Vadodara

SMCનો સપાટો: 5 દિવસમાં એક જ સ્થળે ફરી દરોડો

વડોદરા : વડોદરા શહેરમાં ઉપરા-છાપરી SMCની ટીમ દ્વારા દારૂ પકડી પાડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી રહી છે. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્થળે પાંચ દિવસ અગાઉ જ SMCએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે સ્થળ ભાવના રોડવેઝમાં ફરી એકવાર SMCએ દરોડા પાડ્યા હતા. અને 10 પેટી રૂ.24 હજારની કિંમતની બીયર ઝડપી પાડી હતી. સતત બીજીવાર પાંચ જ દિવસની અંદર એક જ સ્થળ પરથી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ સહિત અન્ય સ્કોર્ડો ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે. ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું છે.

મળતી વિગતો મુજબ, SMCની ટીમને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર ભીંવડી ખાતેથી જીસી(ગુડ્સ કન્સાઈમેન્ટ) પાંચ સીલ બંધ બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કારેલીબાગ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવના રોડવેઝ, કારેલીબાગની બ્રાન્ચના ગોડાઉનમાં પડેલો છે. જેના આધારે SMCએ બાતમી મુજબના સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. ભાવના રોડવેઝ ઉપર જઈ ત્યાંના મેનેજર ઉજ્જવલ વિનોદચંદ સોની(રહે, લહેરીપુરા, ન્યાય મંદિર)ની જીસી અંગે પુછપરછ કરતા ઉપરોક્ત બાતમી મુજબના જીસીના 5 બોક્સ તે ગોડાઉન પર જ પડ્યા હોવાનું જાણવા મળ્યુ હતું.

SMCએ તે જીસીના 5 બોક્સ ખોલી જોતા તેમાંથી 10 બોક્સ જેમાં 240 બીયરના ટીન રૂ.24 હજારની કિંમતના મળી આવ્યા હતા. જીસી અંગે પુછપરછમાં જાણવા આ જીસી ભાવના રોડવેઝની ભીંવડી બ્રાન્ચ ખાતેથી આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. સાથે આ પાર્સલ કોણ લેવા આવવાનું હતું તે અંગેની પુછપછમાં એક રીક્ષા ચાલક ઉપરોક્ત જીસી લેવા આવ્યો હતો. પરંતુ તે જીસી આવ્યા ન હતું જેથી તે તેનો નંબર આપી જતો રહ્યો હતો. ત્યારબાદ રીક્ષાચાલકના ફોન નંબર બંધ થઈ ગયા હતા. SMCએ કારેલીબાગ પોલીસને જાણ કરી સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને આ અંગે પ્રોહિબીશન એક્ટ સહિત ગુના નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

સ્થાનિક પોલીસ તો ઠીક DCB,PCB, SOG, LCB સ્કોર્ડો પણ ઊંઘતી ઝડપાઈ
કારેલીબાગ વિસ્તારમાં પાંચ દિવસમાં એક જ સ્થળ ઉપર SMCએ દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે એક જ સ્થળ ઉપરથી આટલા ઓછા સમયમાં દારૂ પકડાતા શહેર પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલા ઉભા થઈ રહ્યા છે. બીજી બાજુ કોઈ સ્થળ ઉપર SMC દ્વારા ગેરકાયેદસરની પ્રવૃતિ ઉપર દરોડા પાડવામાં આવે છે. ત્યારે તપાસમાં સ્થાનિક પોલીસની કોઈ મિલીભગત જણાય તો તેઓ વિરૂદ્ધ કાર્યવાહી થતી હોય છે. પરંતુ શહેરમાં કામ કરતી અન્ય પોલીસની સ્કોર્ડો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે હવે હોવાનું એ રહ્યું છે કે, આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.

Most Popular

To Top