગામ સમૃદ્ધ છે. ત્યારે અહીં સીસી ટીવી કેમેરા લગાવી શકાય એમ છે. જેના કારણે ગામોમાં થતી ચોરીઓ અને અન્ય ગુનાખોરી અટકાવી શકાય. અહીંના તળાવમાં પણ દર વર્ષે અનેક લોકો ડૂબીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે તળાવ કિનારે અને તળાવ પર નજર રાખતા કેમેરા પણ અહીં લગાવય એવી તાતી જરૂરીયાત છે.

ગટર વ્યવસ્થાનો સદંતર અભાવ
નનકવાડા ગામ જોઇને શહેરની અનુભૂતિ થાય છે, પરંતુ અહીં શહેર જેવી પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળે છે. નનકવાડા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવાઇ જ નથી. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાવાની વ્યાપક સમસ્યા ઉભી થતી હોય છે. જોકે, પંચાયત દ્વારા કેટલાક વિસ્તારમાં ગટરો બનાવવાનું કાર્ય શરૂ કરાયું છે.

ગામમાં ડ્રેનેજ સુવિધા હજુ સુધી વિકસી નથી
નનકવાડા ગામમાં ડ્રેનેજ લાઇન પણ નંખાઇ નથી. હજુ પણ એપાર્ટમેન્ટ હોય કે, બંગલાઓ કે ઘર. અહીં હજુ પણ ખાળકુવાની જ પદ્ધતિ ચાલી રહી છે. જેના કારણે વખતો વખત રહીશોએ ખાળ કુવો ખાલી કરાવવો પડે છે. શહેર સાથે જોડાયેલા આ ગામમાં ડ્રેનેજ લાઇન નંખાઇ જાય તો રહીશોને મોટી રાહત થઇ શકે છે.

ગામના મહત્તમ માર્ગ ઉચ્ચ ગુણવત્તાના
નનકવાડા ગામના અંતરિયાળ માર્ગો ખૂબ સારી ગુણવત્તાના જોવા મળે છે. મહત્તમ સોસાયટીઓમાં પેવરબ્લોકના માર્ગો બનાવાયા છે. જ્યારે અન્ય માર્ગો ડામરના છે, તેમ છતાં સારી ગુણવત્તાના છે. ચોમાસા દરમિયાન પણ નનકવાડા ગામના રોડ પર ખૂબ જ ઓછા ખાડા જોવા મળી રહ્યા છે. સોસાયટીમાં પેવરબ્લોક હોય ત્યાંના માર્ગ પણ ખૂબ સારા છે. જેના કારણે સ્થાનિકોને રોડના મુદ્દે કોઇ ફરિયાદ નથી.

નનકવાડા ગામના સરપંચ અને સભ્યોની યાદી
સરપંચ – વિનોદભાઇ ધીરુભાઇ પટેલ
ડેપ્યુ. સરપંચ – ધર્મેશભાઇ ખુશાલભાઇ પટેલ
સભ્યો
નીતાબેન કિરીટભાઇ પટેલ, વૈશાલીબેન કિરણભાઇ પટેલ, નિલમબેન પરેશભાઇ પટેલ, મેઘા મિહીરભાઇ દેસાઇ, કોકિલાબેન રમેશભાઇ નાયકા, દિપેશભાઇ બચુભાઇ પટેલ, પદમાબેન દિનેશભાઇ રાઠોડ, હેતલબેન ઉમેશભાઇ પટેલ, મનિષ ગુણવંતરાય પટેલ, દર્શના શીતલહબાઇ ગરાસિયા, નિલેશભાઇ ભુલાભાઇ આહીર, યોગેશકુમાર સુમનભાઇ પટેલ, દેવાંગકુમાર સુબોધભાઇ પટેલ, ધર્મેશ ખુશાલભાઇ પટેલ.

નનકવાડા ગામની આન એવી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ
વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ સાથે શરૂ થયેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ નનકવાડા ગામની આન બાન શાન બની છે. જેના કારણે નનકવાડા ગામ રાજ્ય સ્તરે નોંધપાત્ર બની રહ્યું છે. ગામમાં સિવિલ હોસ્પિટલની શરૂઆત 2 ઓક્ટોબર 1987 થી થઇ હતી. આ હોસ્પિટલમાં પહેલાં ગણતરીને જ વિભાગો કાર્યરત હતા. જોકે, હવે આ હોસ્પિટલ અપગ્રેડ થઇને 700 બેડની થઇ ગઇ છે. આ સાથે અહીં કોલેજ આવતા અહીં 21 પ્રકારના જુદા જુદા વિભાગો શરૂ થઇ ગયા છે. અહીં હ્રદય રોગના ઓપરેશન અને તેની સારવાર સિવાયના મહત્તમ રોગોની સારવાર થાય છે. અહીં ડેન્ટીસ્ટ, સ્કીન સ્પેશ્યાલિસ્ટ, લેબોરેટરી, એક્સરે જેવી વિવિધ પ્રકારની ઓપીડી શરૂ થઇ છે.

