Columns

સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરે ગોવામાં હિન્દુઓ ઉપર ભારે જુલમો ગુજાર્યા હતા

ગોવા ભારતના સૌથી નાનાં રાજ્યોમાંનું એક છે. આહ્લાદક દરિયાકિનારો, વાદળી પાણી, સોનેરી રેતી અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ ગોવા છે, પરંતુ તેના ભૂતકાળમાં ભયાનક સત્યો છૂપાયેલાં છે. એવું કહી શકાય કે હિન્દુઓની કમનસીબી છે કે આજે આ નાના રાજ્યમાં બાકી રહેલાં હિન્દુઓને આવાં સ્મારકોમાં પોતાની ઓળખ શોધવી પડી રહી છે, જેને એક સમયે ખ્રિસ્તી મિશનરીઓએ તેમના લોહીથી સિંચાઈ કરી હતી. ભારતના પશ્ચિમ કિનારે આવેલા વેલ્હા (જૂના) ગોવામાં પોર્ટુગીઝ શાસન કાળનાં ચર્ચો અને કેથેડ્રલો આવેલાં છે.

જૂના ગોવામાં ૧૬મી અને ૧૭મી સદીની વચ્ચે મિશનરીઓ દ્વારા ચર્ચો અને કેથેડ્રલો મોટા પાયે બાંધવામાં આવ્યા હતા. તેમાં બેસિલિકા ઓફ બોમ જીસસ, સેન્ટ કેથેડ્રલ ચર્ચ, સેન્ટ ફ્રાન્સિસ એસીસી હર્મિટેજ, ચર્ચ ઓફ અવર લેડી ઓફ ધ રોઝરી, ચર્ચ ઓફ સેન્ટ ઓગસ્ટિન અને સેન્ટ કેથરિન ચેપલનો સમાવેશ થાય છે. આ ચર્ચ અને કેથેડ્રલોને ૧૯૮૬માં વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી.

આ ચર્ચોમાં રાખવામાં આવેલાં મોટા ભાગનાં ચિત્રો લાકડાની બોર્ડરથી ઘેરાયેલાં છે. આ બોર્ડર ક્રિશ્ચિયન મિશનરી સેન્ટ ઝેવિયરની કબરને સજાવવા માટે વપરાતી ફ્લોરલ ડિઝાઇન જેવી જ છે. પથ્થર અને લાકડાનાં શિલ્પો પરની ભવ્ય ઉત્કૃષ્ટ કોતરણીને જોઈને એવું લાગે છે કે ગોવા હંમેશાથી ખૂબ જ શાંતિપૂર્ણ અને આહ્લાદક હતું; પરંતુ જીસસ, મધર મેરી અને સંતોનાં ચિત્રો વચ્ચે અન્ય ઘણા પુરાવાઓ જોવા મળે છે કે જેનાથી સમજાય છે કે ગોવામાં હિન્દુઓને કચડી નાખવામાં આવ્યાં હતાં અને ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ બધું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેમણે ધર્મપરિવર્તનનો વિરોધ કર્યો હતો અને તેઓ બિલીવર બન્યા ન હતા. ગોવાના ઈતિહાસમાં ઘણું દટાયેલું છે, પરંતુ હાથ ‘કાત્રો ખંભ’ ગોવાની બહાર બહુ જાણીતો નથી. જૂના ગોવાનાં સ્મારકો અને સંરચનાઓ પૈકી પેલોરિન્હો નોવો નામનો કાળો બેસાલ્ટ સ્તંભ ગોવાના ઇતિહાસનાં અંધકારમય પ્રકરણોનો સાક્ષી છે. ગોવાની વ્યથાની વાર્તા કહેતો આ સ્તંભ હાલમાં હાઈ વે પર એક જંકશન પર આવેલો છે. આ સ્તંભ વિશે ક્યારેય વાત કરવામાં આવતી નથી.

