SURAT

સુરતમાં બિપરજોયની આફટર ઈફેક્ટ: દરિયા કિનારે 52 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

સુરત: બિપોરજોય વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી દૂર નીકળી ગયા પછી પણ તેની આફ્ટર ઇફેકટ શહેરમાં જોવા મળી હતી. દરિયાકાંઠે ગતરોજ બુધવારે 52 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. સાથે શહેર તથા જિલ્લામાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. સાથે ઝાડ અને વીજપોલ તૂટી પડવાના બનાવો પણ છેલ્લાં ત્રણ દિવસથી સામે આવી રહ્યાં છે. બિપોરજોય વાવાઝોડું ભલે દક્ષિણ ગુજરાતથી ફંટાઈ ગયું પરંતુ તેની છૂટક અસરો છોડતું ગયું છે. દરમિયાન આજે ગુરુવારે પણ સુરતમાં ઝડપી પવનો ફૂંકાઈ રહ્યાં છે.

બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે શહેરમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો ધૂળની ડમરીઓથી પરેશાન થઈ રહ્યાં હતા. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અને રાહદારી ત્રસ્ત થઈ ગયા હતા, ત્યારે આજે સાંજે થયેલા છૂટક વરસાદને કારણે ધુળની ડમરીઓમાંથી રાહત મળી હતી. વરસાદના હળવા ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હજુ ત્રણ દિવસ ઝડપી પવનો ફૂંકાશે: હવામાન વિભાગ
હવામાન વિભાગે હજી 3 દિવસ પવનની ઝડપ 50થી 60 કિલોમીટરની રહેવાની આગાહી કરી છે. અને 18મી જૂનથી પવનની ઝડપ ક્રમશઃ ઘટશે. આજરોજ બુધવારે વાતાવરણ પલટાતાં શહેરના પાલ, અડાજણ, કતારગામ, વરાછા, ભટાર, ડિંડોલી, ઉધના, સચીન, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. આ સિવાય ઓલપાડ તાલુકામાં 5 મીમી, સુરત શહેરમાં 7 મીમી અને ચોર્યાસી તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી શહેરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

શહેરમાં સરેરાશ 22 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો
દરિયાકાંઠે છેલ્લા ચાર દિવસથી આશરે 54 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો છે. જોકે શહેરમાં પવનોની ઝડપ ઘટી જાય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં સરેરાશ બે દિવસથી 15 થી 18 કિમીની ઝડપે પવન ફુંકાયા છે. ત્યારે વાવાઝોડુ આગળ વધી ગયા પછી શહેરમાં તેની વધારે અસર જોવા મળી હતી. અને સરેરાશ પવનોની ઝડપ બુધવારે વધીને 22 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ યથાવત રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઘટીને 27.4 ડિગ્રી નોંધાયું છે.

Most Popular

To Top