SURAT

સુરતમાં તસ્કરો પશુઓને પણ છોડતા નથી: 2.36 લાખની કિંમતની બે ઘોડી ચોરી લીધી

સુરતઃ શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં (Police Station) રંગવધુત ચાર રસ્તાની પાછળ મહાદેવ જીવદયા ટ્રસ્ટમાંથી 2.36 લાખની બે ઘોડીઓની ચોરી (Stealing) થયાની ફરિયાદ (Complaint) નોંધાવવામાં આવી હતી. ગોડાદરા ખાતે મિડાસ સ્કેવરની પાછળ સફાઇર એઇટમાં રહેતા 29 વર્ષીય ગૌરાંગ જોધાભાઇ કાછડ પાનનો ગલ્લો ચલાવે છે. સાથે જ મહાદેવ જીવદયા ટ્રસ્ટ ચલાવે છે. જેમાં ગાયો, ઘોડીઓ, સસલા, કબૂતર જેવા પશુ પક્ષીઓનું પાલન કરે છે. ગૌરાંગભાઈએ તેમની એક ઘોડી આ ટ્રસ્ટમાં રાખી હતી. અને બીજી ઘોડી સીમાડા કેનાલ રોડ પર આવેલા ગોકુલ ભરવાડ પાસેથી 85 હજાર રૂપિયામાં લીધી હતી. બંને ઘોડી 2.36 લાખની પોતાના શોખ માટે રાખી હતી. દરમિયાન ગત 11 ઓગસ્ટે રાત્રે રંગવધુત ચાર રસ્તાની પાછળ મહાદેવ જીવદયા ટ્રસ્ટમાંથી બંને ઘોડીની ચોરી થઈ ગઈ હતી. ઘણી શોધખોળ પછી પણ મળી નહીં આવતા આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વાપીના ભડકમોરામાં ઘરમાં ઘૂસેલા ચોરનો પ્રતિકાર કરતાં યુવકને ચપ્પુ માર્યુ
વાપી : વાપીના ભડકમોરા એક યુવાનને ચોરીના ઇરાદે આવેલા ઈસમોએ રૂપિયા નહીં મળતા ચાકુ મારી ગંભીર રીતે ઘાયલ કરતા વલસાડ સિવિલમાં સારવાર હેઠળ 108 મારફતે ખસેડાયો હતો. મળતી માહિતી મુજબ રાત્રે વાપીના ભડકમોરા હનુમાન મંદિર પાસે રહેતા 37 વર્ષના કરણ સોમાભાઈ સોની તેની રૂમમાં સુતો હતો. તે દરમિયાન રાત્રે ચોરો ઘરમાં ચોરીના ઈરાદે ઘુસી ગયા હતા. કરણ સોનીએ પ્રતિકાર કરતા તેને પેટમાં ચપ્પુ મારી ગંભીર રીતે ઘાયલ કરી ભાગી ગયા હતા. કરણને તાત્કાલિક 108 એમ્બ્યુલનસ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વાપી જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

અમરોલીમાંથી બાઈક ચોરનાર નવસારીના બે બાઈક ચોર પકડાયા
નવસારી : મૂળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખજેલી ગામે અને હાલ નવસારી તિઘરા નવી વસાહત તેમજ ગ્રીડ આનંદવાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ અશોકભાઈ ખાખરોડીયા તથા નવસારી તિઘરા નવી વસાહતમાં રહેતા કિશનભાઈ ઉર્ફે ટી.ટી. સુરેશભાઈ પરમારને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. નવસારી ટાઉન પોલીસે બાતમી અને પોકેટ કોપ મોબાઈલ ઈ-ગુજકોપના આધારે સુરત શહેર અમરોલી પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 25 હજાર રૂપિયાની ચોરીની બાઈક અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top