આજે દેશભરમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના નામ પરથી ઘણી શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અને ચર્ચો ચાલે છે. સોળમી સદીના પ્રારંભમાં ખ્રિસ્તી પાદરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પોર્ટુગીઝ કાફલા સાથે ભારત આવ્યા હતા. તેઓ ગોવા પહોંચ્યા હતા અને તેમણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. તેઓ સોસાયટી ઓફ જીસસ નામની સંસ્થા સાથે સંકળાયેલા હતા. ૧૬મી સદીના પૂર્વાર્ધમાં મસાલાના વેપારે ગોવાને બહુસાંસ્કૃતિક શહેરમાં પરિવર્તિત કર્યું હતું. થોડાં જ વર્ષોમાં પોર્ટુગીઝોએ અહીં પોતાની સત્તા સ્થાપિત કરી હતી. પોર્ટુગીઝોએ સુનિશ્ચિત કર્યું કે ગોવાના સ્થાનિક લોકો હવે તેમના જેવી જ ધાર્મિક માન્યતાઓને અનુસરે છે.

વર્ષ ૧૫૪૧ માં ગોવામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો કે તમામ હિન્દુ મંદિરો બંધ કરવામાં આવે. ત્યાર બાદ વર્ષ ૧૫૫૯ સુધીમાં ૩૫૦ થી વધુ હિન્દુ મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો અને મૂર્તિપૂજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેન્ટ ઝેવિયરે જોયું કે હિંદુઓને બળજબરીથી ધર્માંતરણ કરવાના તેમના પ્રયત્નો સફળ થયા ન હતા. તેમને ખાતરી થઈ ગઈ કે પ્રજાની સનાતન ધર્મની શ્રદ્ધા અકબંધ છે. જો તેઓ મંદિરોનો નાશ કરે છે તો લોકો પોતાનાં ઘરોમાં મંદિરો બનાવે છે. તેમણે જોયું કે લોકોના હાથ અને ગરદન તીક્ષ્ણ હથિયારોથી કાપીને તેમને અવિરત ત્રાસ આપ્યા પછી પણ લોકો ફેની અને સનાતન ધર્મ વચ્ચે સનાતન ધર્મને પસંદ કરશે અને મૃત્યુને ભેટશે.

હિન્દુઓની ધર્મચુસ્તતાથી નિરાશ થઈને સેન્ટ ઝેવિયરે રોમના રાજાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે હિન્દુઓને અપવિત્ર જાતિ ગણાવ્યાં હતાં અને તેમને જુઠ્ઠા અને છેતરનારા કહ્યા હતા. તેણે કહ્યું કે તેમનાં દેવદેવીઓની મૂર્તિઓ કાળી, કદરૂપી અને ડરામણી હતી અને તેમાંથી તેલની ગંધ પણ આવતી હતી. આ પછી હિન્દુઓ પર અત્યાચારનો સૌથી ખરાબ તબક્કો શરૂ થયો હતો. ફ્રાન્સિસ ઝેવિયરે હવે ગોવા પર સંપૂર્ણ કબજો સ્થાપિત કર્યો હતો. તેના દ્વારા ગોવાના હિન્દુઓને દબાવવા માટે એક ધાર્મિક નીતિ બનાવવામાં આવી હતી અને ઈસુની કથિત સત્તામાં વિશ્વાસ ન રાખનારા ‘અશ્રદ્ધાળુઓ’ને સજા થવા લાગી હતી.

ઑક્ટોબર ૧૫૬૦ સુધીમાં સામાન્ય લોકોના અસ્તિત્વ અને મૃત્યુ અંગેનો નિર્ણય ખ્રિસ્તી પાદરીઓના હાથમાં આવ્યો હતો. તેમના દ્વારા સભ્યતાની આડમાં ખૂબ જ ક્રૂર અને ઘૃણાસ્પદ કાયદાઓનો અમલ કરવામાં આવ્યો હતો. લોકોને ખ્રિસ્તી બનાવવા માટે હિન્દુ વિરોધી કાયદાઓ લાવવામાં આવ્યા હતા. ધર્માંતરણ કરવા માટે લોકોને ઓટો-દા-ફે નામની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, જેમાં ત્રાસનો સમાવેશ થતો હતો. બાળકોને તેમનાં માતાપિતાની સામે હેરાન કરવામાં આવ્યાં હતાં અને જ્યાં સુધી તેઓ ધર્મપરિવર્તન માટે સંમત ન થાય ત્યાં સુધી તેમની આંખો ખુલ્લી રાખવામાં આવતી હતી.

