Surat Main

સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ 41 બિલ્ડિંગની ઊંચાઇ દૂર કરવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

સુરત: સુરત એરપોર્ટ (Surat airport)ના વેસુ (Vesu) તરફના રન-વે (Runway)ને નડતરરૂપ 27 પ્રોજેક્ટની 41 બિલ્ડિંગ (building)ની નડતરરૂપ ઊંચાઇ દૂર કરવા માટે ગુજરાત હાઇકોર્ટ (Gujarat high court)ની ખંડપીઠે સ્પષ્ટ આદેશ આપ્યો છે. DGCA, સુરત મહાનગરપાલિકા (SMC) અને એરપોર્ટ ઓથોરીટી વચ્ચે સંકલન ન હોવાથી હાઇકોટે જિલ્લાના વડા તરીકે કલેક્ટરને આ તમામ તંત્ર સાથે સંકલન કરી ડિમોલિશન કરાવવા માટે આદેશ આપ્યો છે.

હાઇકોર્ટે જો ડિમોલિશનની સામગ્રી કલેક્ટર પાસે ન હોય તો પાલિકાની મદદ લઇ એ કરવા માટે આદેશ આપ્યો છે. જસ્ટિસ ડો.વિનિત કોઠારી અને જસ્ટિસ ઉમેશ ત્રિવેદીની બેંચે હાઇકોર્ટમાં DGCAના જોઇન્ટ ડાયરેક્ટર શર્મા અને પાલિકા કમિશનર વતી ટાઉન પ્લાનર ધર્મેશ મિસ્ત્રી હાજર રહેતાં નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે આ મામલે અસરગ્રસ્ત એવા બિલ્ડરો 31 ઓગસ્ટ સુધી અપીલ કરી શકે. એ માટે DGCAને બે અંગ્રેજી અને એક ગુજરાતી અખબારમાં નોટિસ પ્રકાશીત કરવા આદેશ આપ્યો હતો. તથા સ્પષ્ટ નોંધ્યું છે કે, નડતરરૂપ બિલ્ડિંગના બાંધકામનું ડિમોલિશન કરી 2 ડિસેમ્બરે કલેક્ટર આયુષ ઓક, પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને DGCAના જોઇન્ટ ડાયરેક્ટર દિનેશચંદ્ર શર્માને ડિમોલિશનના કોમ્પલાયન્સ રિપોર્ટ સાથે હાજર થવા જણાવ્યું છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ પ્રકારના બાંધકામથી પેસેન્જરોની સલામતી જોખમાતી હોવાથી બિનઅધિકૃત બાંધકામો કોમ્યુનિકેશન ગેપ ટાળી દૂર કરવા પડશે.

કોર્ટે 30 નવેમ્બર સુધીમાં ડિમોલિશનની તમામ કાર્યવાહી આટોપી લઇ કોમ્પલાયન્સ રજૂ કરવા જણાવ્યું છે અને કલેક્ટર, પાલિકા કમિશનર તથા DGCAના જોઇન્ટ ડાયરેક્ટર 2 ડિસેમ્બરે રૂબરૂ હાજર થવા જણાવ્યું છે. જો કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટમાં આ વચગાળાના આદેશ સામે બિલ્ડરો સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. DGCA દ્વારા બિલ્ડરોને અપીલ માટે એરક્રાફ્ટ રૂલ્સ 1994ના નિયમ-6-એ હેઠળ 60 દિવસમાં અપીલ કરવા સમય આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટે 2 સપ્તાહનો સમય આપ્યો હતો. કારણ કે, આ પ્રકરણ 2015થી ચાલી રહ્યું હોવાથી વધુ સમય નહીં વેડફવા જણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, માર્ચ-2020માં કેન્દ્રીય એવિએશન મંત્રી હરદીપસિંહ પુરીએ સાંસદ સી.આર.પાટીલની રજૂઆત પછી લોકો બેઘર ન બને એ માટે રસ્તો કાઢવા આદેશ આપ્યો હતો. તેના પગલે ફ્લેટધારકોએ સી.આર.પાટીલનો સન્માન સમારોહ પણ રાખ્યો હતો. ક્રેડાઇએ પણ આ મુદ્દે સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ મંત્રીનું ખાતું બદલાઇ ગયા પછી મામલો હાઇકોર્ટમાં ઝડપથી ચાલતાં હવે અંતિમ ચુકાદા સુધી પહોંચ્યો છે.

Most Popular

To Top