SURAT

સ્ટેમ્પ ડ્યૂટીની આવક વધારવા નવો નુસખો ! ફરી ઉદ્યોગપતિઓના ગળે ગાળિયો કસાશે

સુરત: ગુજરાત સરકારની (Gujarat Govt) સ્ટેમ્પ ડ્યૂટી ચોરીને (Stamp duty evasion) લઇને સુરતની ઇચ્છાપોર, સચિન, પાંડેસરા, તારગામ, ખટોદરા, હજીરા અને હોજીવાલા સહિત સુરતની GIDCમાં વસૂલાત ઝુંબેશ શરૂ થશે. ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા શેર સર્ટિફિકેટના આધારે જ પ્લોટ હોલ્ડરોને (Plot holders) ૯૯ વર્ષનો વપરાશનો હક ટ્રાન્સફર કરાતાં હવે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતનો સવાલ ઊભો થયો છે.

GIDCએ સભાસદોને સર્ટિફિકેટને આધારે જ પ્લોટની ફાળવણી કરતાં સરકારને સ્ટેમ્પ ડ્યૂટીનો તગડો ફટકો પડ્યો છે. સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતમાં જે રીતે ગુજરાત સ્ટેટ પાછળ તે જોતાં હવે સરકારે ઝુંબેશ તેજ બનાવી છે. સ્ટેમ્પ ડ્યૂટી ગુજરાત કરતાં પાછળ હોય તેવાં રાજ્યોમાં પણ અઢળક આવક છે. પરંતુ ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવકનો જોઇએ તેઓ ગ્રોથ જોવા મળ્યો નહોતો. જેને પગલે એક-એક વહેવારો ઉપર નજર ફેરવી સ્ટેમ્પ ડ્યૂટી અંગે ઝુંબેશ શરૂ કરી છે.

આ ઝુંબેશના ભાગરૂપે તાજેતરમાં સુરત કલેક્ટર આયુષ ઓકના ધ્યાને આ મુદ્દો આવતાં તેમણે સુરત જિલ્લા સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન અધિકારીને કાર્યવાહી કરી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા આદેશ કર્યો હતો. ક્લેક્ટરના આદેશને પગલે સુરતના અધિકારીઓએ સુરતની તમામે તમામ GIDC પાસે પ્લોટ હોલ્ડર્સની ડિટેઈલ માંગી છે.

સુરતમાં પાંડેસરા, સચિન, હોજીવાલા, ભાટપોર, ઇચ્છાપોર, ખટોદરા, કતારગામ સહિતની જીઆઈડીસીમાં સંખ્યાબંધ ઔદ્યોગિક એકમો આવેલાં છે. ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે GIDC મારફતે ૯૯ વર્ષના પટે લોકોને પ્લોટ આપવામાં આવ્યા હતા. આજે પણ રીસેલમાં પ્લોટ આપવામાં આવી રહ્યા છે.

હવે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અરજદારને પ્લોટ આપવામાં આવે છે ત્યારે પોતાની માલિકી હોવાનું જણાવીને સર્ટિફિટેકના આધારે વપરાશનો હક ટ્રાન્સફર કરવામાં આવે છે. જીઆઈડીસી પાસેથી પ્લોટ લેનારાએ પ્લોટનું વેચાણ કરવું હોય તો પણ જીઆઈડીસીની પરવાનગી ફરજિયાતપણે લેવી પડે છે. તેમજ મંજૂરીની આ પ્રક્રિયા વેળા જીઆઈડીસી ચોક્કસ રકમની વસૂલાત કરે છે.

પ્લોટ હોલ્ડર્સ પાસે જીઆઈડીસી રકમ વસૂલ કરે છે, પરંતુ દસ્તાવેજને બદલે શેરના આધારે જ વપરાશ હક ટ્રાન્સફર થતો હોવાથી સરકારની સ્ટેમ્પ ડ્યૂટીની આવક પેટે સરકારે ફટકો પડતો હતો. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન અધિકારી ૧ અને ૨ દ્વારા સુરત જિલ્લાના ઇચ્છોપાર, ભાટપોર, સચિન, પાંડેસરા, ખટોદરા, હજીરા, કતારગામ અને હોજીવાલા જીઆઈડીસીને નોટિસ ફટકારી પ્લોટ હોલ્ડર્સની માહિતી આપવા જણાવ્યું છે.

રીસેલના કેસમાં દસ્તાવેજ થતો હોવાથી સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ થતી હોવાનો દાવો
જીઆઇડીસી દ્વારા સૌપ્રથમ પ્લોટ અલોટમેન્ટ થયા બાદ કબજેદાર જો વેચાણ એટલે રીસેલ કરે એ સમયે ફરજિયાત દસ્તાવેજ કરવામાં આવે છે. હવે દસ્તાવેજ થતો હોવાથી પૂરતી સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરપાઈ થઈ રહી છે. તે જોતાં રીસેલના કેસમાં ડ્યૂટીનો ખાસ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પરંતુ પ્રથમ વખત જીઆઈડીસી પ્લોટનું ઓલેટમેન્ટ કરે ત્યારે જ ડ્યૂટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ વખતે માત્ર નોટરાઇઝ્ડ લખાણોથી કામ ચલાવી લેવામાં આવતું હતું.

Most Popular

To Top