Dakshin Gujarat

બિલીમોરામાં દીકરાએ કરી માતાની હત્યા : ચાકૂથી ગળું કાપ્યું, જીવ ન ગયો તો ગળું દબાવ્યું અને આખરે સળગાવી દીધી

બીલીમોરા : બીલીમોરાના (Bilimora) ઓરિયા મોરિયામાં રહેતા હેવાન પુત્રનો તેની વિધવા (Widow) માતા (Mother) સાથે વારંવાર ઝઘડો થતા તેનું ચપ્પુથી ગળું કાપી નાખ્યું હતું. તેમ છતાં માતા જીવિત રહેતા તેનું ગળું દબાવી તેની હત્યા (Murder) કર્યા બાદ લાશને ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ઘસડી જઈને તેને સળગાવી દીધી હતી. જોકે પડોશીઓ તરત ત્યાં પહોંચી જઈને આગ હોલવી નાખી પોલીસને જાણ કરતા પોલીસે નરાધમ પુત્રની ધરપકડ કરી લીધી હતી.

  • પ્રિયાંક કંઈ કામધંધો કરતો નહીં હોવાથી માતા સાથે વારંવાર ઝઘડો કરી ઘરમાંથી તેઓને કાઢી મૂકતો હતો
  • માતાની લાશને ઘરની બહાર ઘસડી સળગાવી મારી પણ પડોશીઓએ પહોંચી આગ ઓલવી પોલીસને જાણ કરતાં પુત્રની ધરપકડ

આરિયા મોરિયા પદ્મશાળી સોસાયટીમાં રહેતો પ્રિયાંક રણછોડભાઈ ટંડેલ (31) તેની વિધવા માતા સુમિત્રાબેન રણછોડભાઈ ટંડેલ (62) સાથે રહેતો હતો. પ્રિયાંક તેની માતા સાથે વારંવાર ઝઘડો કરી તેને ઘર બહાર કાઢી મૂકતો હતો અને આ લગભગ રોજનું જ હતું. પ્રિયાંક કોઈ કામ ધંધો કરતો ન હતો, તેની ત્રણ બહેનોના લગ્ન થઈ ગયા હતા અને બધી પોતાના સાસરે રહે છે જ્યારે તેના પિતાનું વર્ષ 2019 માં અવસાન થયુ હતું.

બુધવારે સવારે પણ સુમિત્રાબેન સાથે પુત્ર પ્રિયાંકનો ઝઘડો થયો હતો. જેથી તેણે માતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ ફરી માતાને ઘરમાં પરત બોલાવી પ્રિયાંકે ચપ્પુથી માતાના ગળા ઉપર ઉપરા છાપરી પ્રહારો કર્યા હતા. લોહી લુહાણ હાલતમાં માતા જમીન પર ફસડાઈ પડી હતી, પણ તે જીવીત હતી જેથી પ્રિયાંકે માતાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી.

આટલું જનાધન કૃત્ય કર્યા બાદ નરાધન પ્રિયંક મૃત્યુદેહને ઘરની બાજુની ખુલ્લી જગ્યામાં ઘસડી ગયો હતો. જ્યાં તેના ઉપર લાકડાના પાટીયા, ઘાસ, કાગળ નાંખીને લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ધુમાડો જોતા પડોશમાં રહેતા લોકોને આગ લાગ્યાનો અહેસાસ થયો હતો. પણ નજીક જઈને જોયું તો દરેકના હોશ હોશ કોશ ઉડી ગયા.

તરત જ લોકોએ આગને હોલવીને બનાવની જાણ પોલીસને કરતા ઘટના સ્થળે તરત જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે મરનાર સુમિત્રાબેન ટંડેલની પુત્રી અંજલીબેન પ્રજાપતિ (રહે. કોપરલી, વાપી)ની ફરિયાદ લઈ માતાની હત્યા કરનાર ભાઈ વિરુધ્ધ ફરિયાદ આપતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

રોજની ઝંઝટથી કંટાળી ગયો હતો
આરોપી પુત્ર બનાવના સ્થળે ચૂપચાપ ઊભો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જોકે તેણે જણાવ્યું હતું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે. રોજની ઝંઝટથી તે કંટાળી ગયો હતો. મને જે સજા કરવી હોય તે હું ભોગવવા તૈયાર છું. આ બનાવે બીલીમોરામાં અરેરાટી ફેલાવી દીધી છે.

Most Popular

To Top