જેમાં સર્જિકલ, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી, ઇએનટી, ઓપ્થેર્મોલોજી વગેરે વિભાગ ખુબ જ ધમધમતા થયા છે. આ મેડિકલ કોલેજમાં 800 વિદ્યાર્થીઓ એમબીબીએસનો કોર્ષ કરી રહ્યા છે. જેમની સાથે કોલેજનો એકેડેમિક સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલનો મોટો સ્ટાફ અહીં કાર્યરત છે. કોલેજના વિદ્યાર્થીઓ અહીં બનાવેલી હોસ્ટેલમાં જ રહે છે. જેના કારણે આખો વિસ્તાર વાઇબ્રન્ટ થઇ ગયો છે. નનકવાડા ગામ ગામ જેવું નહી, પરંતુ શહેર જેવું ભાસી રહ્યું છે. કોલેજની એક અનોખી રોનક જોવા મળે છે. મોટી મોટી હાઇરાઇઝ હોસ્ટેલો અને હાઇરાઇઝ હોસ્પિટલ એક મેટ્રોસિટીની હોસ્પિટલની ઝાંખી કરાવે છે.

વિકાસ ઝંખી રહ્યા છે, નનકવાડાના તળાવો
નનકવાડા ગામમાં બે મોટા તળાવો આવ્યા છે. જેમાં દેવ તળાવ ખૂબ મોટું તળાવ છે. અહીં બોટીંગની સુવિધા પણ શરૂ કરી શકાય છે. અહીં પંચાયત દ્વારા વોક વે બનાવાયો છે, પરંતુ એક જ તરફ બન્યો છે. અહીં યોગ્ય રીતે વોકવે બનાવાય તેમજ અહીં નાનો ગાર્ડન તેમજ ઓપન જીમ બનાવાય તો તેને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય છે. હાલ અહીં તળાવ કિનારે પેવર બ્લોક નંખાવી બાકડા મુકી નજીવું ડેવલપમેન્ટ કરાયું છે. આ તળાવનું ડેવલપમેન્ટ થાય તો ગ્રામ પંચાયત તેના થકી અહીં રોજગાર ઉભા કરી શકે તેમજ ટિકીટ થકી આવક પણ ઉભી કરી શકે એમ છે. જોકે, શહેરને અડીને આવેલા આ સમૃદ્ધ ગામના વહીવટકર્તાઓએ આ અંગે ક્યારેય પણ ધ્યાન જ નથી આપ્યું. આ સિવાય અહીં ડખાડી તળાવ પણ છે. આ તળાવમાં પણ હંમેશા પાણીથી ભરાયેલું જ જોવા મળતું હોય છે. જેના કારણે ગામના ભુગર્ભ પાણીના સ્તર ક્યારેય પણ સુકાતા નથી. જોકે, ગામના તળાવો વિકાસ ઝંખી રહ્યા છે.

ગામમાં એક પણ કમ્યૂનિટી હોલ જ નથી
નનકવાડા ગામનો આંધળો વિકાસ થયો છે. ગૌચરની જમીન પણ બચી નથી. તેમજ હવે સરકારી જમીનો પણ બચી નથી. જેના કારણે અહીં એક કમ્પ્યુનિટી હોલ પણ બની શક્યો નથી. થોડા વર્ષ અગાઉ અહીં બાકી બચેલી સરકારી જમીનમાં કમ્યૂનિટી હોલ બનાવવાનો પ્રયાસ ભૂતકાળના સરંપચોએ કર્યો હતો, પરંતુ તેમને સફળતા ન મળતાં આ સરકારી જમીન પર હાલ આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી બની ગઇ છે. જેના કારણે ગામના લોકોએ નાના મોટા પ્રસંગો માટે વલસાડ શહેરના હોલ પર આધાર રાખવો પડે છે.

Most Popular

To Top