India

26 દિવસના અનશન બાદ સોનમ વાંગચુકનો બીજો વીડિયો

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે 26 દિવસ સુધી ચાલેલા અનિશ્ચિત ઉપવાસનો અંત લેનાં એક દિવસ બાદ પોતાનો બીજો વીડિયો જાહેર કરીને કેન્દ્ર સરકાર સાથે થયેલી ચર્ચા અને તેમાંથી નીકળેલા પરિણામોની વિગત આપી છે. વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે લાંબી ચર્ચા બાદ ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની હતી અને સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ જ તેમણે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. વાંગચુકે જણાવ્યું કે આ નિર્ણય કોઈ દબાણ હેઠળ લેવાયો નહોતો, પરંતુ દેશના હિત, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશમાં કોઈપણ પ્રકારની હિંસા ટાળવાના હેતુથી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર તરફથી મળેલા લેખિત વિશ્વાસ બાદ હવે સંવાદ દ્વારા ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવું જરૂરી છે.

સરકાર અને વાંગચુક વચ્ચે કયા ત્રણ મુદ્દાઓ પર બની સહમતિ?
સોનમ વાંગચુકે પોતાના વીડિયોમાં જણાવ્યું કે અનશન સમાપ્ત કરતા પહેલા તેમણે સરકાર સમક્ષ ત્રણ સ્પષ્ટ શરતો મૂકી હતી અને સરકાર દ્વારા તે અંગે લેખિત ખાતરી આપવામાં આવી હતી.

શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓ સામે બદલો લેતી કાર્યવાહી નહીં
વાંગચુકની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ માંગ હતી કે 20 જુલાઈના ‘ચલો સંસદ’ કાર્યક્રમ અથવા અન્ય શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ, યુવાનો અને કાર્યકરો સામે કોઈપણ પ્રકારની દંડાત્મક, કાયદાકીય અથવા બદલો લેવાના સ્વરૂપની કાર્યવાહી કરવામાં નહીં આવે.તેમણે જણાવ્યું કે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર છે. સરકાર તરફથી આ મુદ્દે લેખિત આશ્વાસન મળ્યા બાદ જ તેમણે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.

પેપર લીક સામે વધુ કડક કાયદો
બીજી મહત્વપૂર્ણ સહમતિ પરીક્ષા પેપર લીકના મુદ્દે થઈ હતી.વાંગચુકે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના વીડિયો સંદેશમાં પેપર લીક સામે વધુ કડક કાયદો લાવવાની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે પેપર લીક જેવા ગુનાઓ માટે વધુ કડક કાનૂની જોગવાઈઓ કરવામાં આવશે, દોષિતોને ઝડપથી સજા મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને આવી ગેરરીતિઓ ફરી ન બને તે માટે સમગ્ર પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે.

  1. વિદ્યાર્થીઓના મુદ્દે સંવાદ ચાલુ રહેશે
    ત્રીજી સહમતિ એ રહી કે સરકાર વિદ્યાર્થીઓના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળશે અને સંવાદની પ્રક્રિયા ચાલુ રાખશે.
    વાંગચુકે જણાવ્યું કે ચર્ચા દરમિયાન સરકારના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓની ચિંતાઓને અવગણવામાં નહીં આવે અને જરૂરી સુધારાઓ અંગે સતત ચર્ચા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે આંદોલનનો હેતુ સરકાર સાથે ટકરાવ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે ન્યાય મેળવવાનો છે.
  2. 65થી વધુ સાંસદોએ કરી હતી અપીલ
    વાંગચુકે વીડિયોમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 65થી વધુ સાંસદોએ વ્યક્તિગત મુલાકાત લઈને અથવા પત્ર લખીને તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અનેક શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ પણ તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ તમામ બાબતો અને સરકાર સાથેની ચર્ચાને ધ્યાનમાં રાખીને તેમણે ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.
  3. દેશમાં હિંસા ન થાય તે સૌથી મોટી પ્રાથમિકતા
    સોનમ વાંગચુકે કહ્યું કે તેમને સૌથી વધુ ચિંતા એ હતી કે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન દેશમાં ક્યાંય હિંસાની સ્થિતિ ઊભી ન થાય.તેમણે પોતાના તમામ સમર્થકોને અપીલ કરી કે તેઓ કોઈપણ પ્રકારની ઉશ્કેરણીમાં ન આવે અને સંપૂર્ણ શાંતિ જાળવે. તેમણે કહ્યું કે કોઈપણ લોકશાહી આંદોલનની સૌથી મોટી શક્તિ અહિંસા અને સંવાદ છે.
  4. CJPનું આંદોલન યથાવત્
    સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યું હોવા છતાં Cockroach Janta Party (CJP)એ સ્પષ્ટ કર્યું છે કે તેમનું આંદોલન હજુ પૂર્ણ થયું નથી.CJPના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું કે વાંગચુકે પોતાના સ્વાસ્થ્ય અને દેશના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લીધો છે, પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહેશે.
  5. વડાપ્રધાન મોદીની અપીલ
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર સોનમ વાંગચુકને શુભેચ્છા પાઠવી હતી.
    તેમણે કહ્યું કે વાંગચુક ડૉક્ટરોની સલાહનું પાલન કરે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને શક્ય તેટલી વહેલી તકે પહેલાનું વજન ફરી પ્રાપ્ત કરે. વડાપ્રધાને વિદ્યાર્થીઓને પણ વિશ્વાસ અપાવ્યો હતો કે પેપર લીક સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
  6. સરકારના ત્રણ મોરચા પર પ્રયાસ
    આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કેન્દ્ર સરકારે ત્રણ સ્તરે કામગીરી શરૂ કરી હોવાનું પણ સામે આવ્યું છે.
    વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓ સાથે રાજકીય સંવાદ.
    પેપર લીક સામે વધુ કડક કાયદાની તૈયારી.
    શિક્ષણ મંત્રાલયમાં વહીવટી ફેરફારો કરીને પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ.
  7. વાંગચુકે શું કહ્યું?
    પોતાના વીડિયોના અંતમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે અનશન સમાપ્ત થવાનો અર્થ સંઘર્ષનો અંત નથી.
    તેમણે કહ્યું કે આ લડત વિદ્યાર્થીઓના ભવિષ્ય, પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને જવાબદાર શાસન માટે છે. હવે આ લડત વધુ જવાબદારીપૂર્વક, શાંતિપૂર્ણ રીતે અને સંવાદના માર્ગે આગળ વધશે.તેમણે દેશના યુવાનોને અપીલ કરી કે તેઓ શાંતિ જાળવે, કાયદાનું પાલન કરે અને પોતાના હક્ક માટે લોકશાહી માર્ગે જ અવાજ ઉઠાવે, સરકાર તરફથી મળેલા લેખિત આશ્વાસન બાદ ભલે સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યું હોય, પરંતુ હવે સૌની નજર એ વાત પર રહેશે કે સરકાર પોતાની ખાતરીઓને કેટલા ઝડપથી અમલમાં મૂકે છે. પેપર લીક સામે કડક કાયદો, વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉલ અને શાંતિપૂર્ણ આંદોલનમાં જોડાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની ખાતરી જેવા મુદ્દાઓ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર માટે અગત્યની કસોટી બનવાના છે. બીજી તરફ, CJP અને અન્ય વિદ્યાર્થી સંગઠનો પણ સરકારના દરેક પગલાં પર નજર રાખીને પોતાના આંદોલનને આગળ વધારવાની તૈયારીમાં છે.

Most Popular

To Top