SURAT

દેશના ઉદ્યોગોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સુરતના ચેમ્બર ઓફ કોમર્સે અનોખું મિશન આરંભ્યું

સુરત(Surat) : આજે તા. 21મી ઓકટોબરે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના (SGCCI) 84માં સ્થાપના દિવસે નવા વિચારો, નવી દિશા અને નવું પ્રયાણના ભાગ રૂપે SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 (Mission84) પ્રોજેકટ અંતર્ગત C TO C એટલે કે ‘ચેમ્બર ટુ ચેમ્બર’કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશવિદેશની ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ એક મંચ પર એકત્રિત થયા હતા. જ્યારે અન્ય ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ઓનલાઇન જોડાયા હતા અને મિશન 84 પ્રોજેકટને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

  • SGCCIના 84માં સ્થાપના દિને દેશવિદેશની ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ઇન્ટરેકટીવ નેટવર્કીંગ મિટીંગ મળી
  • મિશન 84 પ્રોજેકટને દેશની અન્ય ચેમ્બર ઓફ કોમર્સે વખાણ્યો અને કહ્યું કે, આ પ્રોજેકટથી વિવિધ ઉદ્યોગોની ઇનર સ્ટ્રેન્થ બહાર આવશે, જે વ્યાપાર-ઉદ્યોગના વિકાસ માટે તેમજ ભારતને આર્થિક રીતે મજબૂત કરવા કામ લાગશે
  • મિશન 84 અંતર્ગત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયા બિઝનેસ ગૃપ – ટ્રેડ કાઉન્સીલ એન્ડ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસની સાથે એમઓયુ સાઇન થયા
  • ‘ચેમ્બર ટુ મેમ્બર’કાર્યક્રમમાં ઉદ્યોગકારોને જુદી–જુદી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતપોતાના પ્રાદેશિક વિસ્તારમાં વ્યાપાર–ઉદ્યોગની તકોથી માહિતગાર કરાયા

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, 21મી ઓકટોબરે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 84માં સ્થાપના દિને SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 પ્રોજેકટ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે. ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તેમજ દેશમાંથી વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવા માટે મિશન 84 પ્રોજેકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શરૂ કરાયો છે. મિશન 84 પ્રોજેકટ અંતર્ગત ભારતના 84000 ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા 84000 બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવશે. એવી રીતે ભારતની 84 ચેમ્બર ઓફ કોમર્સને તથા 84 દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે જોડાશે.

આ ઉપરાંત ભારતમાં કાર્યરત 84 દેશોના કોન્સુલ જનરલો તેમજ વિશ્વના 84 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરી ઉદ્યોગકારોને વ્યાપાર માટે જે તે દેશોમાં રહેલી તકો તથા ત્યાંના કાયદા અને નિયમો વિશે માર્ગદર્શન આપશે, જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશો જેવા કે શ્રીલંકા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ઇથોપિયા, યુકે, ગુયાના, ઝામ્બીયા, પોલન્ડ અને તાન્ઝાનિયાના કોન્સુલ જનરલો સાથે થયેલી મિટીંગોથી પણ ચેમ્બર પ્રમુખે અન્ય ચેમ્બર ઓફ કોમર્સને વાકેફ કર્યા હતા.

ચેમ્બર પ્રમુખે કહ્યું હતું કે, ભારતના જીડીપી ગ્રોથને વધારવા માટે તમામ ઉદ્યોગકારો એકબીજાને સહકાર આપી બિઝનેસ ડેવલપમેન્ટની ભાવના સાથે આગળ વધે તે માટે મિશન 84 પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જોડાવા માટે તેમણે દેશવિદેશની ચેમ્બર ઓફ કોમર્સને અનુરોધ કર્યો હતો.

ચેમ્બર ટુ ચેમ્બર કાર્યક્રમમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિજીયોનલ સેક્રેટરી પ્રશાંત પટેલ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ પટેલ, નવી દિલ્હી સ્થિત એનસીઆર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, મુંબઇ સ્થિત ઇન્ડિયા બિઝનેસ ગૃપ – ટ્રેડ કાઉન્સીલ એન્ડ ચેમ્બર ઓફ કોમર્સના સીઇઓ પ્રિયા પાનસરે અને તેમની ટીમ, ઇન્ડો થાઇ ચેમ્બર ઓફ કોમર્સના રોહિત મહેતા અને રાકેશ ત્રિવેદી, ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ રાજન ઠાવકર, ઇન્ડો યુરોપિયન ચેમ્બર અને ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશનના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ ઉપરાંત યુએસએ ન્યુ જર્સીના નવિન પાઠક અને યુએસએથી નિમિષા અમી હાજર રહ્યાં હતા.

તદુપરાંત કોરીયા એમ્બેસી, કર્ણાટકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, દુબઇથી ભરત નારોલા અને તામિલનાડુથી સુરેશ વિભાકર ઓનલાઇન જોડાયા હતા. આ તમામે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને 84માં સ્થાપના દિને શુભેચ્છા આપી હતી અને મિશન 84માં જોડાઇને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિજીયોનલ સેક્રેટરી પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 પ્રોજેકટને કારણે જુદા–જુદા ઉદ્યોગોમાં રહેલી ઇનર સ્ટ્રેન્થ બહાર આવશે, જેનો સીધો લાભ દેશની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે થશે. સુરતમાં જે રીતે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ, ફાર્મા, એકવા કલ્ચર, રિયલ એસ્ટેટ વગેરે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે એવી રીતે દેશમાં જુદાજુદા પ્રદેશોમાં જુદીજુદી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે.

ઉપરોકત બાબતથી દેશના ઉદ્યોગકારો જે તે ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી સારી રીતે વાકેફ થશે અને ભારતના ઉદ્યોગોની જરૂરિયાત ભારતમાં જ બનતી પ્રોડકટથી પૂર્ણ થઇ જશે. જેથી કરીને દેશના ઉદ્યોગકારોને રો મટિરિલય તથા અન્ય પ્રોડકટ માટે વિદેશો પર નિર્ભર રહેવું પડશે નહીં અને ભારતમાં બનતી પ્રોડકટથી જ તેઓના ઉદ્યોગોની જરૂરિયાત પૂર્ણ થઇ જશે. આવી રીતે વિવિધ ચેમ્બર ઓફ કોમર્સની મદદથી ભારતને આર્થિક રીતે વધુ મજબૂત કરવા માટે મિશન 84 મહત્વની ભૂમિકા ભજવશે.

આ કાર્યક્રમમાં મિશન 84 અંતર્ગત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, મુંબઇ સ્થિત ઇન્ડિયા બિઝનેસ ગૃપ ટ્રેડ કાઉન્સીલ એન્ડ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસની સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉદ્યોગકારોને જુદી–જુદી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતપોતાના પ્રાદેશિક વિસ્તારમાં વ્યાપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. દેશના જુદા – જુદા પ્રદેશોમાં જે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે અને વિવિધ પ્રોડકટોનું ઉત્પાદન થાય છે તેનાથી ઉદ્યોગકારોને અવગત કરાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top