SURAT

સુરતના બિલ્ડર મનહર કાકડિયા સાથે મુંબઈના દંપતી સહિત ત્રણ જણાંએ કરી 1.15 કરોડની છેતરપિંડી

સુરત: (Surat) શહેરના જાણીતા બિલ્ડર (Builder) મનહર કાકડીયા (Manhar Kakadia) અને શ્રીપાલ જૈને મેસર્સ રત્નરાજ ડેવલોપર અને બ્લેસીંગ ઈન્ફ્રા ડેલવોપર ફર્મના નામે મુંબઈના (Mumbai) કરી રોડ ખાતે જર્જરિત કામદાર સ્વસદન કો.ઓ હાઉસિંગ સોસાયટીને રિ-ડેલવોપમેન્ટ કરવાનો કોન્ટ્રાકટ લીધો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત મિલકતના રહીશોને ભાડેથી રૂમો અપાવવાના બહાને મુંબઈના મયેકર દંપત્તિ સહિત ત્રણે કમિશન પેટે રૂપિયા 1.15 કરોડ પડાવી રૂમો ભાડે નહીં અપાવી છેતરપિંડી કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • બિલ્ડર મનહર કાકડિયાને મુંબઈના દંપતી સહિત ત્રણ જણાં 1.15 કરોડમાં છેતરી ગયા
  • મુંબઈના કરી રોડની જર્જરિત સોસાયટીના રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લીધો અને રહીશો માટે ભાડાની રૂમો શોધતા હતા
  • દંપતી સહિત ત્રણ જણાંએ બોગસ એલોટમેન્ટ લેટર બતાવી રૂ. 1.45 કરોડ કમિશન આંચકી લીધું, માત્ર 30 લાખ પરત આપ્યા

ક્રાઈમ બ્રાંચ પાસેથી મળથી માહિતી મુજબ ગોડાદરા પ્રિયંકાનગર ખાતે રહેતા 28 વર્ષીય નરેન્દ્ર જોષી, મેસર્સ રત્નરાજ બ્લેસીંગ માઈલસ્ટોનના ભાગીદાર બિલ્ડર મનહર કાકડીયાને ત્યાં નોકરી કરે છે. તેમણે ક્રાઈમ બ્રાંચમાં મુંબઈ ચૈમ્બુર ખાતે કલેક્ટર ચોલમાં રહેતા મહેશ હરીશચંદ્ર ચૌહાણ અને રમેશ ગણપત મયેકર તેમજ તેમની પત્ની ચંદ્રલેખા મયેકર (બંને રહે. મહાલક્ષ્મી સોસાયટી, વર્લી, વેસ્ટ મુંબઈ)ની સામે ફરિયાદ નોંધાવી છે.

મનહર કાકડીયા અને શ્રીપાલ બાબુલાલ જૈને રત્નરાજ ડેવલોપર અને બ્લેસીંગ ઈન્ફ્રા ડેલવોપર ફર્મના નામે વર્ષ 2022માં મુંબઈના કરી રોડ ખાતેની જર્જરિત કામદાર સ્વસદન કો.ઓ હાઉસિંગ સોસાયટીના 225 રૂમો અને 24 કોમર્શીયલ યુનિટ મળી કુલ 249 યુનિટ રિ-ડેલવોપમેન્ટ કરવાનો કોન્ટ્રાકટ મેળવ્યો હતો. ત્યારે મિલ્કતમાં વસવાટ કરતા તમામ લોકોએ એક જ જગ્યાએ રહેવા માટેની વ્યવસ્થા કરવાની હતી, જે માટે તેઓ ભાડેથી રૂમો શોધતા હતા. જુન-જુલાઈ 2022માં મહેશ હરીશચંદ્ર ચૌહાણ અને મયેકર દંપતી તેમને મહારાષ્ટ્ર હાઉસીંગ એન્ડ એરિયા ડેવલમેન્ટ ઓર્થોરેટીના રૂમો ભાડે કરી આપવાની વાત કરી હતી અને તેમની પાસેથી કમિશન પેટે કુલ રૂપિયા 1.45 કરોડ લીધા હતા.

પૈસા લીધા બાદ ત્રણેય આરોપીઓએ તેમને વિશ્વાસમાં લેવા માટે સરકારી કચેરીઓના રૂમ ફાળવણી અંગેના એલોટમેન્ટ લેટરો બનાવી આપ્યા હતા. જો કે આ એલોટમેન્ટ લેટરો બોગસ હોવાનું બહાર આવ્યું હતું. તેઓ પકડાઈ જતા તેમણે 30 લાખ પરત કરી આપ્યા હતા. બાકીના 1.15 કરોડ પરત આપવા એડવોકેટ ઍન્ડ નોટરી રૂબરૂમાં લખાણ કરાવી આપ્યું હતું અને તેની અવેજ પેટે ચેકો આપ્યા હતા. આ ચેકો રિટર્ન થયા હતા અને આજદિન સુધી રૂપિયા નહીં આપી છેતરપિંડી કરતા ક્રાઈમ બ્રાંચમાં આ અંગે ગુનો નોંધાવ્યો છે.

Most Popular

To Top