Columns

સકારાત્મક રહેવું

રજાનો દિવસ હતો, પણ રીના ઘરનાં કામો અને જીવનના ઉતાર-ચઢાવથી બહુ કંટાળીને  નાસીપાસ થઈ ગઈ  હતી.સવારે વહેલી ઊઠીને કામે લાગતી તે રાત સુધી કામ ચાલતાં જ રહેતાં.ઘરનાં અને બહારનાં કામ ,પોતાની નોકરી ,બાળકો, બધું જ તે સંભાળતી હતી.સતત એકધારું ..વર્ષોથી કોઈ પણ બ્રેક વિના…પોતાનાં શું સપનાં હતાં તે પણ તે ભૂલી ગઈ હતી.આજે ઘરમાં તે એકલી હતી અને તેને સતત નકારાત્મક વિચારો આવી રહ્યા હતા કે ‘જીવનમાં આટલું વૈતરું કર્યું, પણ ક્યાંય આગળ વધી શકી નહિ ..મેં આવું જીવન તો વિચાર્યું ન હતું …મારાં સપનાં તો પૂરાં થયાં જ નહિ ….’આવા આવા વિચારોથી ઘેરાયેલી હતી.કંઈ કામ કરવાનું મન થતું ન હતું .

દરવાજા પર ડોરબેલ વાગી અને બાજુમાં રહેતી શ્વેતા નવો ફેન્સી ડ્રેસ પહેરીને આવી અને પૂછ્યું, ‘કેવો લાગે છે મારો ડ્રેસ ..’ રીનાનો મૂડ સારો ન હતો, છતાં સારું લગાડવા બોલી, ‘સરસ લાગે છે કયાં જાય છે?’ શ્વેતાએ કહ્યું, ‘ક્યાંય નહિ.રવિવાર છે મૂડ થયો એટલે પહેરી લીધો..તારો મૂડ કૈંક ડાઉન લાગે છે!! વાંધો નહિ હું છું ને..’ આટલું કહી શ્વેતા, રીનાને અંદર તેના રૂમમાં લઇ ગઈ અને કહ્યું, ‘તું મારી જેમ તને ગમતું કૈંક ફેન્સી પહેરી લે.હું કોફી બનાવું છું.

ઘરમાં જ કોફી હાઉસની મજા માણીએ.’ કોફીની સુગંધથી ઘર મ્હેકી ઊઠ્યું…રીના ડ્રેસ ચેન્જ કર્યા વિના બહાર આવી,ટેબલ પર બે કોફીના મગ સ્માઇલી સાથે તૈયાર હતા.રીના આછું હસતાં બોલી, ‘વાહ આજે મારા માટે કોઈએ કોફી બનાવી, બાકી હું જ બધા કામ કરતી રહું છું.’ શ્વેતા બોલી, ‘અરે તું તૈયાર ન થઇ…ચલ વાંધો નહિ…મુડ સારો કર ..હસીને કોફી પી ..આપણે હસીશું તો ..ખુશ રહીશું ..ખુશ રહીશું તો મૂડ સારો થશે.’ રીનાએ કોફીનો મગ હાથમાં લીધો પણ બોલી, ‘બોલવું સહેલું છે ..હંમેશા સકારાત્મક રહો ..ખુશ રહો ..હસતા રહો …પણ હંમેશા તે શક્ય હોતું નથી.’

શ્વેતા બોલી, ‘બરાબર છે તારી વાત ..આપણી પર એટલા બધા કામની જવાબદારીઓ હોય છે કે કયારેક તન અને મન થાકે જ છે…તારો મુડ શું કામ નથી સારો તે પૂછી મારે ફરી ફરી તને તારો મૂડ ખરાબ કરતી વાતો યાદ નથી કરાવવી.નકારાત્મક બાબતો અને વિચારોથી દૂર રહેવું બહુ જરૂરી છે.’ રીના ફરી બોલી, ‘જીવનમાં જે હકીકત હોય તે સ્વીકારવી જ પડે તે નકારાત્મક હોય તો પછી નકારાત્મક વિચારો જ આવે ને….એમ કહેવાથી કે નકારાત્મક ન વિચારો ..સકારાત્મક રહો ..ખુશ રહો બધું બરાબર નથી થઈ જતું.’

શ્વેતા ઊભી થઇ અને રીનાને વ્હાલથી ભેટીને બોલી, ‘તને કયા વિચારો હેરાન કરે છે મને નથી જાણવું પણ તું મારી વાત જાણી લે અને સમજી લે કે સકારાત્મક રહેવું એટલે હંમેશા ખુશમિજાજમાં હસતાં રહેવું એ જરૂરી નથી, પણ ચારે બાજુથી નકારાત્મકતા ઘેરી લે તેવા અઘરા અને કપરા દિવસોમાં ..થાકીને ..કદાચ હારીને …આંખોમાં આંસુ સાથે પણ એમ વિચારવું કે હજી કૈંક સારું ચોક્કસ થશે એટલી સકારાત્મકતા તો આપણે રાખવી જ પડશે.’ શ્વેતાની વાતોએ રીનાના વિચાર બદલી મૂડ સુધારી નાખ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top