SURAT

યુરોપ અને મિડલ ઈસ્ટમાં નીકળેલી ઘરાકીને લીધે સુરતના હીરા ઉદ્યોગની દિવાળી સુધરી ગઈ

સુરત: (Surat) યુરોપ અને મિડલ ઈસ્ટનાં સમૃદ્ધ દેશોમાં તૈયાર હીરા ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીની (Diamond And Gold Jewelry) ખરીદી નીકળતાં સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગની દિવાળી (Diwali) સુધરી છે. છેલ્લાં 6 માસ દરમ્યાન હીરાની નિકાસમાં 19442 કરોડનો વધારો નોંધાયો છે. જ્યારે હિરા જડીત ઘરેણાંનો વેપાર 60.04 ટકા વધીને 6664 કરોડ રહ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2021 દરમ્યાન જેમ એન્ડ જ્વેલરીના એકસપોર્ટમાં 11 ટકાનો વધારો નોંધાયો છે.

જીજેઈટીસીએ પ્રસિધ્ધ કરેલાં આંકડા પ્રમાણે ગત નાણાંકીય વર્ષ 2020-21ના નાણાકીય વર્ષ દરમ્યાન ભારતના જેમ્સ એન્ડ જવેલરીનો કુલ એકસપોર્ટ 34 બિલિયન યુએસ ડોલર જેટલો રહ્યો હતો. જયારે ચાલુ નાણાકીય વર્ષ માટે લક્ષ્યાંક 43 બિલિયન યુએસ ડોલરનો રાખવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2020-21માં માત્ર સુરતથી 12000 કરોડના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ થઇ છે. 2019માં કુલ નિકાસ 1,26,461 કરોડની રહી હતી. તેની સામે 2021ના પ્રથમ 6 મહિનામાં 1,40,412 કરોડની નિકાસ થઇ છે. પોલીશ્ડ ડાયમંડની કુલ નિકાસ અત્યાર સુધી 91489 કરોડ નોંધાઇ હતી જે કોરોનાકાળ કરતા 26 ટકા વધુ છે. ડાયમંડની સાથે સાથે જવેલરીનો એકસપોર્ટ પણ વધ્યો છે. સુરતના 350 જવેલરી મેન્યુફેકચર્સ દર મહિને 2000 કરોડની જવેલરી એકસપોર્ટ કરે છે.

તૈયાર લેબગ્રોન ડાયમંડનો એકસપોર્ટ 193 ટકા વધ્યો
નેચરલ ડાયમંડની સાથે લેબમાં બનાવેલા લેબગ્રોન કે સિન્થેટિક ડાયમંડ અને એમાંથી બનતી જવેલરીનું વેચાણ વૈશ્વિક લેવલ વધ્યું છે તેને લીધે પોલીશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 193 ટકાનો વધારો નોંધાયો છે. જયારે સિલ્વર જવેલરીની નિકાસમાં 153 ટકાનો ઉછાળો નોંધાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2021 દરમ્યાન 9477 કરોડનો લેબગ્રોન ડાયમંડનો વેપાર નોંધાયો છે. સુરતમાં હવે લેબગ્રોન સીવીડી ડાયમંડમાંથી ડાયમંડ જવેલરી પણ બની રહી છે.

2022માં ડાયમંડ બુર્સ અને ડાય ટ્રેડ સેન્ટરના પ્રોજેકટ સુરતના હીરા ઉદ્યોગમાં તેજી લાવશે
સુરતના ખજોદમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના ભાગ સ્વરૂપે તૈયાર થઇ રહેલા સુરત ડાયમંડ બુર્સના પ્રોજેકટને લીધે ડાયમંડ જવેલરી ઉદ્યોગમાં 2022માં આગઝરતી તેજી જોવા મળી શકે છે. બુર્સના પ્રારંભ થયા પછી 1.50 લાખ કરોડનો એકસપોર્ટ થવાનો અંદાજ છે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે 1 લાખ લોકોને સીધી રોજગારી મળશે. વિશ્વનાં સૌથી મોટા ડાયમંડ બુર્સનો વિસ્તાર એટલો વિશાળ છે કે 22 કિલોમીટરનો ચકરાવો લેવો પડશે. બુર્સમાં 11 માળના 9 બિલ્ડિંગ અને 4200 ઓફિસ તૈયાર થઇ ગઇ છે. 2600 કરોડના ખર્ચે બુર્સનું નિર્માણ થયું છે. સુરત ડાયમંડ બુર્સના અગ્રણી મથુર સવાણી અને દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 66 લાખ સ્કેવર ફીટના 128 લિફટ સાથે 9 માળના 11 ટાવર બે બેઝમેન્ટ સાથે તૈયાર થયા છે. એવી જ રીતે ઇચ્છાપોર જેસ એન્ડ જવેલરી પાર્કમાં આવેલા ડાય ટ્રેડ સેન્ટરનું કામ પૂર્ણ થયંુ છે. અહીં વિશ્વની બીજા ક્રમાંકની રફ ડાયમંડ સપ્લાયર કંપની અલરોઝાએ રફ ડાયમંડ ઓકશન કરવા માટે તૈયારી દર્શાવી છે. સેન્ટરમાં સ્પેશિયલ નોટિફાઇડ ઝોન પણ ઊભો કરવામાં આવ્યો છે. 2021ના વર્ષમાં સરસાણા ખાતે જીજેઇપીસી દ્વારા 2000 સ્કે.ફીટ એરિયામાં ડાયમંડ ઓકશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને અહીં લેબગ્રોન ડાયમંડના 2 ઓકશન થઇ ચૂકયા છે. હવે વિશ્વનું સૌથી મોટું ઓકશન હાઉસ 50,000 સ્કે.ફીટ વિસ્તારમાં ડાયમંડ બુર્સ ખાતે તૈયાર કરાયું છે.

Most Popular

To Top