World

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ચાર વર્ષ પછી વતન વાપસી, 2019માં લંડન ગયા હતા

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન (Former PM) નવાઝ શરીફ (Nawaz Sharif) ચાર વર્ષ બાદ આજે એટલે કે શનિવારે પાકિસ્તાન પરત ફર્યા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી લંડનમાં (London) રહેતા હતા અને ત્યાં તેમની બીમારીની સારવાર ચાલી રહી હતી. જો કે 73 વર્ષીય શરીફ એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તોશાખાના વાહન કેસમાં ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસોમાં નવાઝ જામીન પર હતા. તે 2019માં સારવાર માટે યુકે ગયા હતા. તેઓ લંડનથી પરત આવ્યા બાદ લાહોરમાં એક વિશાળ જનસભાને સંબોધશે.

પૂર્વ કાયદા મંત્રી સેનેટર આઝમ તરાર અને પાર્ટીના નેતાઓ સહિત PML-N સુપ્રીમોની કાનૂની ટીમ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર છે. તરારે કહ્યું કે નવાઝના આગમન પર તેમની સાથે રાજકીય અને કાયદાકીય મુદ્દાઓ પર સલાહ લેવામાં આવશે. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન વીઆઈપી લોન્જમાં જશે. ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સુપ્રીમો નવાઝ શરીફના સમર્થકો તેમના આગમન પહેલાં લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન ખાતે એકઠા થયા હતા.

અગાઉ પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ શુક્રવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ (N)ના સુપ્રીમો નવાઝ શરીફને લઈ જવા માટે બુક કરાયેલા વિશેષ વિમાનને દેશમાં ઉતરવાની મંજૂરી આપી હતી. દરમિયાન, વિપક્ષી દળોએ તેમના પરત ફરવા માટે કરવામાં આવી રહેલી વિશેષ વ્યવસ્થાની ટીકા કરી હતી. શરીફ 2020માં જામીન બાદ બ્રિટનમાં રહેતો હતો. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને આશા છે કે તે પાકિસ્તાન પરત ફર્યા બાદ તેને જેલમાં જવું પડશે નહીં, કારણ કે ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેને કામચલાઉ રાહત આપી છે. કોર્ટે તોષાખાના ભ્રષ્ટાચાર કેસમાં તેની ધરપકડને પણ સ્થગિત કરી દીધી છે. પાર્ટીના નેતાઓએ શરીફને પાકિસ્તાન લાવવા માટે ખાનગી વિમાન ભાડે લીધું છે.

પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફે નવાઝની વાપસીનો વિરોધ કર્યો છે. દરમિયાન, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે, એક વ્યક્તિના ખાતર બંધારણ, ચૂંટણી અને લોકશાહીને ખલેલ પહોંચાડવામાં આવી છે.

Most Popular

To Top