વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાતના સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત માત્ર એક રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ મહત્વનું એ છે કે દક્ષિણ ગુજરાતના વિકાસ ઇતિહાસમાં એક સીમાચિહ્ન સાબિત થવાની છે. વડાપ્રધાન સુરતમાંથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹18,777 કરોડના 24 વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ પ્રોજેક્ટ્સમાં રોડ અને હાઇવે, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય, શહેરી સુવિધાઓ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ આદિજાતિ અને ગ્રામ વિકાસ જેવા અનેક ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ વિકાસકાર્યો દક્ષિણ ગુજરાતની આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક પ્રગતિને નવી દિશા આપશે.
₹18,777 કરોડના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન મોદી દ્વારા કુલ 24 પ્રોજેક્ટ્સને જનતા માટે સમર્પિત કરવામાં આવશે. તેમાં ₹4,852 કરોડના ખર્ચે 5 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે ₹13,926 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 19 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ભારત સરકારના ₹16,968 કરોડના 7 મોટા પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના ₹1,810 કરોડના 19 વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ્સ રાજ્યના વિકાસને નવી ગતિ આપશે.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો મહત્વપૂર્ણ તબક્કો જનતાને સમર્પિત
કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ ₹7,689 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ-6 અને પેકેજ-7નું લોકાર્પણ રહેશે.દેશના સૌથી મહત્વપૂર્ણ એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સમાં ગણાતા આ માર્ગથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. વડોદરા, ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જેવા મહત્વપૂર્ણ શહેરોને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે. મુસાફરીનો સમય ઘટશે, ઇંધણની બચત થશે અને માલસામાન પરિવહનમાં પણ ઝડપ આવશે.વિશેષજ્ઞોના મત મુજબ આ એક્સપ્રેસવે માત્ર પરિવહન સુવિધા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ઔદ્યોગિક રોકાણ, લોજિસ્ટિક્સ અને વેપાર માટે પણ ગેમચેન્જર સાબિત થશે.
NHAIના નવા ચાર માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હેઠળ ₹4,732 કરોડના ખર્ચે ચાર નવા માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.સાથે જ નીચેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે:
NH-56ના ધમાસિયાથી મોવી સુધીના માર્ગનું ફોર લેનિંગ
NH-56ના નસારપોરથી મલોથા સુધીના માર્ગનું ફોર લેનિંગ
સુરત-હજીરા નેશનલ હાઇવે પર રિલાયન્સ નજીક વ્હીકલ અંડરપાસ (VUP)
કાવાસ નજીક VUP કમ ફ્લાયઓવર
આ પ્રોજેક્ટ્સથી સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને માર્ગ સુરક્ષામાં વધારો થશે.
₹4,547 કરોડથી ટ્રાન્સમિશન નેટવર્કનો વિસ્તાર તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) હેઠળ ₹4,547 કરોડના ખર્ચે ગુજરાતના વીજ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. મહત્વ નું છે કે ગુજરાત દેશમાં ઔદ્યોગિક વિકાસમાં અગ્રણી રાજ્ય છે. વધતી વીજ જરૂરિયાતોને પહોંચી વળવા માટે મજબૂત ટ્રાન્સમિશન નેટવર્ક અત્યંત જરૂરી છે. આ પ્રોજેક્ટથી ઉદ્યોગો, કૃષિ અને ઘરેલુ ગ્રાહકોને વધુ વિશ્વસનીય વીજ પુરવઠો મળી શકશે.
GIDCના ₹1,063 કરોડના વિકાસકાર્યોને મળશે ગતિ
ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) હેઠળ ₹1,063.43 કરોડના ખર્ચે તૈયાર થયેલા 8 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.ભરૂચ અને વલસાડ જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠો અને ઔદ્યોગિક સુવિધાઓના વિકાસથી રોકાણકારોને વધુ અનુકૂળ વાતાવરણ મળશે.દક્ષિણ ગુજરાત પહેલાથી જ કેમિકલ, ટેક્સટાઇલ, ફાર્મા અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. નવા પ્રોજેક્ટ્સથી ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે.
આરોગ્ય ક્ષેત્રને મળશે નવી ભેટ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સુરતની ઓલ્ડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં તૈયાર કરાયેલી 100 બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 50 બેડની આયુષ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે.આ હોસ્પિટલોના કાર્યરત થવાથી સુરત અને આસપાસના વિસ્તારોના હજારો લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. આયુષ હોસ્પિટલ દ્વારા આયુર્વેદ, યોગ, હોમિયોપેથી અને અન્ય પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને પણ પ્રોત્સાહન મળશે.
સુરતમાં બનશે રીજનલ સાયન્સ સેન્ટર
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સુરતમાં નવા રીજનલ સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિજ્ઞાનપ્રેમીઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. અહીં આધુનિક પ્રદર્શન, વૈજ્ઞાનિક પ્રયોગો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
શહેરી વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન
શહેરી વિકાસ વિભાગ હેઠળ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 90 MLD ક્ષમતાના અપગ્રેડેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.તે ઉપરાંત વાપી સ્ટોર્મ વોટર ડ્રેઇન (SWD) પ્રોજેક્ટ પણ જનતાને સમર્પિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ શહેરોમાં ગંદાપાણીના વૈજ્ઞાનિક નિકાલ અને વરસાદી પાણીના સંચાલન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આવા પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ વિશેષ મહત્વ ધરાવે છે.
માર્ગ, પંચાયત અને આદિજાતિ વિકાસ ક્ષેત્રે પણ પ્રગતિ
માર્ગ અને મકાન વિભાગ હેઠળ બોરદા-સાતકાશી-શેરૂલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવશે. આ માર્ગ ગ્રામ્ય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી આપશે.સાથે જ પંચાયત વિભાગ હેઠળ ડાંગ જિલ્લા પંચાયતના નવા ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી આદિજાતિ વિસ્તારના વહીવટી કાર્યોમાં વધુ સુવિધા મળશે.
વિકાસના 12 વર્ષનો પ્રતિબિંબ
ઉલ્લેખનીય છે કે 26 મે, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે. સમયગાળા દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, ડિજિટલ ટેક્નોલોજી, આરોગ્ય, શિક્ષણ અને પરિવહન ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે.
5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના રોજ સુરતમાં યોજાનારો કાર્યક્રમ દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક બની શકે છે. ₹18,777 કરોડના વિકાસકાર્યો માત્ર આંકડાઓ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેઓ લાખો નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવાના આધારસ્તંભ બની શકે છે. રોડ, હાઇવે, આરોગ્ય, વીજળી, ઉદ્યોગ, વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં થનારા આ વિકાસકાર્યો ગુજરાતને વધુ આધુનિક, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા બજવશે.