Business

સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલી વધવાના એંધાણ, અમેરિકાએ કર્યું આ કામ

સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગમાં (Diamond Industries) ઊનાળુ વેકેશન પૂર્ણ થયા પછી હીરાના કારખાનાઓ ફરી શરૂ થતાં જ નવી મુશ્કેલી ઊભી થઈ છે. યુક્રેન સામે બિનજરૂરી યુદ્ધ છેડવાના વિરોધમાં અમેરિકાએ (America) રશિયાનું (Russia) કેપી.સર્ટિફિકેશન રદ કરવા માંગ કરી છે અને માનવ અધિકારના હનનનો પ્રસ્તાવ મૂકી ઝિમ્બાબ્વે અને સીએરા લિયોનની જેમ રશિયાને કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશનમાંથી બહાર કાઢવા દબાણ ઊભું કર્યું છે. જો અમેરિકાના દબાણમાં રશિયાનું કેપી.સર્ટિફિકેશન સસ્પેન્ડ થાય તો રશિયન રફ કે પોલિશડ ડાયમંડ આપો આપ કોનફલિકટ કે બ્લડ ડાયમંડની યાદીમાં સામેલ થઈ જાય. જો એમ થાય તો એની સૌથી વધુ અસર સુરત, મુંબઇ સહિત ભારતના હીરા, ઝવેરાત ઉદ્યોગને થઈ શકે છે. જો કે કેપીના ભારત સહિતના કેટલાક સભ્ય દેશો આ પ્રસ્તાવની વિરુદ્ધમાં છે. આ અગાઉ અમેરિકાએ હીરો રશિયન રફમાંથી તૈયાર થયો નથી એવું બીલમાં લખવા ભારતીય ડાયમંડ કંપનીઓ પર દબાણ ઊભું કર્યુ હતું.

રશિયા-યુક્રેન યુદ્ધને પગલે અમેરિકાએ રશિયાની અલરોઝા કંપનીની ખાણમાંથી નીકળતા હીરા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન સરકારના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગે ભારત સરકારને મોકલાવેલી ટ્રેડ એડવાઇઝરીમાં રો મટિરિયલ સ્વરૂપની રશિયન પ્રોડક્ટ ફિનિશડ પ્રોડક્ટ તરીકે અમેરિકા એક્સપોર્ટ કરવા પર આકરા પગલાં ભરવાની ચેતવણી ઉચ્ચારી છે. ખાસ કરીને અમેરિકાએ ભારતના હીરા ઉદ્યોગને ચેતવણી આપી છે કે, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે અમેરિકાએ રશિયાની અલરોઝા કંપનીની ખાણમાંથી નીકળતા હીરા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ સ્થિતિમાં રશિયન રફ ડાયમંડમાંથી બનેલા પોલિશડ હીરા અને જવેલરી અમેરિકા એક્સપોર્ટ કરી શકાશે નહીં. રશિયન માઇનિંગ કંપનીની પાતળી રફમાંથી બનતા તૈયાર હીરા અને જવેલરી સુરત-મુંબઈથી અમેરિકા આવી રહી હોવાની આશંકાને પગલે અમેરિકાએ ભારત સરકારને ચેતવી છે.

સરકારે આ અંગે કાઉન્સિલને અને ભારતના જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટર્સને જાણ કરી છે. પાતળી રશિયન રફનું ઓરિજિન ઓફ કન્ટ્રી જાણવું મુશ્કેલ હોવાથી અમેરિકા આ પ્રકારના હીરા કે જવેલરી અમેરિકા મોકલવા માટે બિલ પર એવું લખાણ માંગી રહ્યું છે કે આ હીરા રશિયાની ખાણમાંથી નીકળેલા નથી અને રશિયન મૂળના નતી જો આ પ્રકારની ગેરરીતિ પકડાય તો અમેરિકાએ આવી ડાયમંડ પેઢીઓ પર પ્રતિબંધ મૂકવાની પણ ચેતવણી આપી છે. જીજેઈપીસીના ગુજરાત રિજયનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, પાતળી રફમાંથી તૈયાર થયેલા હીરા અને ડાયમંડ જવેલરી અમેરિકન લેબ જીઆઈએમાં તપાસ માટે મોકલશે. આ કામ આ લેબને આપવામાં આવ્યું છે.

સુરત-મુંબઇ સહિત ભારતમાં 30 ટકા રફ રશિયાથી આવે છે. બીજી તરફ ભારતના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે અમેરિકા મોટુ માર્કેટ છે.એટલે ઉદ્યોગકારો રશિયન રફમાંથી બનેલા હીરા, ઝવેરાત અમેરિકા મોકલવાનું ટાળે કારણકે અમેરિકાએ રશિયન ડાયમંડ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે આ અગાઉ અલરોઝાના ડે. સીઈઓ ઇવગેની અગુરિવએ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીને પત્ર મોકલી ખાતરી આપી કે સુરત-મુંબઈના ટ્રેડિંગ પાર્ટનર્સને રફની અછત નહીં પાડવા દઈશું તેવી ખાતરી આપી હતી.

Most Popular

To Top