National

ટેબલ ટેનિસમાં કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતનો હરમીત દેસાઈ પ્રભુતામાં પગલાં પાડશે

સુરત: (Surat) 2018ની કોમન વેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ટેબલ ટેનિસમાં (Table Tennis) ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતનો હરમીત દેસાઈ (Harmit Desai) કોલકાતામાં પ્રભુતામાં પગલાં માંડશે. હરમીત બંગાળ સરકારના સીઆઇડી અધિકારી સંદીપસિંહા રોયની દીકરી રિત્વિકા સિન્હા રોય સાથે લગ્ન કરશે. જેનું આલા ગ્રાન્ડ રિસેપ્શન સુરતના અવધ ઉટોપિયાના મેરી ગોલ્ડ બેંકવેટ હોલમાં 400 મહાનુભાવોની હાજરીમાં થશે.

હરમીતના પપ્પા રાજુલ ઉર્ફે રાજુ દેસાઇએ જણાવ્યું હતું કે, હરમીત અને રિત્વિકાનાં આ પ્રેમલગ્ન હશે. થોડાક મહિના પહેલાં હરમિતે રિત્વિકા સાથેના પ્રેમની કબૂલાત કરી આંચકો આપ્યો હતો. જો કે, તેણે અમને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમારો પરિવાર પ્રેમાળ અને સ્વતંત્ર વિચારોને મહત્ત્વ આપે છે. આથી હરમીત અને રિત્વિકાને બધાએ આશીર્વાદ આપ્યાં છે. રિત્વિકા સિન્હા રોય પણ 2019માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી છે. તે ભારતીય વુમન મહિલા ટેબલ ટેનિસ ટીમની જાણીતી ખેલાડી છે. હરમીત જેમ ઓએન્જીસીમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમ રિત્વિકા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં અધિકારી છે. તા.17મીએ સાંજે અવધ ઉટોપિયામાં યોજાનારા રિસેપ્શનમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમના સ્ટાર અને હરમીતના સાથી ખેલાડીઓ શરથ કમલ, સત્યેન, શરદ, ઘોષ, ધનરાજ ચૌધરી અને ટીટી એસોસિએશનના સેક્રેટરી એ.પી.સિંહ હાજર રહેશે.

અત્યારે હરમીત ફ્રાન્સના પેરિસમાં રમી રહ્યો છે. લગ્નના બે દિવસ પહેલાં કોલકાતા આવશે. જ્યાં તેના હિન્દુ પારંપરિક વિધિથી લગ્ન થશે. એ પછી 17 ડિસેમ્બરે શુક્રવારે સુરતમાં રિસેપ્શન યોજાશે. હરમીતનાં મમ્મી અર્ચના દેસાઈ અને પપ્પા રાજુલ દેસાઈ મજાકમાં કહે છે કે, ટેનિસની રમતની જેમ તેણે અમને ઊંઘતાં ઝડપ્યાં છે. અમે બધાં ખુશ છીએ અને તેના પ્રેમ અને જીવનસાથી સાથે છીએ. લગ્નના બે દિવસ પછી હરમીત અમેરિકામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જશે. હરમીત સાથે ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં શરત કમલ, સત્યેન, અમલરાજ રહેશે. 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં અમલરાજ, સાથિયાન જ્ઞાનસેકરન અને સનિલ શેટ્ટી સાથે મેન્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને મેન્સ ડબલ્સની ઈવેન્ટમાં સનિલ શેટ્ટી સાથે બ્રોન્ઝ જિત્યો. હરમીત દેસાઈએ કટક ખાતે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ-2019માં મેન્સ સિંગલ્સ ટાઇટલ જિત્યું હતું.

ભારતે સાથિયાન જ્ઞાનસેકરનને સખત લડાઈની ફાઇનલમાં હરાવી મેન્સ સિંગલ્સ ટાઇટલ જિત્યું હતું. 2019માં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા હરમીત દેસાઈને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હરમીતનાં લગ્ન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છાઓ પાઠવી છે. રિસેપ્શનમાં ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, મુકેશ પટેલ હાજર રહેશે.

હરમીત દેસાઈના રિસેપ્શનમાં હરિયાણાના પૂર્વ ડે. સીએમ અભય ચૌટાલા અને અભિનેતા પ્રતીક ગાંધી પણ હાજર રહેશે
હરમીત દેસાઈના સુરતમાં યોજાનારા રિસેપ્શનમાં હરિયાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ અભય ચૌટાલા, અભિનેતા પ્રતીક ગાંધી (હર્ષદ મહેતા ફેઈમ), TTFIના સેક્રેટરી જનરલ એમ.પી.સિંઘ, ધનરાજ ચૌધરી, અરુણ બેનર્જી, ભારતીય ટેબલ ટેનિસ ટીમના ખેલાડીઓ જી.સાથિયેન, શરથ કમલ, અમલરાજ, સનિલ શેટ્ટી હાજરી આપે તેવી શક્યતા છે.

Most Popular

To Top