SURAT

સુરતથી યુપી-બિહાર જવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો, સ્પેશ્યિલ ટ્રેનો દોડાવવી પડી

સુરત(Surat): ઉનાળું વેકેશનના (Summer Vacation) પ્રારંભ સાથે જ વધુ એક વખત સુરત અને ઉધના (Udhna) રેલવે સ્ટેશન (Railway Station) પર મુસાફરોના (Passangers) ઘસારાને પહોંચી વળવા માટે રેલવે પોલીસ (Railway Police) દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ, બિહારથી માંડીને દેશના અન્ય રાજ્યોમાં પોતાના વતન જવા માટે તત્પર મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે પણ આ વર્ષે રેલવે પોલીસ દ્વારા સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જેને પગલે સ્પેશિયલ ટ્રેનોથી માંડીને રેગ્યુલર ટ્રેનોમાં પોલીસ સ્ટાફની સાથે સાથે રેલવે પ્લેટફોર્મ પર પણ રેલવે પોલીસના જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગયા વર્ષે દિવાળીના વેકેશન દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડતાં અરાજકતાનાં દ્રશ્યો સર્જાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્તના અભાવે પ્લેટ ફોર્મ પર મુસાફરોમાં નાસભાગ મચતાં બે નિર્દોષનાં મોત નિપજ્યાં હતા જયારે અન્ય કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ત્યારબાદ રેલવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાથી બોધપાઠ લઈને આ વર્ષે ઉનાળું વેકેશન દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકી ન પહોંચે તે માટે ખાસ તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લાના કડોદરા, કામરેજ, પલસાણા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં લાખોની સંખ્યામાં વસવાટ કરતાં ઉત્તર ભારતીય શ્રમિકો સુરક્ષિત વતન પહોંચે તે માટે રેલવે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે માત્ર સુરત જ નહીં ઉધના રેલવે સ્ટેશન ખાતે પણ સિનિયર અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોના કિંમતી માલ-સામાનની ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે નિયમિત પેટ્રોલિંગની સાથે ટ્રેનમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એક અઠવાડિયાથી સ્પેશ્યિલ ટ્રેનોદોડાવાઈ રહી છે
છેલ્લા અઠવાડિયાથી સુરત-ઉધનાથી રોજ એક સ્પેશિયલ ટ્રેન ઉત્તર પ્રદેશ-બિહારથી દોડાવાઈ રહી છે. તેમ છતાં પ્રવાસીઓની સંખ્યામાં એટલો વધારો થયો છે કે રેલવેને નવી ટ્રેનો દોડાવવાની ફરજ પડી રહી છે. રેલવેને નવી ટ્રેનની જાહેરાત કરવાનો પણ પૂરતો સમય નથી મળતો.

રવિવારે સવારે 8.30 વાગે ઉધનાથી જયનગર માટે રવાના થયેલી અત્યોંદય એક્સપ્રેસ ટ્રેનની ક્ષમતા છે તેના કરતા ચાર ગણા પ્રવાસીઓ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે સુરત મુંબઇના રેલવેના અધિકારીઓ, જીઆરપી અને આરપીએફના 100 થી વધુ જવાનો રેલવે સ્ટેશન પર ડિપ્લોય કરવામાં આવ્યા હતા. તેમનાથી પણ પરિસ્થિતી કાબૂમાં આવી ન હતી.

સ્ટેશન પરથી જ નવી ટ્રેનની જાહેરાત કરાઈ હતી. બપોરે 11.25 મિનિટે ઉધનાથી જય નગર માટે અનરીઝર્વડ ટ્રેન દોડાવાઈ હતી. તે સમયે પણ ટ્રેન ક્ષમતા કરતા પણ ત્રણ ગણા વધુ પ્રવાસીઓ હતા. ત્યાર બાદ તાત્કાલિક નવી એક ટ્રેનની જાહેરાત કરાઈ અને તે બપોરે 14.00 વાગે સુરતથી ગોરખપુર માટે દોડાવવામાં આવી હતી. ત્યારબાદ 16.30 વાગે ઉધનાથી જયનગર માટે વધુ એક ટ્રેન દોડાવાઈ હતી.

તેમ છતાં પણ ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી હતી. તેથી રાત્રે 11 વાગે ફરીથી ઉધનાથી બિહારના ભાગલપુર માટે અનરીઝર્વડ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ હતી. સોમવારે સવારે પણ ઉધનાથી જયનગરમાં માટે ટ્રેન દોડાવાવામાં આવશે. ઉધનામાં એવું તે શું છે કે લોકો આટલી ભીડ કરી રહ્યા છે તે જોવા માટે મુંબઈ ડિવિઝનના ડીઆરએમ મુંબઈથી ઉધના દોડી આવ્યા હતા.

Most Popular

To Top