Gujarat Main

સોખડામાં સંતોનો વિવાદ: શાંતિ બેઠકમાં કલેકટર સામે જ હરિભક્તોએ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંસ્કાર લજવ્યા

વડોદરા: સોખડા સ્વામીનારાયણ મંદિરમાં (Sokhda Swaminarayan Temple) સંતો વચ્ચેનો વિવાદ શાંત થવાના બદલે વધતો જ જાય છે, ગતરોજ મંદિરના પરિસરમાં જ સરલસ્વામીએ રાત્રે પ્રબોધસ્વામીનું ગળું પકડી ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ થયા છે. વાત એટલી વણસી છે કે કેટલાંક હરિભક્તો સંત સાથેના ગેરવર્તનના મામલે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી. જો કે આજે બોલાવેલી શાંતિની બેઠકમાં પણ બંને જૂથના હરિભક્તો બાખડતા વિવાદ વધારે વકર્યો છે. બંને પક્ષાના હરિભક્તો વચ્ચે ઘર્ષણ અને ધક્કા-મુક્કી થઇ હતી. પ્રબોધસ્વામીના સમર્થકોએ ત્યાગવલ્લભ સ્વામીના કપડા લઇ લો…તેમને રાજકોટ ભેગા કરોનો સૂત્રોચ્ચોર કર્યો હતો.

દરમિયાન બંને જૂથના હરિભક્તો વચ્ચે કલેક્ટર કચેરીમાં જ ઘર્ષણ અને ધક્કા-મુક્કી થઇ હતી. બંદોબસ્તમાં હાજર પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ દરમિયાન ત્યાગવલ્લભ સ્વામી ત્યાં હાજર હતા. ત્યાગવલ્લભ સ્વામી સામે પ્રબોધસ્વામી જૂથના ભક્તોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ગો બેક.. ગો બેક.. આ સંતોના કપડા લઇ લો..ગુંડાગર્દી બંધ કરો… હરિધામ કોઇના બાપનું નથી.. હરિધામ ભક્તોનું છે.. તમે રાજકોટ જતા રહો.. મંદિર દર્શન માટે ખોલો..ના નારાઓથી સમગ્ર કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી.

ગતરોજ અપાયું હતું કલેકટરને આવેદન
ગતરોજ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપનાર હરિભક્તોએ કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માગ કરી છે. હરિભક્તોનો આક્ષેપ છે કે ગઈકાલે સોમવારે રાત્રે સોખડા હરિધામના સંત પ્રબોધસ્વામી સાથે ગેરવર્તન થયું છે. સરલસ્વામી દ્વારા પ્રબોધસ્વામીને ધક્કો મારી ગળું દબાવવામાં આવ્યું છે. સરલસ્વામીએ પહેલીવાર આવું નથી કર્યું, તેઓ આ પહેલાં પણ ગાળો બોલી ધમકી આપી ચૂક્યા છે, જેનો વીડિયો પુરાવારૂપે હોવાનો હરિભક્તોએ દાવો કર્યો છે. આ સાથે જ હરિભક્તો દ્વારા વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર સોંપી ન્યાયની માંગણી કરાઈ છે. હરિધામ સોખડાના કોઠારી પદે હાલ પ્રેમસ્વરૂપ સ્વામી છે તેઓને ખસેડવા માંગ કરાઈ છે. હરિભક્તોનો આક્ષેપ છે કે પ્રેમસ્વામી સોખડા હરિધામની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે.

શાંતિ બેઠકમાં બંને પક્ષના હરિભક્તો બાખડ્યા
જો કે હવે આ મામલે વિવાદને શાંત કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. કલેકટર કચેરીમાં બોલાવેલી આ બેઠકમાં બંને પક્ષના હરિભક્તો બાખડ્યા હતા. બંને પક્ષના હરી ભક્તોએ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થકોએ આક્ષેપ કર્યો હતો કે પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થકો દ્વારા તમામ વાતોનું જુદી જુદી રીતે અર્થઘટન કરીને ઓડિયો-વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જ હરિપ્રસાદ સ્વામીજીના સાચા આધ્યાત્મિક અનુગામી છે તેવું પ્રેસિડન્ટશીપના પાવરનો ઉપયોગ કરીને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ મંદિરમાં ત્યાગવલ્લભ સ્વામી અને એમના જૂથ દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામીનો સ્વીકાર અનુગામી તરીકે કરવા માટે કેમ્પસના સંતો-સેવકોને દબાણ કરવામાં આવે છે.

સીસીટીવી ફૂટેજ ગાયબ કરવાનો પ્રયન્ત કર્યાનો આક્ષેપ
આ સાથે અન્ય આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં ન આવે તે માટે પણ પ્રેમ સ્વરુપ સ્વામી જૂથના કેટલાક સંતો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. તો એવા પણ આક્ષેપ છે કે, અનેક સંતો આ સીસીટીવી ફૂટેજને ગાયબ કરવાના પણ પ્રયત્ન કરી રહ્યા છે.

શું થયું હતું રાત્રે?
એક અંબરીશ દીક્ષાર્થીએ કહ્યું કે, ગઈકાલે રાત્રે 12.30 કલાકની આસપાસ પ્રબોધસ્વામી અનિર્દેશ ખંડથી યોગી આશ્રમ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે માર્ગમાં સરલસ્વામીએ પ્રબોધસ્વામીને ટોકતા કહ્યું હતું કે, અમે બોલાવીએ છીએ છતાં તમારા સેવકો સેવા કરવા કેમ આવતા નથી? આવું કહી સરલસ્વામીએ પ્રબોધસ્વામીનો કાંઠલો પકડી લીધો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા કહ્યું હતું કે, મંદિરમાંથી બહાર નીકળી જાવ, અમને તમારી કોઈ જરૂર નથી. ત્યારે ત્યાગ સ્વામીએ પણ કહ્યું હતું કે, તમને જોઈ લેશું. આ ઘટના બાદ મામલો થાળે પડી ગયો હતો, પરંતુ પ્રબોધસ્વામીના નિકટના હરિભક્તો રોષે ભરાયા હતા અને આજે વડોદરાના કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

આ અગાઉ 6 જાન્યુઆરીએ પણ ઝઘડો થયો હતો
આ અગાઉ 6 જાન્યુઆરીએ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં એક હરિભક્તને માર માર્યાનો બનાવ બન્યો હતો. મંદિર પરિસરમાં યોગી આશ્રમ તરફથી કેટલાક ભાઈઓ અને બહેનો જોરથી અવાજ કરતા હોઈ અનુજ નામનો હરિભક્ત મિત્રો સાથે જોવા માટે બહાર નીકળ્યો હતો, ત્યારે તમે કેમ બહાર નીકળ્યા તેમ કહીને તેઓને ખખડાવ્યા હતા. ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામી પાસે આવીને તે કેમ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો છે તેમ કહી મોબાઈલ ઝુંટવ્યો હતો અને ત્યારબાદ હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી અને સ્વામી સ્વરૂપ સ્વામીએ તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને મનહર સોખડાવાળાએ પણ માર માર્યો હતો ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામીએ તેમની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને તે જીવ બચાવીને ઓફિસમાં દોડીને જતો રહ્યો હતો. ત્યાર પછી તેમણે પોલીસને બનાવની જાણ કરી હતી.

Most Popular

To Top