SURAT

સિવિલમાં 50મું અંગદાન: આદિવાસી યુવાનના પાંચ અંગોના દાનથી ચારને નવજીવન મળ્યું

સુરત: હીરાનગરી તરીકે ઓળખાતું સુરત (Surat) શહેર હવે ઓર્ગન ડોનર સિટી (Organ Donor City) તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. ગત દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) સૌથી વધુ અંગદાન (Organ Donation) થયા છે. આ કડીમાં વધુ એક અંગદાન થતા આજે 50મું અંગદાન થયું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામના વતની ગામીત પરિવારના એકના એક 28 વર્ષીય પુત્ર કમલભાઈ ગામીતની બે કિડની, લીવર અને બે ફેંફસાના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામના બંદારા ફળિયા ખાતે રહેતા 28 વર્ષીય આદિવાસી યુવાન કમલભાઈ ગામીત 8 નવેમ્બરના રોજ સાંજે 7:30 વાગે બાઈક ઉપર ઘરે પરત જતા હતા, ત્યારે વ્યારાના ચિખલદા ગામ સ્થિત રીક્ષા અને બાઈકનો અકસ્માત થયો હતો. ત્યારે કમલભાઈની બાઈક પણ આ અકસ્માત સાથે ટક્કર થતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ બેભાન અવસ્થામાં 108 એમ્યુલન્સ મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં 10 દિવસની સારવાર બાદ 20મી નવેમ્બરના વહેલી સવારે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડિયા, ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ તથા ન્યુરો સર્જન ડો.હરિન મોદીએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

તેમના પિતા અરવિંદભાઈ ગામીત સહિત પરિવારજનોને ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી પરિવારજનોએ એકના એક પુત્ર કમલના અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે 2 કિડની, લીવર અને ફેંફસાના અંગદાન થકી ચાર વ્યક્તિઓના જીવનમાં નવા વર્ષે નવા જીવનનો ઉજાશ પથરાશે. મળતી માહિતી મુજબ કમલભાઈ બાંધકામ (સેન્ટરીંગ)નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર પાર્થ છે.

નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. જેના પરિણામે સુરત સિવિલમાં આજે 50મું સફળ અંગદાન થયું હતું.

Most Popular

To Top