આ ઘટના વિશે લખનારા ઈતિહાસકારોને પણ ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેઓને કાં તો ગરમ તેલની ઉકળતી કઢાઈમાં નાખી દેવામાં આવ્યા હતા અથવા તો જેલમાં મોકલવામાં આવ્યા હતા. આવા કેટલાક લેખકોમાં ફિલિપો સાસેસ્ટી, ચાર્લ્સ ડેલોન, ક્લાઉડિયસ બુકાનન વગેરેનાં નામો સામેલ છે. ગોવાના ઇતિહાસમાં પ્રથમ વખત હિન્દુઓને મોટા પાયે ભાગી જવાની અને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ગોવાનો આ લોહિયાળ ઇતિહાસ હેન્ડ કટ પિલર નામના થાંભલાના માધ્યમથી સચવાયેલો છે. સ્થાનિક ભાષામાં આ પેલોરિન્હો નોવોને હાટકાટ્રો ખામ્બો કહેવામાં આવે છે. તેનો શાબ્દિક અર્થ છે, એક સ્તંભ જ્યાં હાથ કાપવામાં આવ્યા હતા. કમનસીબે ગોવાના સમકાલીન ખ્રિસ્તી સ્મારકોથી વિપરીત આ સ્તંભ આજે પણ સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો નથી. તેનો અર્થ એ છે કે તે ન તો આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે કે ન તો ભારત સરકારના આર્કાઇવ્ઝ અને પુરાતત્ત્વ નિયામકના.

આ સ્તંભનો ખૂબ જ વિવાદાસ્પદ ઈતિહાસ છે. તે ઝનૂની પોર્ટુગીઝ શાસકોની હિન્દુઓ પરની નિર્દયતાનો જીવંત સાક્ષી છે. ખ્રિસ્તી ધર્મમાં વટલાવા માટે તૈયાર ન થનારા હિન્દુઓને પાદરીઓ દ્વારા તેની સાથે બાંધવામાં આવ્યા હતા અને તેમના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. તેને વર્ષો પહેલાં ગોવાની બહારના વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. હવે આ થાંભલો રોડની મધ્યમાં આવેલો છે, જેને લગભગ બે વખત ભારે વાહને ટક્કર મારી હતી. આ સ્તંભ એક પ્રાચીન મંદિરનો અવશેષ હોવાનું કહેવાય છે. ઘણાં મંદિરોને તોડી પાડ્યા પછી પોર્ટુગીઝો દ્વારા તેમના દરવાજા અને બારીની સજાવટમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના પરના શિલાલેખો એ પણ પુષ્ટિ કરે છે કે તે મૂળરૂપે જૂના મંદિરનો સ્તંભ હતો અથવા કદાચ પ્રસિદ્ધ સપ્તનાથ શિવ મંદિરનો ભાગ હતો. હિન્દુ જૂથોએ આ સ્તંભને લઈને ઘણી વખત વિરોધ કર્યો છે અને તેને સંરક્ષિત સ્મારક જાહેર કરવાની માંગણી કરી છે; પરંતુ આજે પણ તે ઉપેક્ષા ભોગવી રહ્યો છે.

ગોવામાં પોર્ટુગીઝ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જેમ હિન્દુઓ પર અત્યાચારો ગુજારવામાં આવ્યા તેમ તે સમયે ગોવામાં વસતાં જૈનો પણ અત્યાચારોનો ભોગ બન્યાં હતાં. ગોવામાં કોઈ સમયે જૈનોની પણ મોટી વસતિ હતી. ગોવાનો રાજા કુમુદ જૈન ધર્મ પાળતો હતો. પોર્ટુગીઝ મિશનરીઓ દ્વારા રાજાને હેરાન કરવામાં આવ્યો હતો અને લાખોની સંખ્યામાં જૈનોને પણ ધર્મપરિવર્તન કરવાની ફરજ પાડવામાં આવી હતી. જે જૈનો પોતાનો ધર્મ છોડવા તૈયાર ન થયા તેમને શૂળી પર ચડાવી દેવામાં આવ્યા હતા. આજે પણ ગોવામાં પ્રાચીન જૈન મંદિરોના અવશેષો જોવા મળે છે, જેના પરથી પુરવાર થાય છે કે ગોવામાં જૈનોની પણ મોટી વસતિ હતી.  
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top