Entertainment

સોનાક્ષીની આવતીકાલ સારી હશે

સોનાક્ષી સિંહા ‘દહાડ’ની અંજલી ભાટી તરીકે પ્રશંસા મેળવ્યા પછી નવા મુકામો માટે તૈયાર છે. તેની કેટલીક ફિલ્મો નિષ્ફળ ગઇ એટલે ઘણા કહેવા માંડયા કે તે હવે પરણી જશે. આ માટે તેનો બોયફ્રેન્ડ છે એવા પણ કિસ્સા ચાલ્યા. સોનાક્ષી આ વિશે કશું ન બોલી. નિષ્ફળતાના સમયમાં ધૈર્યની જરૂર હોય છે અને કામ કરવાની તત્પરતા ઓછી ન થવી જોઇએ. સોનાક્ષીની આ બંને બાજુ સાબૂત છે. ‘ડબલ એકસ’, ‘બુલબુલ તરંગ’ ન ચાલી તો ન ચાલી.

આ સમયમાં દિપીકા, આલિયા, કેટરીના વગેરેની ય ફિલ્મો નથી ચાલી. સોનાક્ષીમાં એ સાહસ છે કે વેબ સિરીઝમા કામ કરી શકે છે. ‘ફોલન’ અને ‘દહાડ’માં આવી તેણે સાબિત કર્યું છે કે તે ટકી જવાનું જાણે છે અને આ કારણે જ સંજય લીલા ભણશાલીની ‘હીરામંડી’ મેળવી શકી છે. કોઇ માને ન માને પણ અત્યારે તેની પાસે છ ફિલ્મો છે. જો તે નિષ્ફળ ગણાવા માંડી હોત તો આટલી ફિલ્મો ન મળી હોત. તે જયારે આ છ ફિલ્મો ગણાવે છે ત્યારે કહે છે કે તેમાંની એક પણ ફિલ્મ ‘દબંગ’ શ્રેણીની નથી અને સલમાન ખાન વિના ફિલ્મો મળે છે. તે જો કે શરૂથી જ આ બાબતે પોતાનો રસ્તો કરતી આવી છે. સલમાન ફિલ્મો અપાવે અને તે મેળવે એવું નથી.

તે એવી લાચાર એકટ્રેસ નથી. સલમાન સાથે કામ કરવામાં જોખમ એ હોય છે કે તરત જ અફવા ફેલાવનારના કાન ઉંચા થઇ જાય છે અને લફડા શોધી કાઢે છે. સોનાક્ષી અને સલમાન વિશે આવી અફવા કયારેય નથી આવી. સોનાક્ષી બહુ સ્પષ્ટ વ્યકિતત્વ ધરાવે છે. હવે તે રાહ જોઇ રહી છે તેની એ ફિલ્મોની જેના વડે ફરી તે પોતાને પૂરવાર કરવા માંગે છે. એ ફિલ્મો એવી નથી જેમાં મોટા સ્ટાર્સ જ ફિલ્મને લીડ કરતા હોય. એટલે કે સલમાન, શાહરૂખ જેવા સ્ટાર વિનાની એ ફિલ્મો છે. જેમ કે તે ‘ખિલાડી 1080’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં રઘુપતિ, રાઘવ, રાજા રામ નામના એક સરખા દેખાતા ભાઇઓ ગુનાઇત અને ખતરનાક લોકો સામે પડે છે. મઝાની વાત એ છે કે તેમાં મુખ્ય ભૂમિકા સોનાક્ષી, રકુલ પ્રીત સીંઘ, હુમા કુરેશી અને શહેનાઝ ગીલની છે. આ ફિલ્મ જો કે ઠેઠ 2025માં રજૂ થવાની છે. ‘બડે મિયાં છોટે મિયાં’માં તે અક્ષયકુમાર સાથે કામ કરી રહી છે અને એ ફિલ્મ પણ હજુ આવતા વર્ષે એપ્રિલમાં રજૂ થવાની ધારણા છે.

Most Popular

To Top