Surat Main

મુસ્લિમ ભાગીદારો હોવા છતાં અશાંત ધારામાં લેવાયેલી અડાજણના 125 કરોડના આ પ્રોજેકટની વિકાસ પરવાનગી રદ્દ

સુરત: (Surat) અડાજણના ગોરાટ વિસ્તારમાં મુસ્લિમ ભાગીદારો હોવાની વિગતો છુપાવીને અશાંતધારો (Ashant Dhara) લાગુ હોવા છતાં હિન્દુ (Hindu) ભાગીદારોના નામે અરજી કરી પ્રોજેકટની પરવાનગી લેનાર ‘રેહાન હાઈટ્સ’ નામની બિલ્ડિંગનો પરવાનો (Building permission) રદ્દ કરી દેવાની સાથે બાંધકામ (Construction) અટકાવવા માટે કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. રેહાન હાઈટ્સ નામનો આ પ્રોજેકટ લગભગ 125 કરોડનો પ્રોજેકટ હોવાનું મનાઈ રહ્યું છે. આ પ્રોજેકટમાં અત્યાર સુધીમાં 3 ટાવર ઊભા પણ કરી દેવામાં આવ્યા છે. ગોરાટ હનુમાનજી ક્ષેત્ર સંવર્ધક સમિતી દ્વારા ફરિયાદ કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા અશાંત ધારા હેઠળ જગ્યાને ડેવલપ કરવાની અપાયેલી પરવાનગી રદ કરી દેવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, અડાજણમાં રે.સ.નં.438ની 6334 ચો.મી. જગ્યા વેચવા માટે સુરત સિટી પ્રાંતને અરજી કરવામાં આવી હતી. અરજીમાં જમીન વેચાણ લેનાર તરીકે એવરગ્રીન કોર્પોરેશન, ત્રિવિધ ચેમ્બર, સ્વામીબાગ, રિંગરોડનો ઉલ્લેખ કરાયો હતો. અરજીમાં ભાગીદાર તરીકે પ્રકાશ મનુભાઈ ઢોલરીયા બતાવવામાં આવ્યા હતા અને તેના નામે જમીન ખરીદવાનું સોગંદનામું પણ કરવામાં આવ્યું હતું. વેચનાર અને ખરીદનાર બંને હિન્દુ હોવાથી સિટી પ્રાંત દ્વારા અશાંતધારા હેઠળ અરજી મંજૂર પણ કરી દેવામાં આવી હતી. જોકે, ખરેખર એવરગ્રીન કોર્પોરેશન નામની ભાગીદારી પેઢીમાં મુળ બે ભાગીદારો મકસુદ ગોડિલનો 50 ટકા હિસ્સો તેમજ મો. ઈરફાન મુનિર ચામડિયાનો 50 ટકા હિસ્સો હતો.

બાદમાં 29મી ઓગષ્ટ, 2020ના રોજ એક કરાર બનાવીને ગોડિલનો હિસ્સો 35 ટકા, ઈરફાનનો હિસ્સો 35 ટકા, શબનમબાનુ મોતીવાલાનો હિસ્સો 15 ટકા તેમજ અહેમદ જુનેદ મોતીવાલાનો 15 ટકા હિસ્સો નક્કી કરાયો હતો. અશાંતધારાની અરજી મંજૂર થઈ ગયા બાદ આ ભાગીદારી પેઢીમાંથી પ્રકાશ ઢોલરીયાને કમી પણ કરી દેવામાં આવ્યા હતા. જેથી અશાંતધારાની અરજીની શરતોનો ભંગ થવા પામ્યો હતો. જેને કારણે ગોરાટ હનુમાનજી ક્ષેત્ર સંવર્ધક સમિતી દ્વારા ફરિયાદ કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા અશાંત ધારા હેઠળ જગ્યાને ડેવલપ કરવાની અપાયેલી પરવાનગી રદ કરી દેવામાં આવી હતી. સાથે સાથે કલેકટરે બાંધકામ અટકાવી દેવા માટે પણ આદેશ કર્યો હતો.

રેહાન હાઈટ્સ ટાવર 125 કરોડનો પ્રોજેકટ છે
અડાજણમાં ગોરાટ વિસ્તારમાં જે આ રેહાન હાઈટ્સ નામનો પ્રોજેકટ બની રહ્યો છે તે લગભગ 125 કરોડનો પ્રોજેકટ હોવાનું મનાઈ રહ્યું છે. આ પ્રોજેકટમાં અત્યાર સુધીમાં 3 ટાવર ઊભા પણ કરી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top